ડભોડા કાર્યક્રમમાં વડાપ્રધાને પાટણ સાંસદ ભરતસિંહની ત્રણ વાર પીઠ થાબડી
- પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની લોકસભા ર૦ર૪-મા રીપીટ થવાની શક્યતા વધી ગઈ
૩૦-૧૦-ર૩ ના રોજ ડભોડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રૂા. પ૯પ૦/- કરોડના લોકાર્પણ અને ખાતમુર્હુત પ્રસંગે પધાર્યા ત્યારે સ્ટેજ ઉપર વડાપ્રધાનના ફોટા સાથે મંદિર જેવા શણગાર સાથે ફોટો ફ્રેમ દ્વારા પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ સ્વાગત કર્યુ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ વખત પીઠ થાબડી હતી. આ દ્રશ્ય જોનારા પાટણ- સાંસદના વિરોધીઓના પેટમા તેલ રેડાયુ હતુ. રાજકીય ચાણક્યો પાટણ- સાંસદ ભરતસિંહ ડાભી ર૦ર૪ની લોકસભામા ફરીથી રીપીટ થાય તેવી શક્યતા બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ભાજપે સરદારભાઈ ચૌધરીને ટીકીટ આપતા તેમની સામે પાટણ- સાંસદ ભરતસિંહ ડાભીના ભાઈ રામસિંહે અપક્ષ ઉમેદવારી કરી હતી. પોતાનો ભાઈ વિધાનસભામા અપક્ષ ચુંટણી લડતા ભરતસિંહ ડાભી લગભગ નિષ્ક્રીય થઈ ગયા હતા. ભાજપ કે અપક્ષ કોઈના એ પ્રચારમાં ભરતસિંહ ડાભી કયાંય ગયા નહોતા. ચુંટણીના રિજલ્ટમાં ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાતા પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીએ ધારાસભ્યને સંપૂર્ણ સહકાર આપી ખેરાલુ વિધાનસભાના વિકાસમા સહયોગ આપતા હતા. ઘણા બધા પ્રસંગોમાં ચુંટણીના વિવાદો ભુલી સાથે જોવા મળ્યા હતા. ભરતસિંહ ડાભીના વિરોધીઓ વિધાનસભાની ચુંટણી પછી એવુ કહેતા હતા કે સ્વ.શંકરજી ઠાકોરના ઘરનુ રાજકારણ ર૦ર૪ પછી સમાપ્ત થઈ જશે. ત્યાં ડભોડા ખાતે વડાપ્રધાન લોકાર્પણ અને ખાત મુર્હુત પ્રસંગે પધાર્યા ત્યારે હેલીપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભરતસિંહ ડાભીને તારા ઘરે આવ્યો છુ કહી વાત ચીત શરૂ કરી હતી. વડાપ્રધાન જ્યારે સ્ટેજ ઉપર પહોચ્યા ત્યારે તેમનુ સ્વાગત કરવા ભરતસિંહ ડાભી પહોચ્યા ત્યારે વડાપ્રધાને ત્રણ વખત પીઠ થાબડતા હાજર લોકોએ ચિચિયારીઓથી સ્વાગતને વધાવી લીધુ હતુ.
વડાપ્રધાનના આગમનની જાહેરાત થઈ ત્યારથી પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીએ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી સભા સ્થળે આવનાર અધિકારીઓ, ભાજપના પ્રદેશ કક્ષાના હોદ્દેદારો, મંડપ ડેકોરેશન, લાઈટીંગ માટે આવતા વિજકર્મચારીઓ, રસોડા વિભાગ, વડાપ્રધાનની સીક્યોરીટી, વી.આઈ.પી. પાર્કિંગ, વડાપ્રધાન ક્યાં ઉતરશે, કેવી રીતે સભા સ્થળે જશે, કયા સમયે આવશે, કેટલુ રોકાશે, આવનારા ૧ લાખ લોકો માટે કેવી વ્યવસ્થા છે, કેટલા એલ.ઈ.ડી.સ્ક્રીન લાગશે. જેવી જીણામા જીણી બાબતનુ ધ્યાન રાખી પોતાના ઘરનો પ્રસંગ હોય તે રીતે દિવસ- રાત મોનીટરીંગ કર્યુ હતુ. આ બધા બનાવો ઉપરથી એવુ લાગે છે કે ર૦ર૪ની લોકસભાની ચુંટણીમા પાટણ- સાંસદ ભરતસિંહ ડાભીને ફરીથી રિપીટ કરે પણ ખરા. જે રીતે ર૦૧૯માં સી.ગ્રેડની સીટમા બે લાખ ઉપરાંતની લીડ મેળવી હતી તે જોતા આ વખતે ફરીથી રીપીટ કરે તેવી શક્યતા લાગે છે. પાટણ -સાંસદ ભરતસિંહ ડાભી ચુંટાયા પછી સતત પાંચ વર્ષ સુધી વિધાનસભાની સાતે સીટોમા સતત પ્રવાસ કર્યો છે. તે તેમનુ જમા પાસુ છે.