Select Page

ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પડી?

ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પડી?

ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે બબુબેન ભરતભાઈ ચૌધરીની જીત થતા તેમણે સત્તા ગ્રહણ કરી છે. પરંતુ તાલુકા પંચાયતના મોટાભાગના સભ્યો નારાજ હોય તેવુ લાગે છે. પ્રમુખનો ચાર્જ લેવાના દિવસ પછી પ્રમુખ પતિ પ્રમુખની ખુરશી ઉપર બેસી જતા જેના ફોટા સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા હતા. ત્યારબાદ ભાજપના સભ્યોને પુછ્યા વગર ખેરાલુ તાલુકા પંચાયત ભવન ખાલી કરી અન્ય જગ્યાએ લઈ જવાના નિર્ણય લઈ લેવાતા સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી હતી. કે પ્રમુખ પતિ સીધાજ નિર્ણયો કરે છે. આ બાબતે કેટલાક સભ્યોએ જીલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરવા ખેરાલુની એક હોટલમાં કેટલાક સભ્યો ભેગા થયા હતા. પરંતુ દિનેશભાઈ ચૌધરી હિરવાણીને આ બાબતની જાણ થતા તેમણે ભાજપના તમામ સભ્યો વચ્ચે સમાધાન કરાવ્યાનુ જાણવા મળે છે.
આ બાબતે પ્રચાર સાપ્તાહિકને તપાસ કરી કે, સભ્યોમાં નારાજગી શેની છે? ત્યારે જાણવા મળ્યુ કે, ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખની ચુંટણીના બે મેન્ડેટ આવ્યા હતા જેમાં એક મેન્ડેટમા હિરાબેન મહેશભાઈ ચૌધરીનુ નામ હતુ. હિરાબેન ચૌધરીના પક્ષમાં ૧૧ સભ્યો હતા. જેમાં કોંગ્રેસના છ સભ્યોનુ સમર્થન પણ હતુ. સ્પષ્ટ બહુમતી હોવા છતાં પુર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના પ્રયત્નોથી હીરાબેન મહેશભાઈ ચૌધરીએ પોતાની દાવેદારી પાછી ખેચી લેતા કેટલાક સભ્યો નારાજ હતા. તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ઉપર ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા. છતાં મને ક મને પ્રમુખ તરીકે બબુબેન ભરતભાઈ ચૌધરીને જીત અપાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખ પદે અસ્મીતાબેન જશુભાઈ ચૌધરી હતા ત્યારે સભ્યોએ એવી રજુઆત કરી કે પ્રમુખ પતિ તેમની સીટ ઉપર બેસી વહીવટ કરે છે. પ્રમુખ પતિ કોઈને પુછતા નથી. પ્રમુખ પતિ મનસ્વી નિર્ણયો કરે છે. ત્યારે હાલ પ્રમુખ બબુબેન ચૌધરીના પતિ ભરતભાઈ ચૌધરી પણ પ્રમુખની ખુરશી ઉપર બેસ વહીવટો કરે છે. તાલુકા પંચાયત ભવન ખાલી કરવા માટે કોઈપણ સભ્યને પુછ્યા વગર નિર્ણય લઈ લીધો છે. પ્રમુખ પતિ મનસ્વી નિર્ણયો કરે છે. જેથી જીલ્લા ભાજપ પ્રમુખ, ટી.ડી.ઓ. અને જીલ્લા વિકાસ અધિકારીને સંબોધીને ત્રણ પત્રો તૈયાર કરાયા હતા. જેમાં સ્પષ્ટ લખ્યુ હતુ કે, હાલ બબુબેન ચૌધરી પ્રમુખ હોવા છતા તેમના પતિ ભરતભાઈ ચૌધરી પ્રમુખની ખુરશીમા બેસી મહિલા સશક્તિકરણના સરકારના શુભ ઉદ્‌ેશનુ ઉલ્લંધન કરવામાં આવી રહ્યુ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહિલા સશક્તિકરણ કરવા પંચાયતી રાજમાં મહિલાઓને ૫૦% અનામત આપવામાં આવી છે. જેનુ ખેરાલુ તાલુકા પંચાયતમાં નિયમોનુ ઉલ્લંધન કરવામાં આવે છે. જે બાબતે ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ બબુબેન ભરતભાઈ ચૌધરી ઉપર કાયદેસરની નિયમ અનુસાર થતી કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ તેમજ તાલુકા પંચાયતના દરેક વિભાગના અધિકારીઓને પ્રમુખ પતિ ભરતભાઈ ચૌધરી સીધો આદેશ કરી રહ્યા છે. જેની ફોટોગ્રાફી અમારી પાસે ઉપલબ્ધ છે. જે જરૂર હોય તો આપશ્રી સમક્ષ રજુ કરીશુ. આ પત્ર સોશિયલ મિડીયામાં ફરી રહ્યો છે. જેમાં તારીખ લખી નથી કોઈની સહી નથી. જેનુ અંતે સમાધાન હીરાવાણીના દિનેશભાઈ ચૌધરીએ કરાવ્યુ છે. જોઈએ હવે આગળ શું થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts