ગ્રાહક સુરક્ષાની પાલિકાને કિશોરીના પરિવારને રૂા.૧૦ લાખ વળતરની નોટીસ
મહેસાણાના એડવૉકેટની જવાબદારો સામે કાર્યવાહી કરવા માનવ અધિકાર પંચમાં ફરિયાદ
વિસનગરમાં કેનાલમાં તણાઈને કિશોરીનુ મૃત્યુ થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાલિકાએ કેનાલ ઉપર દિવાલ બનાવી અને લોખંડની જાળી લગાવવાનો નિર્ણય કરી આ બનાવથી હાથ ખંખેરી લીધા છે. પરંતુ કિશોરીના પરિવારને સહાય આપવા હજુ કોઈ નિર્ણય કરાયો નથી. ત્યારે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ સાથે મૃતક કિશોરીના પરિવારને રૂા.૧૦ લાખ સહાય કરવા નોટીસ ફટકારી છે. જ્યારે મહેસાણાના એક એડવૉકેટે પણ સહાય તથા જવાબદાર સામે કાર્યવાહી માટે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છે.
વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ કોઈપણ શેહ શરમ વગર ગ્રાહકોના હિતમાં કાર્ય કરી રહ્યુ છે. વિસનગર પાલિકા વિસ્તારમાં રહેતા મિલ્કતધારકો વિવિધ સુવિધાઓ માટે પાલિકાને ટેક્ષ ચુકવે છે ત્યારે સુવિધાઓ પુરી પાડવી એ પાલિકાની ફરજ છે. ગ્રાહક સુરક્ષા મંડળે પાલિકા પ્રમુખ સહીત સભ્યો, ચીફ ઓફીસર તથા પ્રાદેશીક કમિશ્નર ગાંધીનગરને નોટીસ આપી છેકે, વિસનગર પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નહી બજાવતા ઘણા અકસ્માત થાય છે. જેના કારણે નાગરિકોને આર્થિક શારિરીક નુકશાન થઈ રહ્યુ છે. પ્રજાના પૈસાનો દુર ઉપયોગ કરી કાગળ ઉપર પ્રિમોન્સુન પ્લાન બનાવી લોકોને છેતર્યા છે. તા.૫-૮-૨૦૨૨ ને શુક્રવારના રોજ સામાન્ય વરસાદમાં પાણી ભરાતા જીયા નાયી નામની દિકરી કેનાલમાં તણાતા તેનુ દુઃખદ અવસાન થયુ છે. જે બનાવથી કિશોરીનો પરિવાર મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયો છે. આ દિકરી મોટી થઈને પરિવારને મદદરૂપ બની શકી હોત. પરંતુ પાલિકાની બેદરકારીના કારણે અવસાન થયુ છે જેથી પાલિકાએ દિકરીના પરિવારને રૂા.૧૦ લાખ વળતર આપવુ અને જવાબદાર સામે કાર્યવાહી કરવી. શહેરમાં રખડતા ઢોરનો પણ ઉલ્લેખ કરી જણાવ્યુ છેકે, શહેરમાં રખડતી ગાયો અને આખલાઓનો ભયંકર ત્રાસ છે. જે માટે લેખીત તથા મૌખીક રજુઆત કરવા છતા પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી. રખડતા ઢોરના કારણે અકસ્માતના બનાવો બને છે અને લોકોને આર્થિક, શારિરીક અને માનસિક પરેશાની ભોગવવી પડે છે. જીવ ગુમાવનાર દિકરીના પરિવારને તાત્કાલીક ધોરણે સહાય આપવામાં નહી આવે તેમજ જવાબદાર પદાધિકારી, અધિકારી કે કર્મચારી વિરુધ્ધ કાર્યવાહી કરવામાં નહી આવે તો ના છુટકે હાઈકોર્ટમાં રીટ કરવાની નોટીસમાં ચીમકી આપવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ તથા કારોબારી સભ્યો ન્યાય માટે કોઈપણ હદે જતા ક્યારેય ખચકાતા નથી કે કોઈની શેરશરમ રાખતા નથી. પાલિકા દ્વારા દિકરીના પરિવારને સહાય આપવા કોઈ નિર્ણય કરવામાં નહી આવે તો વિવાદ લાબો ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.
તા.૫-૮-૨૦૨૨ ની સાંજે આ બનાવ બન્યા બાદ તેના બીજાજ દિવસે મહેસાણા તાલુકાના બાલીયાસણ ગામના એડવૉકેટ કૌશીકભાઈ પરમાર દ્વારા માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બનાવની સત્વરે તપાસ કરવા, મૃતક બાળકીના પરિવારને રૂા.૧૦ લાખ વળતર આપવા, આવી ખુલ્લી નાની મોટી ગટરો-કેનાલો ઉપર સત્વરે જાળી નાખી તેના ઉપર જાહેર જનતા વાંચી શકે તે પ્રમાણે યોગ્ય સૂચનો સાથેના બોર્ડ મુકવા તથા બેદરકારી રાખનાર જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી રજુઆત કરવામાં આવી છે.