સાંસદ ભરતસિંહ ડાભીએ રસુલપુર પંપીંગ સ્ટેશન માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
પાંચ મહિને પણ વિજ કચેરીનું એસ્ટીમેટ ન ભરાતા
ચોમાસાની શરુઆતના આશરે પાંચ મહિના પહેલા ધારાસભ્ય અજમલજી ઠાકોર દ્વારા નર્મદા આધારીત પાઈપલાઈનમાં પાણી લીફ્ટ કરી તળાવો ભરવા માટે પીયજથી ખેરાલુ સુધીના તમામ પંપ સ્ટેશનોમાં પંપોના મેઈટેનન્સ, પાણી પંપીંગ કરવા માટે જરૂરી વિજલોડ માટે મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી હતી. પંપીંગ સ્ટેશનોનું મેઈન્ટેનન્સ કરી દેવાયુ, પરંતુ પંપીંગ સ્ટેશનો પુરતી કેપેસીટીથી પાણી ઉપાડી શકે તે માટે વધારાનો વિજલોડ માટે એસ્ટીમેટ સમયસર ભરાઈ જવા જોઈએ. જે ન ભરાતા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા ૧૭-૮-૨૦૨૨ ના રોજ પત્ર લખી મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.
પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ ૨૬-૭-૨૦૨૨ ના રોજ ધરોઈ ડેમમાંથી ૨૦૦ ક્યુસેક પાણી રસુલપુર પંપીંગ સ્ટેશનમાં નાંખી તળાવો ભરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી હતી. જેમાં ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતું કે, વરસાદની અનિયમિતતાને કારણે ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના ભૂગર્ભજળ ઊંડા ગયા છે. ધરોઈનું ૨૦૦ ક્યુસેક પાણી દ્વારા તળાવો ભરવા ભલામણ કરી હતી. રસુલપુર પંપીંગ સ્ટેશનમાં પાણી નાંખી વરસંગ તળાવ, ડભોડા તળાવ અને કુડા ફિડર મારફત ચિમનાબાઈ સરોવર ભરવા માંગણી કરી હતી. હવે જ્યારે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે. ધરોઈ ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં દેખાતા પાણીનું લેવલ વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે ભરતસિંહ ડાભીની રસુલપુર પંપીંગ સ્ટેશનમાં ધરોઈનું પાણી પહોચાડવાની માંગણી સ્વીકારાઈ છે. ધરોઈની જમણા કાંઠા નહેરમાં ૭૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.
રસુલપુર પંપીંગ સ્ટેશન સુધી નર્મદા નદીનું પાણી લાવવા ખેરાલુ અને સતલાસણા તાલુકામાં પાણી માટે આંદોલન કરતા ખેડૂતો સાથે સમાધાન કરાવવાના પ્રસંગે મુખ્યમંત્રીએ તાત્કાલીક રસુલપુર પંપીંગ સ્ટેશનના એસ્ટીમેટ ભરી દેવા સુચના આપી હતી. ત્યારે ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડૂત અગ્રણીઓ સાથે ધારાસભ્ય અજમલજી ઠાકોર, જિલ્લા ડેલીગેટ અવચળભાઈ ચૌધરી, નિવૃત્ત ડી.વાય. એસ.પી. એમ.ડી.ચૌધરી, જયરાજસિંહ પરમાર, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી સરદારભાઈ ચૌધરી, સાથે ખેરાલુ-સતલાસણાના ભાજપના આગેવાનો હોદ્દેદારોની હાજરીમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુખ્યમંત્રીએ પંપીંગ સ્ટેશનોમાં લોડ વધારવા તેમજ તેના એસ્ટીમેટ ભરવા સુચના આપી હતી. આજે અઢી મહિના થયા છતા આ કામગીરી પુરી કરાઈ નથી. ધરોઈનું પાણી રસુલપુર પહોંચી ગયુ છે. જો ૨૦૦ ક્યુસેક પાણી ઉપાડવા પુરતો લોડ હોત તો ચિમનાબાઈ સરોવર સાથે વરસંગ તળાવ સહિત બન્ને તાલુકાના અસંખ્ય તળાવો અઠવાડીયામાં પાણીની ભરાઈ ગયા હોત. પરંતુ અધિકારીઓની બેદરકારી અને ખેરાલુ-સતલાસણા તાલુકાના હિતશત્રુ અધિકારીઓને કારણે એસ્ટીમેટ ભરાયા નથી. લોડ વધ્યો નથી. અધિકારીઓની ઈરાદાપૂર્વકની ગંભીર બેદરકારીને કારણે દર વર્ષે ખેરાલુ-સતલાસણા તાલુકો તરસ્યો રહે છે.
લોડ વધારો ન હોવાને કારણે પાણી ઉપાડી શકાતુ નથી ત્યારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ૧૭-૮-૨૦૨૨ ના રોજ પત્ર લખ્યો છે. જેમાં સ્પષ્ટ લખ્યુ છેકે, રસુલપુર પંપીંગ સ્ટેશનમાં ૧૦૦૦ હોર્સ પાવરના છ પંપો કાર્યરત છે. જેમાં હાલ ત્રણ પંપો પુરતો પાવર સપ્લાય હોવાથી ય્ઉઇડ્ઢઝ્ર ગાંધીનગર દ્વારા પાવર લોડની માંગણી કરવામાં આવી છે. આ લોડ વધારા માટે વિજ કંપની દ્વારા એસ્ટીમેટ પણ આપી દીધુ છે. પરંતુ એસ્ટીમેટના નાણા ભરાયા નથી જેથી સત્વરે નાણા ભરવા ખેડૂતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી સહ ભલામણ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે નર્મદાનું પાણી રસુલપુર પંપીંગ સ્ટેશને પહોચાડવા મોઢેરાથી પાણી લીફ્ટ કરવુ પડે છે. જ્યાંથી મોટીદઉ પાણી આવે છે. મોટીદઉથી પાણી લીફ્ટ કરી રસુલપુર પહોંચે છે. બન્ને પંપીંગ સ્ટેશને ૬૦૦-૬૦૦ એચ.પી.ની ચાર મોટરો છે. જેનું વિજ ખર્ચ હાલ ધરોઈનું પાણી રસુલપુર પહોંચતા લાખો રૂપિયા બચી ગયુ છે. પરંતુ અધિકારીઓની ઈરાદાપૂર્વકની ઘોર બેદરકારીથી એસ્ટીમેટ ભરાયુ નથી. આ અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા ભરી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય તેવો કાયદો હોવો જોઈએ.