ખુશીનો પ્રસંગ જીંદગીભર મુશ્કેલીઓ ઉભી ન કરે તે માટે સમાજે વિચારવાનુ છે લગ્ન પ્રસંગે સોનાના દાગીના પ્રથા બંધ નહી થાય તો અનેક પરિવાર પાયમાલ થશે
તંત્રી સ્થાનેથી…
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બનતા અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી ટેરીફ વધારતા અત્યારે આખુ વિશ્વ આર્થિક અનિશ્વિતતાના કારણે ચિંતીત છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી ડોલર ઉપર વિશ્વાસ ઉઠતા વિશ્વના દેશો સોનાની ખરીદી કરતા અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૨૦૧૬મા ૩૦,૬૦૦, ૨૦૧૭માં ૩૦,૮૦૦, ૨૦૨૨માં ૫૦,૫૦૦, ૨૦૨૩માં ૬૨,૭૦૦, ૨૦૨૪માં ૮૧,૦૦૦ અને અત્યારે ૧,૨૫,૦૦૦ આસપાસનો ભાવ છે. વિવિધ દેશમાં ચાલતા યુધ્ધના કારણે વિશ્વભરમાં પડકારો વધતા સોનાના ભાવમાં તેજી જોવા મળે છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. સોલાર પેનલ અને ઈલેક્ટ્રીક વાહનોમાં ચાંદીનો ઉપયોગ વધવાના કારણે પણ તેનો ભાવ પણ અત્યારે ૧,૫૫,૦૦૦ આસપાસનો છે. ત્રણ વર્ષ પહેલા સોના-ચાંદીમાં સ્થિર ભાવ રહેતા હતા. અત્યારે આ બન્ને મેટલમાં ભાવની વધઘટ રોજીંદી જોવા મળી રહી છે. જેમની પાસે ફાજલ પૈસાની વ્યવસ્થા છે તેવા રોકાણકારો માટે ગત વર્ષ સોનેરી સાબીત થયુ છે. આમેય કુબેરજીની કૃપા ધરાવતા પરિવારોને સોના-ચાંદીના ભાવ વધતા કંઈ અસર નથી. પરંતુ મધ્યમ અને ખાસ કરીને ખેડૂત વર્ગમાં જેમની દીકરી હાથમાં મહેંદી લગાવવાની ઉંમરમા છે તેવા પરિવારોની સોનાના સતત વધતા ભાવના કારણે ઉંઘ હરામ થઈ ગઈ છે. એવા ઘણા પરિવારો છેકે જે દીકરીનો જન્મ થતાની સાથેજ તેના લગ્ન વિચાર કરીને સોનાના ઘરેણા માટે થોડુ થોડુ રોકાણ કરતા હોય છે. છેલ્લા ત્રણ વર્ષમાં સોનાના ભાવ ડબલ થતા આવા પરિવારોની ગણતરીઓ પણ ઉંધી પડી છે. દિકરી જન્મે એટલે તેના શિક્ષણના ખર્ચનો વિચાર કરવાની જગ્યાએ લગ્નના ઘરેણાનો વિચાર કરી જે રોકાણ કરવામાં આવે છે તે આપણી ખરાબ સામાજીક માનસિકતાનુ પરિણામ છે. એક તરફ મોંઘવારી વધી રહી છે ત્યારે બીજી તરફ સોનાના સતત વધતા ભાવે નોકરીયાત, મધ્યમ વર્ગ અને ખેડૂત પરિવારને સ્તબ્ધ કરી દીધા છે. લગ્નમાં સોનાના દાગીના કરાવવા એ મહત્વની જવાબદારી છે. એક બાપ પોતાની દીકરી જે પરિવારમાં જવાની છે ત્યા તેને સન્માન મળે તે વિચારી સોનાના દાગીના આપવા મજબુર હોય છે. જે પરિવારમાં દિકરી જવાની છે તેમાં જેઠાણી કેટલુ લઈને આવી છે તે વિચારીને પણ એક બાપને ખેંચાવુ પડે છે. જ્યારે દીકરાના બાપને પણ દિકરા માટે તેમજ પુત્રવધુને સોનાના દાગીના આપવા માટેની વ્યવસ્થા કરવી પડે છે. એક બાપ સંતાનોના પાલન પોષણમાં આવકનો મોટો ભાગ ખર્ચી નાખે છે. પરંતુ લગ્નમાં જો ઘરેણા ન આપે તો