• સાત વર્ષથી નાણાં પરત નહી આપતા ગ્રાહક સુરક્ષા મંડળમાં ન્યાય માટે રજુઆત કરાઈ
• કલ્યાણ બંગ્લોઝના વર્ષ-૨૦૧૭ માં રૂા.૪,૩૫,૮૬૦ રીફંડ કરનાર પાલિકાને અક્ષરધામ ટાઉનશીપના નાણાં પરત કરવા વાંધો શું?
વિસનગર પાલિકાના નિયમો દરેક વિસ્તાર માટે એક સમાન હોય. ત્યારે પાલિકા સભ્યોની વગ અને વિસ્તાર પ્રમાણે મનમાની પૂર્વકની કામગીરી કરવામાં આવી રહી છે. ભૂગર્ભ ગટર યોજનામાં તૂટેલા રસ્તા રીપેરીંગની ગ્રાન્ટ મળવાની હોવાનુ જાણવા છતાં અક્ષરધામ ટાઉનશીપમાં ૭૦ઃ૨૦ઃ૧૦ ની યોજનામાં નાણાં ભરાવ્યા હતા. ટાઉનશીપમાં ૧૦૦ ટકા ગ્રાન્ટમાંથી રોડનુ કામ થયુ છે. ત્યારે ૨૦ ટકા પ્રમાણે ભરેલા રૂા.૬,૫૬,૧૯૦/- પરત લેવા ટાઉનશીપ દ્વારા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ન્યાય માટે અરજ કરવામાં આવી છે. જે રજુઆત મુજબ ગ્રાહક સુરક્ષા મંડળે વકીલ દ્વારા પાલિકાને નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
વિસનગરમાં વર્ષ ૨૦૧૦ થી જી.યુ.ડી.સી. દ્વારા પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોય ત્યા ગટરલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં મહેસાણા રોડ ઉપર આવેલ અક્ષરધામ ટાઉનશીપનો પણ સમાવેશ કરાયો હતો. ગટરલાઈન નાખવાના કારણે ટાઉનશીપના રોડ તુટી ગયા હતા. નવો રોડ બનાવવા પાલિકામાં રજુઆત કરવામાં આવતા વર્ષ ૨૦૧૨-૧૩ માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૭૦ઃ૨૦ઃ૧૦ ની યોજનામાં રોડ બનાવી આપવા જણાવ્યુ હતુ. તુટી ગયેલા રોડથી ટાઉનશીપના લોકો ત્રાસી ગયા હતા. ત્યારે ૨૦ ટકા પ્રમાણે રૂા.૬,૫૬,૧૯૦/- ની રકમ ભરવા તૈયારી બતાવી હતી.
જી.યુ.ડી.સી.ની ગટર લાઈન નાખવાથી શહેરની મોટાભાગની સોસાયટીના રોડ તુટી ગયા હતા. નવા રોડ બનાવવા જી.યુ.ડી.સી.એ ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો. જે મુજબ વિસનગર પાલિકાની તા.૩૧-૭-૨૦૧૨ ના રોજ મળેલ સાધારણ સભામાં ભૂગર્ભ ગટરના કારણે તુટી ગયેલા રોડ નવા બનાવવા ગ્રાન્ટની માગણી માટેની કાર્યવાહી અને ઠરાવ કરાયો હતો. ત્યારબાદ જે સોસાયટીના રસ્તા તુટી ગયા હતા તે ૩૯ સોસાયટીના અંદાજ બનાવવાની કામગીરી ઓગસ્ટ ૨૦૧૨ થી શરૂ કરાઈ હતી. આમ જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટમાંથી ગટરલાઈન નાખવાના કારણે તુટી ગયેલા રોડ બનાવી આપવાનુ જાણવા છતાં પાલિકા દ્વારા અક્ષરધામ ટાઉનશીપનો રોડ બનાવવા ૨૦ ટકા પ્રમાણે રૂા.૬,૫૬,૧૯૦/- ભરવા જણાવતા ટાઉનશીપ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો. જે રકમ પાલિકાએ જમા લીધી હતી. ચેક આપ્યા બાદ જી.યુ.ડી.સી.ની ગ્રાન્ટમાંથી રોડ નવા બનાવવાની કામગીરી થતી હોવાનુ જાણતા ટાઉનશીપ દ્વારા ૨૦ ટકા ભરેલી રકમ રૂા.૬,૫૬,૧૯૦/- પરત લેવા છેલ્લા સાત વર્ષથી પાલિકા સમક્ષ માગણી કરી રહ્યા છે. જોકે આ દરમ્યાન પાલિકા દ્વારા આવીજ રીતે લેવામાં આવેલ કલ્યાણ બંગ્લોઝના રૂા.૪,૩૫,૮૬૦/- પરત આપ્યા છે. પરંતુ અક્ષરધામ ટાઉનશીપને રકમ પરત નહી આપતા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળમાં ન્યાય માટે રજુઆત કરવામાં આવી છે. જે રજુઆત પ્રમાણે ગ્રાહક સુરક્ષા મંડળે વ્યાજ સહીતની રકમ પરત લેવા વકીલ દ્વારા પાલિકાને નોટીસ આપવાની તજવીજ હાથ ધરી છે.