Select Page

માર્ગ મકાન વિભાગના આશિર્વાદથી પુલના કામમાં ગેરરીતીનો આક્ષેપ

વિસનગરના અધિકારીને રજુઆત કરતા ઉડાઉ જવાબ આપ્યો

  • રૂબરૂ મુલાકાતમાં માર્ગ મકાન વિભાગનો ઉધ્ધત જવાબ – મોરબી જેવી ઘટના બનતી હોય તો બને એમા અમારે શુ?

ભાજપની સરકારમાં મોરબી દુર્ઘટનામાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા. ભ્રષ્ટાચારના કારણે આ સરકારમાં પુલ નમી જવાના અને તુટી જવાના ઘણા બનાવો બન્યા છે. તેમ છતા માર્ગ મકાન વિભાગ બોધપાઠ લેવા માગતુ નથી. વિસનગર માર્ગ મકાન વિભાગની ઓફીસમાં અત્યારે લાંચીયા સરકારી બાબુઓના કારણે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. કેબીનેટ મંત્રીના વતનના તાલુકામાં પણ ગુણવત્તાવાળુ કામ કરવાનુ વિચારતા નથી અને હલકી ગુણવત્તાનુ કામ થઈ રહ્યુ છે. વિસનગર ઉમતા રોડ ઉપર રૂપેણ નદી ઉપરના પુલમાં ચાલતા હલકી ગુણવત્તાના કામની એક જાગૃત નાગરિક દ્વારા રજુઆત કરવામાં આવી. ત્યારે લોકોના જાનમાલની કોઈ ચીંતા નહી કરવા વાળા લાંચીયા બાબુઓએ રૂબરૂ થયેલી રજુઆતમાં જે જવાબ આપ્યો તે શરમજનક છે. મોરબી જેવી ઘટના બનતી હોય તો બને એમા અમારે શુ તેવો ઉધ્ધત જવાબ આપનાર માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓએ હવે તો હદ વટાવી દીધી છે.
વિસનગર તાલુકાના ઉમતા રોડ ઉપર રૂપેણ નહી ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા પુલનુ કામ ચાલી રહ્યુ છે. ત્યારે કાંસા એન.એ.વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે પ્રતિક્ષા હોમ્સમાં રહેતા અરવિંદભાઈ પ્રજાપતિ દ્વારા માર્ગ મકાન વિભાગની મહેસાણા ઓફીસમાં લેખીત રજુઆત કરી આક્ષેપ કરવામાં આવ્યો છેકે પુલનુ કામ હલકી ગુણવત્તાનુ થઈ રહ્યુ છે. પુલના કામમાં માર્ગ મકાન વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ તથા કર્મચારીઓના આશિર્વાદથી કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. કન્સ્ટ્રક્શન કામમાં પાઈલ ફાઉન્ડેશનની ઉંડાઈ ડીઝાઈન પ્રમાણે કરવામાં આવી નથી. થયેલ કામમાં સીમેન્ટ તથા સ્ટીલનો ગુણવત્તા પ્રમાણે ઉપયોગ નહી કરી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. માર્ગ મકાન વિભાગના કર્મચારી સાથે રૂબરૂ વાતચીત કરતા ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. અન્ય એક વ્યક્તિ દ્વારા પુલના હલકી ગુણવત્તાના કામ બાબતે માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીને રૂબરૂ રજુઆત કરતા આ અધિકારીએ શરમની તમામ હદ વટાવી એવો ઉધ્ધત જવાબ આપ્યો હતો કે, મોરબી જેવી ઘટના બનતી હોય તો બને એમા અમારે શું?
રૂપેણ નદીનુ બાંધકામ જોતા આત્મઘાતી બોમ્બ સ્વરૂપ સ્ટ્રક્ચર બની રહ્યુ છે. નવાઈની બાબત તો એ છેકે મહેસાણા માર્ગ મકાન વિભાગને જાણ કરવા છતા કોઈપણ જાતની તપાસ કર્યા વગર પુરજોશથી કામ ચાલી રહ્યુ છે. રૂપેણ નદી ઉપરના પુલનુ કામ આજ રીતે ચાલશે તો પુલ તુટવાના કારણે મોરબી જેવી હોનારત સર્જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. પુલનુ બાંધકામ અટકાવી જાત નિરિક્ષણ કરી ટકાઉ અને મજબુત કામ કરવા માગણી ઉઠી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us