વાયુ પ્રદુષણ કોરોના કરતાં પણ ઘાતક છે
તંત્રી સ્થાનેથી…
દેશ અને વિશ્વમાંથી માંડ માંડ કોરોના ચુંગાલમાંથી બહાર આવી રહ્યો છે. કોરોના કાળમાં દેશ થંભી ગયો હતો. વાહનો બંધ, ટ્રેનો બંધ, વિમાનો બંધ, હોટલો, નાસ્તાની લારીઓ બંધ જેને લઈને વાયુ પ્રદુષણ ફેલાવતી તમામ પ્રવૃત્તિઓ બંધ રહેતા નરેન્દ્રભાઈ મોદીના વતન વડનગરમાંથી કોઈપણ ઊંચી ઈમારત ઉપર ચડો તો તારંગાના ડુંગરો દેખાતા હતા. ખેરાલુ સ્ટેટ હાઈવે ઉપર ઊભા રહીને પણ તારંગાના ડુંગરો જોઈ શકાતા હતા. ક્યારેય આ સ્થળોએથી તારંગાના ડુંગરો દેખાયા નથી તેનું કારણ હતુ વાયુ પ્રદુષણ. કોરોનાના જેમજ વાયુ પ્રદુષણ અત્યારે ઘાતક સાબિત થઈ રહ્યુ છે. તાજેતરમાંજ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક આશ્વર્યજનક અને ગંભીર માહિતી આપી છેકે સંશોધન અનુસાર વિશ્વમાં ઝડપથી વધતા પ્રદુષણના કારણે ઊભી થઈ રહેલી સમસ્યાઓને લઈને પ્રતિ મીનીટે ૧૩ લોકોના મોત થઈ રહ્યા છે. WHO એ ટ્વીટરની પોસ્ટમાં જણાવ્યું છેકે વિશ્વમાં પ્રદુષણનું પ્રમાણ ઝડપી વધી રહ્યું છે. જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય સંબંધી રોગો ઉપરાંત્ત એટેક જેવી જીવલેણ બિમારીઓનું જોખમ વધી રહ્યું છે. આના પરિણામે પ્રત્યેક મીનીટે ઓછામાં ૧૨ થી ૧૩ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. WHO એ ચેતવણી આપી છેકે ઓઈલ, ફૂડ અને વાહનોમાં બાયોગેસ બળવાથી વાયુ પ્રદુષણ થાય છે. અને તેને રોકવું અત્યંત જરૂરી છે. જો સ્વસ્થ ભવિષ્ય, સ્વસ્થ જીવન રાખવું હોય તો ઈંધણને જમીન બહાર કાઢવું તે હિતાવહ નથી. WHO એ જણાવ્યા અનુસાર વિશ્વમાં થઈ રહેલા અસંખ્ય મૃત્યુનું સૌથી મોટું કારણ છે આસપાસના વાતાવરણ અને વાયુ પ્રદુષણના સંપર્કમાં આવવું. દર વર્ષે સાત મીલીયનથી વધુ લોકોના વાયુ પ્રદુષણના કારણે મોત થાય છે. WHO ના જણાવ્યા મુજબ ગામડા કરતાં શહેરોમાં વાયુ પ્રદુષણ વધુ થાય છે. જેના કારણે દર વર્ષે લાખ્ખો લોકો સમય પહેલાં મોતને ભેટે છે. મોતને ભેટવાનું કારણ એટેક હૃદય રોગ, ફેફસાના રોગો, ફેફસાનું કેન્સર અને તીવ્ર શ્વાસની ઈન્ફેશન છે. વિશ્વની ૯૧ ટકા વસ્તી એવા સ્થળ ઉપર રહે છે જ્યાં વાયુ પ્રદુષણ ગાઈડલાઈનની સીમારેખાથી વધુ છે. ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના દેશોમાં રહેતા લોકો સૌથી વધુ વાયુ પ્રદુષણથી પીડીત છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકોમાં વાયુ પ્રદુષણ અતિ ગંભીર છે. જેના કારણે પ્રતિ વર્ષે આશરે ૪.૩ મીલીયન લોકોના મોત થઈ રહ્યા છે. પોતાના વાહનો કરતાં પબ્લીક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. ચીજોને રીસાયકલીંગ કરી ફરીથી ઉપયોગ કરો. પ્લાસ્ટીક બેગનો ઉપયોગ બંધ કરો, કોઈપણ પ્રકારના ધુમાડાથી બચો. એ.સી.ના બદલે પંખાનો ઉપયોગ કરો. ફીલ્ટર ચીમનીઓનો ઉપયોગ કરો. ફટાકડાના કારણે ઊભા થતા વાયુ પ્રદુષણને અટકાવો. કેમીકલની વસ્તુઓનો ઉપયોગ ટાળો. શક્ય તેટલા વૃક્ષો વાવો. ભલે સરકાર માસ્ક બાબતે છૂટછાટ આપે પણ આ દેશમાં ઘરમાં અને ઘર બહાર માસ્ક પહેરી રખાશે તો લાંબુ જીવન જીવી શકાશે.