
લાલ દરવાજા વોટર વર્કસની ૧૩૮ લાખની યોજનાના અમલીકરણમાં ઢીલ

લોક સુવિધા પુરી પાડવાની ઈચ્છા શક્તિના અભાવે
- પાલિકાનો વિકાસનો લાભ આપવામાં ભેદભાવ-શામળભાઈ દેસાઈ
વિસનગર પાલિકા દ્વારા લાલ દરવાજા વોટર વર્કસમાં સંપ અને ઓવરહેડ ટાંકીનુ નિર્માણ કાર્ય પૂર્ણ કર્યાના છ માસ ઉપરાંત્તનો સમય થવા છતા એક કેબલ નાખવાના કામ નહી થતા આ આખી યોજના ધૂળ ખાઈ રહી છે. દરબાર સંપ અને ઓવરહેડ ટાંકીના કામ પહેલા લાલ દરવાજા વોટર વર્કસનુ કામ પુરૂ થયુ હતુ. ત્યારે પાલિકા વિકાસનો લાભ આપવામાં ભેદભાવ રાખતી હોવાનુ વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ.
વિસનગર પાલિકા દ્વારા હમણા થોડા સમય પહેલાજ રૂા.૬ કરોડના વિકાસ કામના ટેન્ડર ઓપન કરવામાં આવ્યા. પરંતુ જે વિકાસ કામ પૂર્ણ થઈ ગયા છે તે યોજનાના અમલીકરણમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. લાલ દરવાજા વોટર વર્કસમાં આવેલ ઓવરહેડ ટાંકી વર્ષો જૂની હોવાથી જર્જરીત થતા આ વોટરવર્કસથી વડનગરી દરવાજા, મેઈન બજાર, પટણી દરવાજા, માયાબજાર, ગુંદીખાડ વિગેરે વિસ્તારોમાં પુરતા ફોર્સથી પાણી પહોચતુ થાય તે માટે નવો સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી છે. રૂા.૬૨.૪૪ લાખના ખર્ચે ૨૦ લાખ લીટરનો સંપ તથા રૂા.૭૫.૯૨ લાખના ખર્ચે ૫.૭૫ લાખ લીટરની ક્ષમતાની ઓવરહેડ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ બન્ને ટાંકીનું કામ પૂર્ણ થઈ ગયા બાદ છ માસ જેટલો સમય થવા આવ્યો છતા આ ઓવરહેડ ટાંકીમાંથી હજુ સપ્લાય આપવામાં આવ્યો નથી. કયા કારણોથી પીવાનુ પાણી પહોચતુ કરતી યોજનાનુ અમલીકરણ થયુ નથી તેની તપાસ કરતા જાણવા મળ્યુ છેકે, જુની ટાંકીના ઈલેક્ટ્રીક રૂમમાંથી નવા સંપ સુધી કેબલ નાખવામાં આવ્યો નથી. નવી ઓવરહેડ ટાંકીનો સપ્લાય આપવા માટે પાઈપલાઈનમાં કનેક્શન આપવામાં આવ્યુ નથી. ઈલેક્ટ્રીક કેબલ નાખવાની તેમજ કનેક્શન આપવાનુ કામ સામાન્ય છે. પરંતુ વિકાસનો લાભ આપવાની ઈચ્છા શક્તિના અભાવે છેલ્લા છ મહિનાથી આ કામ થયુ નથી. વોટર વર્કસની જુની ટાંકીની ક્ષમતા ઓછી હોવાથી આ ઝોનના છેવાડાના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી પહોચતુ નહી હોવાની ફરિયાદ વર્ષોથી છે. આ વોટર વર્કસના સપ્લાયમાં મોટા ભાગનો મુસ્લીમ સમાજનો રહેણાંક વિસ્તાર આવી જાય છે. આ વિસ્તારો પણ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અત્યારે રમઝાન માસમાં જો નવી ઓવરહેડ ટાંકીનો સપ્લાય શરૂ થાય તો મુસ્લીમ સમાજના વિસ્તારોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમ છે.
નોંધપાત્ર બાબત છેકે, દરબાર રોડ જુની મામલતદાર ઓફીસના કમ્પાઉન્ડમાં સંપ અને ઓવરહેડ ટાંકી બની તે પહેલા લાલ દરવાજા વોટર વર્કસમાં સંપ અને ટાંકીનુ કામ પૂર્ણ થયુ હતુ. તેમ છતા લાલ દરવાજા વોટર વર્કસનુ કામ અટકાવી વિલંબમાં મુકીને પ્રથમ દરબાર રોડની ટાંકીનુ ઈલેક્ટ્રીક તથા કનેક્શનનુ કામ પૂરુ કરી સપ્લાય શરૂ કરાયો. વિકાસ કામના નવા ટેન્ડર પાડવામાં આવે છે તો પૂર્ણ થયેલી રૂા.૧૩૮ લાખની યોજનાનો લાભ કેમ આપવામાં આવતો નથી તેવા પ્રશ્નો લોકોમાં થઈ રહ્યા છે.
લાલ દરવાજા વોટર વર્કસની ઓવરહેડ ટાંકીનો સપ્લાય શરૂ કરવામાં નહી આવતા આ વોર્ડ નં.બે ના સભ્ય તથા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, પાલિકા દ્વારા નાના બક્ષીપંચ સમાજો પ્રત્યે હંમેશા ભેદભાવ રાખવામાં આવે છે. આ વોટર વર્કસમાંથી બક્ષીપંચ સમાજના વિસ્તારો ઉપરાંત્ત મુસ્લીમ સમાજના વિસ્તારોમાં સપ્લાય આપવામાં આવે છે. ત્યારે ભાજપના શાસનમાં સુવિધા આપવામાં નાના સમાજો પ્રત્યે અણગમો રાખવામાં આવે છે. લાલ દરવાજા સ્ટેટ બેંકના જુના મકાનમાં કોમ્યુનીટી હૉલ બનાવવા વિકાસમંચના શાસનમાં ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જો કોમ્યુનીટી હૉલ બન્યો હોત તો આ વિસ્તારના નાના સમાજના લોકોને પ્રસંગ કરવા સામાન્ય ભાડામાં જગ્યા મળી રહે તેમ હતી. ત્યારે પાલિકામાં ભાજપનુ શાસન આવતાજ કોમ્યુનીટી હૉલનો ઠરાવ રદ કરાયો હતો. ભાજપ શાસીત પાલિકા ભેદભાવ રાખ્યા વગર કામ કરે અને વોટર વર્કસની ટાંકીનુ કામ પૂર્ણ કરે તો આ સમગ્ર વિસ્તારને પુરતા ફોર્સથી પાણી મળી રહે તેમ છે.