માણેકબાગ બાલક્રિડાંગણ ખુલ્લુ મુકાયુ
જીવદયા એ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોમાં વણાયેલ છે. આવનાર પેઢી વિસનગર પાંજરાપોળની સેવાઓથી પરિચિત થાય તેમજ જીવદયાના સંસ્કાર કેળવાય તેવા હેતુથી શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળમાં માણેકબાગ બાલક્રિડાંગણ બનાવવામાં આવ્યુ છે. આ બાલક્રિડાંગણનુ જૈન સમાજના શ્રેષ્ઠીઓ તથા પાંજરાપોળના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં સ્વ.માણેકલાલ ચકલદાસ ગાંધી પરિવારના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.
વિસનગરમાં ૧૯૨ વર્ષથી કાર્યરત શાહ ખોડીદાસ ધરમચંદ પાંજરાપોળમાં સ્વ.માણેકલાલ ચકલદાસ ગાંધીએ ૪૫ વર્ષ સુધી જીવન પર્યત સેવા આપી હતી. જેમની સેવામાં સ્વ.ધીરૂભાઈ તાવડાવાળા, સ્વ.પટેલ સાંકળચંદભાઈ આહોલીયા વિગેરે જીવદયા પ્રેમીઓનો સહયોગ મળ્યો હતો. અત્યારે પાલિકાના પૂર્વ કોર્પોરેટર જૈન સમાજના અગ્રણી અરવિંદભાઈ સંઘવી પ્રમુખપદે, ભરતભાઈ ગાંધી મેનેજીંગ ડીરેક્ટર પદે જ્યારે કાળુભાઈ પટેલ, મધુકરભાઈ મહેતા, હસમુખભાઈ જનસંઘ વિગેરે ડીરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ જીવદયા સેવા પરાયણ હોદ્દેદારોના કારણે અને દાતાઓના સહકારથી ૧૦૦૦ ઉપરાંત્ત રીબાતી ગાયો અને પશુ પક્ષીઓનુ પાલન પોષણ થઈ રહ્યુ છે.
પાંજરાપોળના વિકાસ માટે જેમને જાત ઘસી નાખી છે તેવા સ્વ.માણેકલાલ ગાંધીના પુત્ર ભરતભાઈ ગાંધીને વિજાપુરના ઉદય કિર્તિસાગર મહારાજ સાહેબે પ્રેરણા આપી હતી કે, આવનાર પેઢી પાંજરાપોળની જીવદયા સેવાથી પરિચિત થાય તે માટે પાંજરાપોળમાં નાનુ બાલક્રિડાંગણ તૈયાર કરો. જ્યાં લોકો જન્મદિન, લગ્નતિથિ ઉજવી શકે. પાંજરાપોળમાં લોકોની અવરજવર વધશે તો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓથી પરિચિત થશે અને ગૌસેવામાં સહભાગી બનશે. મહારાજ સાહેબનો આદેશ માથે ચડાવી ભરતભાઈ ગાંધીએ રૂા.૪ લાખ ઉપરાંત્તના ખર્ચે બાલક્રિડાંગણ તૈયાર કર્યુ અને બાળકોના રમતગમતના સાધનો મુકવા, સેવાપરાયણ સ્વ.માણેકલાલ ગાંધીએ ક્યારેય નામનો મોહ રાખ્યો નથી તેવા સંસ્કારો ધરાવતા તેમના પુત્ર ભરતભાઈ ગાંધીએ પણ પાંજરાપોળના હિતમાં નિઃસ્વાર્થ ભાવે બાલક્રિડાંગણ તૈયાર કર્યુ હતુ. ત્યારે પાંજરાપોળના ડીરેક્ટરોએ લાગણી વ્યક્ત કરી હતી કે, બાલક્રિડાંગણનું પાંજરાપોળમાં જીવન પર્યત સેવા આપનાર સ્વ.માણેકલાલ ગાંધીનુ નામાભિકરણ કરવામાં આવે. પાંજરાપોળના હોદ્દેદારોના આગ્રહથી બાલક્રિડાંગણનુ નામ માણેકબાગ રાખવામાં આવ્યુ. સ્વ.માણેકલાલ ગાંધીના પરિવારની ઉપસ્થિતિમાં તા.૨૫-૨-૨૦૨૨ ના રોજ આ બાલક્રિડાંગણ ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. જ્યાં લોકો જન્મદિન કે લગ્નતિથિ ઉજવી શકશે અને પાંજરાપોળની ગૌસેવાથી પરિચિત થશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેટલાક લોકોએ આ બાલક્રિડાંગણમાં જન્મદિન ઉજવવાની લાગણી વ્યક્ત કરી હતી. નિમેષભાઈ તાવડાવાળા તો છેલ્લા એક વર્ષથી જન્મદિને ખોટા ખર્ચા નહી કરી પરિવારના દરેક સભ્યના જન્મદિને રૂા.૫૦૦૦/- પાંજરાપોળમાં દાન અર્પણ કરે છે. જેમની પ્રેરણા મેળવી તેમના કુટુંબના સભ્યોએ પણ જન્મદિને પાંજરાપોળમાં દાન આપવાનુ અનુકરણ શરૂ કર્યુ છે.
આ કાર્યક્રમમાં ઘણા જૈન તિર્થમાં ટ્રસ્ટી તરીકે સેવા આપનાર મુંબઈ હિરાના જાણીતા વેપારી રમણલાલ રતિલાલ શાહ, પાંજરાપોળના પ્રમુખ અરવિંદભાઈ સંઘવી, મેનેજીંગ ડીરેક્ટર ભરતભાઈ ગાંધી, કાળુભાઈ પટેલ, મધુકરભાઈ મહેતા, પૂર્વ કોર્પોરેટર મગનભાઈ પટેલ, વિરચંદકાકા પટેલ, હસમુખભાઈ જનસંઘ, બીલ્ડર પ્રબોધભાઈ શાહ, જૈન સંઘના પ્રમુખ કિર્તિભાઈ શાહ, રાજેન્દ્રકુમાર બાબુલાલ શાહ લુણવા મંડાલી, ચીનુભાઈ કરશનભાઈ શાહ, નિમેષભાઈ તાવડાવાળા, પી.એસ.શાહ, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ, સ્મીત ગાંધી સી.એ. વિગેરેએ હાજરી આપી હતી. પાંજરાપોળમાં છેલ્લા ૪૨ વર્ષથી સેવા આપતા જયેશભાઈ સુથાર તથા અશ્વીનભાઈ સોમપુરાનુ પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યુ હતુ. પાંજરાપોળની સેવાઓ સાથે સંકળાયેલા રાહુલભાઈ શાહે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ અને ત્રીજી પેઢી સુધી પાંજરાપોળની સેવામાં ઓતપ્રોત સ્વ.માણેકલાલ ગાંધીના પરિવારની સેવાઓને બીરદાવી હતી.