
પ્રચાર સાપ્તાહિકના અહેવાલોની અસર-આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી ITI ચાર રસ્તા બ્લેકસ્પોટ બનતો અટકાવવા બ્રીજ એક્ષ્ટેન કરાશે

વિસનગરનો આઈ.ટી.આઈ. બ્રીજ ચાર રસ્તાથી ૫૦ મીટર જેટલા અંતરે ઉતરતો હોવાથી અકસ્માતના ગંભીર બનાવો બને તેવી શક્યતા જોઈ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે બ્રીજ એક્ષ્ટેન કરવા ભલામણ કરી હતી. વિસનગર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે પણ આઈ.ટી.આઈ. ચાર રસ્તા બ્લેક સ્પોટ બનતો અટકાવવા બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવા આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી. જેના પરિણામ સ્વરૂપ જીયુડીસીના અધિકારીઓ દ્વારા બ્રીજ એક્ષ્ટેન કરવા સર્વે કરવામાં આવ્યો હતો. હાલમાં બ્રીજનુ આઈ.ટી.આઈ. તરફનુ કામ બંધ છે તેનુ કારણ પણ બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર હોઈ શકે. હાલની ડિઝાઈન પ્રમાણે જો બ્રીજ બને તો ચાર રસ્તા ઉપર અકસ્માતના ગંભીર બનાવો બની શકે તેવી દિર્ઘદ્રષ્ટી રાખતા આરોગ્ય મંત્રીની ભલામણ તથા સૂચનાથી બ્રીજ એક્ષ્ટેન કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
પાલિકા તંત્રની રજુઆત બાદ જીયુડીસી દ્વારા સર્વે કરાયો
વિસનગરમાં આઈ.ટી.આઈ. ઓવરબ્રીજની હાલની ડિઝાઈન પ્રમાણે ધરોઈ કોલોની રોડ ઉપર વિદ્યાનગર સોસાયટી આગળથી બ્રીજ શરૂ થાય છે. જ્યારે આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી ૫૦ મીટર દૂર બ્રીજ ઉતરે છે. આઈ.ટી.આઈ. ચાર રસ્તા ખુબજ ટ્રાફીક રહેતો હોવાથી ૫૦ મીટર દૂર ઉતરતા બ્રીજના કારણે અકસ્માતની ભયંકર સમસ્યા સર્જાય તેવી પુરેપુરી શક્યતા છે. પ્રચાર સાપ્તાહિકે વિસનગરના વિકાસ કામ બાબતે તેમજ લોક સમસ્યા અને પ્રશ્નો બાબતે હંમેશા જાગૃતિ દાખવી છે. આઈ.ટી.આઈ. ચાર રસ્તા ઉપર બ્રીજના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય તેવી શક્યતા જોઈ પ્રચાર સાપ્તાહિકના તા.૪-૩-૨૦૨૪ અને તા.૨૮-૧૦-૨૦૨૪ ના અંકમાં ઓવરબ્રીજથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા અકસ્માત ઝોન બનશે અને અનેક લોકો અકસ્માતનો ભોગ બનશે તેવા અહેવાલ પ્રસિધ્ધ કરાયા હતા. ત્યારે બીજી બાજુ વિસનગરના જાગૃત ધારાસભ્ય તેમજ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ પણ આ બાબતે રજુઆત થઈ હતી. ઓવરબ્રીજનુ કામ શરૂ થતા વાહનોના ડાયવર્ઝન માટેનુ જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ ટ્રાફીક નિવારણ માટેની જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન તેમજ પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં પણ આઈ.ટી.આઈ. ચાર રસ્તા અકસ્માત ઝોન બનશે તેવી બ્રીજની ડિઝાઈન હોવાથી બ્રીજ એક્ષ્ટેન કરવા ચર્ચા કરાઈ હતી.
આઈ.ટી.આઈ. ચાર રસ્તા અકસ્માતની વણઝાર સર્જાય તેવી બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર માટે આરોગ્ય મંત્રીએ પણ સરકારમાં રજુઆત કરી હતી. પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રીવેદી પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે તા.૬-૧-૨૦૨૫ ના પત્રથી આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી કે, પાલિકા હદ વિસ્તારમાં ન્ઝ્ર-૧૮ ની બ્રીજની જે કામગીરી નિર્માણા ધીન છે તે ખેરાલુ અંબાજી લીંક રોડ ઉપર રાજા કોમ્પલેક્ષ બંસલ મોલથી શરૂ થઈને આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી ૩૫ મીટર નજીકના અંતરે ઉતરે છે, બ્રીજ પુરો થાય છે તે આઈ.ટી.આઈ. ચાર રસ્તાથી બીલકુલ નજીક છે. કાંસા તરફથી તથા વિસનગર તરફથી આવતો ટ્રાફીક ચાર રસ્તે પસાર થાય છે. બ્રીજ ઉપરથી ચાર રસ્તા તરફ આવતા ભારે વાહનો તથા ચાર રસ્તા ઉપરથી પસાર થતા વાહનો વચ્ચે અકસ્માતની સંભાવના હોઈ ભવિષ્યમાં આ ચાર રસ્તા બ્લેક સ્પોટ બને તેવી વકી છે. જે નિવારણ માટે બ્રીજની ડિઝાઈનમાં ફેરફારનો નિર્ણય કરવો હિતાવહ છે.
પ્રચાર સાપ્તાહિકના અહેવાલો તથા પાલિકાની રજુઆત બાદ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે બ્રીજની ડિઝાઈનમાં ફેરફાર કરવા જી.યુ.ડી.સી.ને સૂચના આપતા તા.૧-૨-૨૦૨૫ ને શનિવારના રોજ જીયુડીસીના અધિકારીઓની ટીમ બ્રીજ એક્ષ્ટેન્શનના સર્વે માટે વિસનગર આવી હતી. જીયુડીસી દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસેના ખુલ્લા પ્લોટ પછી સુર્યાબા હોસ્પિટલ વાળુ એવન પ્લાઝા માર્કેટ જ્યા પૂરુ થાય છે ત્યા સુધી બ્રીજ એક્ષ્ટેન થશે. દિવાળી બાદ આઈ.ટી.આઈ. ફાટકથી બસંલ મોલ તરફ બ્રીજનુ કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. પરંતુ ફાટકથી આઈ.ટી.આઈ. તરફનુ કામ બ્રીજ એક્ષ્ટેન્શનના કારણે શરૂ થયુ નથી. જીયુડીસીના સર્વે બાદ સૈધ્ધાંતિક, તાંત્રીક અને વહિવટી મંજુરી માટેની કાર્યવાહી ચાલુ કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.