૪૬ ડીગ્રી તાપમાં વિજ મેઈન્ટેનન્સથી લોકો શેકાયા
ઈમરજન્સી નહોતી તો મેઈન્ટેનન્સ પછી પણ કરી શકાય-ર્ડા.કાન્તીભાઈ પટેલ
વિસનગરમાં હિટવેવના દિવસોમાં વિજ કંપની દ્વારા મેઈન્ટેનન્સના કારણે લાઈટ કાપ કરવામાં આવતા લોકો શેકાયા હતા. હવામાન વિભાગે પણ હિટવેવની ચેતવણી આપી હતી. ત્યારે ઈમરજન્સી નહોતી તો મેઈન્ટેનન્સ ગરમી ઓછી થયા બાદ પણ કરી શકાય તેવી લાગણી પાલિકાના પૂર્વ કોર્પોરેટર ર્ડા.કાન્તીભાઈ પટેલે વ્યક્ત કરી હતી. લાઈટ કાપના કારણે નાના બાળકો તથા વૃધ્ધો મુશ્કેલીમાં મુકાયા હતા.
દર વર્ષે ચોમાસા પહેલા વિજ કંપની દ્વારા મેઈન્ટેનન્સ કરવામાં આવે છે. છેલ્લા પંદર દિવસથી લોકો ધોમ ધખતા ઉનાળાનો તાપ સહન કરી રહ્યા છે. એવા સમયે ઉત્તર ગુજરાત વિજ કંપનીની વિસનગર વિભાગીય ઓફીસ દ્વારા તા.૧૨-૫-૨૦૨૨ ને ગુરુવારના રોજ ૧૩૨ કે.વી. સબ સ્ટેશન મેઈન્ટેનન્સના કારણોસર બંધ કરવામાં આવશે તેવા અહેવાલથી વિસનગર શહેરના મોટાભાગના લોકોનુ નાકનુ ટેરવુ ચડી ગયુ હતુ. જ્યારે હવામાન વિભાગ દ્વારા તા.૧૦-૫ થી ૧૩-૫ સુધી હિટવેવની આગાહી કરવામાં આવતા લાઈટ વગર શુ થશે તેવી મોટાભાગના લોકોને ચીંતા થઈ હતી. એમા મંગળવાર, બુધવાર અને ગુરુવાર તો ૪૫ થી ૪૬ ડીગ્રી ગરમી પડી હતી. એક તરફ ધોમ ધખતો તાપ તો બીજી તરફ સવારના પહોરથી બપોર સુધીના લાઈટ કાપથી લોકો ત્રાસી ગયા હતા.
હિટવેવની આગાહી હોવા છતા વિજ કંપની દ્વારા જડ વલણ અપનાવી ગુરુવારે લાઈટ કાપ રાખતા પાલિકાના પૂર્વ કોર્પોરેટર ર્ડા.કાન્તીભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, સબ સ્ટેશનનુ મેઈન્ટેનન્સ કામ હતુ. ઈમરજન્સી ક્યા હતી. વિજ કંપની દ્વારા શહેરમાં લાઈટ કાપની આગોતરી જાણ અને આયોજન કરાયુ હતુ. પરંતુ પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરી શકાય તેમ હતો. લાઈટકાપની ભલે સુચના આપી હતી પરંતુ હિટવેવની આગાહી જોતા અઠવાડીયા દશ દિવસ પછી પણ મેઈન્ટેનન્સ કરી શકાયુ હોત. લાઈટ કાપના દિવસે ૪૬ ડીગ્રી ગરમીના કારણે ઘરની બહાર ન નિકળી શકે તેવા નાના ભુલકાઓ તથા વૃધ્ધો મુશ્કેલીમાં મુકાયા હતા. અસહ્ય ગરમી અને બાફના કારણે નાના બાળકો તથા વૃધ્ધો ઘરમાં રહી શક્યા નહોતા. પુરુષો તો કામ ધંધાર્થે ઘરની બહાર નિકળી ગયા હતા પરંતુ ઘરમાંથી બહાર નિકળી ન શકે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી. આવી પરિસ્થિતિમાં વિજ કંપનીએ હિટવેવમાં લોકો શું કરશે તેવો વિચાર કરી અઠવાડીયા પછી મેઈન્ટેનન્સ કર્યુ હોત તો લોકહિતનું કામ કર્યુ કહેવાતુ. આમેય વિજ કંપની દ્વારા નામનુ મેઈન્ટેનન્સ કરવામાં આવે છે. થોડા પવન અને વરસાદમાં લાઈટો ડુલ થઈ જાય છે. પવન અને વરસાદમાં લાઈટો બંધ ન થાય ત્યારે સાચુ મેઈન્ટેનન્સ કર્યુ કહેવાશે.