કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ગત ઓગષ્ટ માસમાં ખાતમુર્હુત કરાયુ હતુ
સૌનુ એ કોઈનુ નહી એવી હાલત દેળીયા તળાવની થઈ છે. તળાવ ભરવા પાઈપ લાઈન માટે ગત ઓગષ્ટ માસમાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાલિકાનો અંકુશ નહી હોવાથી કોન્ટ્રાક્ટર મનમાની કરતા પાઈપ લાઈનનુ કામ ખોરંભે ચડ્યુ છે. ચોમાસા બાદ ખેડુતો ખોદકામ મંજુરી આપશે નહી. કોન્ટ્રાક્ટર યુધ્ધના ધોરણે કામ નહી કરે તો આ ચોમાસામાં ડેમ ઓવરફ્લોથી પાણી ભરવુ અશક્ય બનશે.
કોન્ટ્રાક્ટરો વિસનગર પાલિકા તંત્રને ખીસ્સામા નાખી ફરતા હોય તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે. પાલિકા દ્વારા ટેન્ડરો પાડવામાં આવે છે પરંતુ વિકાસ કામ થતા નથી. કોન્ટ્રાક્ટરો મનમાની કરી રહ્યા છે. ત્યારે પાલિકા સભ્યો ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ વર્તી રહ્યા છે. ચોમાસામા ધરોઈ ડેમના ઓવરફ્લો પાણીથી દેળીયુ તળાવ ભરવા માટે ગત વર્ષે પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરાયુ હતુ. જેમાં રૂા.૧.૨૬ કરોડના ખર્ચે ૩ કિ.મી. ૬૦૦ મીટર લંબાઈની પાઈપ લાઈન નાખવા ગત ઓગષ્ટ માસમા વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. દરબાર સંપ અને ઓવરહેડ ટાંકીનુ જે દિવસે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ તે જ દિવસે દેળીયા તળાવની પાઈપ લાઈનનુ ખાતમુર્હુત કરાયુ હતુ.
વર્ક ઓર્ડર આપ્યા બાદ જાણવા મળ્યા પ્રમાણે કોન્ટ્રાક્ટરે પાઈપ લાઈન માટે ખેતરમાં ખોદકામ કરવા માટે માર્ચ મહિનામાં ખેડુતો સાથે મિટીંગ કરી હતી. જેમાં ખેડુતોએ ખેતીપાકી લીધા બાદ એપ્રિલ અને મે મહિના સુધીમાં ખોદાકામ કરવા તથા પાઈપ લાઈન નાખવા માટે મંજુરી આપી હતી. એપ્રિલ મહિનો અડધો પસાર થઈ ગયો છે. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હજુ પાઈપ લાઈનનુ કામ શરૂ કરવામા આવ્યુ નથી. ચોમાસુ વાવેતર શરૂ થઈ ગયા બાદ ખેડુતો ખોદકામ કરવા દેશે નહી. આવા સંજોગોમાં ચોમાસુ સારૂ જાય અને ડેમ ઓવરફ્લો થાય તો પાઈપ લાઈનથી તળાવ ભરવાનુ શક્ય બનશે નહી.
બીજી એવી પણ ચીંતા વ્યક્ત કરવામાં આવી છે કે લેવલના કારણે રૂા.૨૩ કરોડનો વિસનગરમાં જી.યુ.ડી.સી. પ્રોજેક્ટ ફેલ ગયો છે. પાલિકા પાસે કોઈ અનુભવી એન્જીનીયર નથી કે જે દેળીયા તળાવની પાઈપ લાઈનનુ યોગ્ય લેવલીંગ કરી શકે. કોન્ટ્રાક્ટરો બિલો પાસ કરવા માટે આડેધડ કામ કરતા હોય છે. જેથી સિંચાઈ વિભાગના અનુભવી એન્જીનીયર પાસે લેવલીંગ કરાયા બાદ પાઈપ લાઈન નાખવામા આવે તે જરૂરી છે. કેનાલથી તળાવ સુધી પાણી નિકળે તો જ બીલ મંજુર કરવુ હિતાવહ છે. ચોકસાઈ રાખવામાં નહી આવે તો કોન્ટ્રાક્ટર ચેક લઈ જશે અને પોણા ચાર કિ.મી. લાંબી પાઈપ લાઈનની હાલત જી.યુ.ડી.સી. જેવી થશે પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરીને ઝડપી કામગીરી શરૂ નહી કરાવે તો પછી આવતા માર્ચ મહિના સુધી રાહ જોવી પડશે.