જીવનમાં કંઈક અધૂરું કર્યાનો વસોવસો રહેતો હોવાથી બચત કરેલી મૂડી વાપરી કે દેવુ કરી ઘરેણા કરાવે છે. આમેય ગુજરાતમાં લગ્ન પ્રસંગ પાછળ ખર્ચા વધારે થતા હોય છે. લગ્નને પ્રતિષ્ઠાનો પ્રસંગ બનાવી દીધો છે. સાદાઈથી લગ્ન કરવાની જગ્યાએ દેખાદેખીમાં ખોટા ખર્ચા કરવા પડે છે. દીકરીના લગ્ન હોય તો જાનની આાગતા સ્વાગતા માટે વ્યવસ્થા ન હોય છતા ભભકો કરવો પડે છે. દીકરા કે દીકરીના લગ્નમાં બચત કરેલ રકમ વાપરી નાખે છે. નોકરીયાત વ્યક્તિ પી.એફ. કે ગ્રેજ્યુઈટીની રકમ પૂરી કરે ત્યારે લગ્ન થતા હોય છે. સમૂહલગ્ન એક એવી વ્યવસ્થા છેકે જેમાં ખર્ચા ઓછા થતા હોય છે. એવા ઘણા સમાજ છેકે દીકરા કે દીકરીના લગ્ન સમૂહલગ્નમાં ફરજીયાત કરતા આવા સમાજના પરિવારો જીંદગીભર સુખ અને શાંતિથી રહી શકે છે. મોંઘવારી સાથે સોનાના ભાવ વધતા ખાસ કરીને ખેડૂત વર્ગની હાલત ખરાબ કરી દીધી છે. ભારતમાં ૬૦ ટકા વસ્તી ગામડામાં રહે છે અને દેશની ૫૦ ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર છે. ગ્રામ્ય જીવનમાં લગ્નપ્રસંગ એ આબરૂનો પ્રસંગ બની ગયો હોવાથી ખેડૂતો દેવાના ડુંગરમાંથી બહાર આવી શકતા નથી. ખેતપેદાશના ભાવ એનાએજ મળે છે. જ્યારે સોનાના ભાવ દશ વર્ષની સરખામણીએ ચાર થી પાંચ ગણા થઈ ગયા છે. દહેજપ્રથા ઉપર અંકુશ લાવવા માટે સરકારે કાયદા બનાવ્યા છેે, તેમ છતા લગ્નમાં દીકરીના બાપ પાસે તોલાની માગણી કરવામાં આવે છે. દીકરીના લગ્ન કરવા હોય તો તેને વધુ આપવા માટે પ્રયાસ કરે છે. દીકરીને સોનાના દાગીના આપવા પડે તેવી એક રૂઢિના કારણે જમીન કે મિલ્કત વેચીને પણ સોનાના ઘરેણા કન્યાદાનમાં આપવા પડે છે. લગ્ન માટે દેવુ કરીને સોનાના દાગીના ખરીદશે અને પછી દેવુ ચુક્તે કરવા દાગીના ઉપર લોન લઈને હપ્તા ભરશે, આ પરિસ્થિતિમાં લગ્ન કરનાર પરિવાર ક્યારેય દેવામાંથી મુક્ત થશે નહી. લગ્નમાં દીકરીને કરિયાવરમાં દાગીના આપવાજ પડે અને લગ્ન કરીને આવનાર પુત્રવધુ દાગીના લઈને આવે તેવી માનસિકતા હવે બદલવી પડશે. સામાન્ય પગારદાર કે સ્થિર આવક ધરાવતો નોકરીયાત વર્ગ જો દાગીના માટે દેવુ કરશે તો હાલની પરિસ્થિતિ એવી છેકે તે દેવામુક્ત ક્યારેય થશે નહી. જેથી સમાજમાં બન્ને પક્ષના લોકોએ સોનાના સતત વધતા ભાવ વચ્ચે દાગીના કરાવવા નહી અને સાદગીથી લગ્ન કરવાની સમજણ કેળવવી પડશે. લગ્નમાં સોનાના દગીના આપવાની રૂઢિચુસ્ત માનસિકતામાં બદલાવ નહી આવે તો અનેક પરિવાર દેવામાં ડૂબી જશે. હવે તો કેટલાક સમાજોએ લગ્નમાં સોનાના દાગીનાની આપ-લે નહી કરવાની આવકારદાયી પહલ કરી છે. લગ્નમાં ઘરેણા આપવાથી પરિવાર દેવામાં આવી જશે તો છેવટે તેનુ ભારણ સમાજ ઉપરજ આવવાનુ છે. જેથી હવે દરેક સમાજે લગ્નમાં ઘરેણા આપવાની પ્રથાને તિલાંજલી આપવી પડશે.