દિપરા દરવાજા ગંજીનો ઢાળ વણકરવાસમાં પાણી લીકેજ અને ગંદકીની CMOમાં થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં પાલિકા નિરસ
- CMO મા શનિવારે ફરિયાદ કરી – સોમવારે કર્મચારીઓ આવ્યા પણ રીપેરીંગ કર્યા વગર જતા રહ્યા
વિસનગર પાલિકાનુ તંત્ર એટલુ નઘરોળ બની ગયુ છેકે હવે CMOમાં થયેલી ફરિયાદનો નિકાલ કરવામાં પણ રસ દાખવતા નથી. દિપરા દરવાજા વણકરવાસ ગંજીના ઢાળમાં છેલ્લા એક માસથી પાઈપલાઈન લીકેજ છે. વારંવાર ફરિયાદ કરવા છતા નિકાલ નહી થતા પાણીના બગાડની સાથે ગંદકી પણ થઈ રહી છે. જેની CMOમાં જાણ કરવા છતા ફરિયાદની ઉપેક્ષા થઈ રહી છે.
વિસનગરમાં દિપરા દરવાજા વણકરવાસ ગંજીના ઢાળમાં સાર્વજનિક હૉલની આગળ પાલિકાની પાઈપલાઈન લીકેજના કારણે છેલ્લા એક માસથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. રોજેરોજ પાણી લીકેજના કારણે ગંદકી પણ થઈ રહી છે. આ વિસ્તારના જાગૃત નાગરિક જયેશકુમાર નરોત્તમભાઈ નાગરે પાઈપલાઈન રીપેરીંગ કરવા તેમજ લીકેજ બંધ કરવા લગભગ સાત થી આઠ વખત વોટર વર્કસમાં ફોન દ્વારા જાણ કરી છે. નઘરોળ પાલિકા તંત્રમાં દરેક વિભાગમાં લાલીયાવાળી ચાલી રહી છે. પાણી લીકેજની સાત થી આઠ વખત કમ્પલેન કરી છે ત્યારે બેજ વખત રજીસ્ટરમાં નોધ કરવામાં આવી છે. પાલિકા તંત્ર પાઈપલાઈન લીકેજ રીપેરીંગનુ નહી ગણકારતા પાણીનો બગાડ તો થઈ રહ્યો છે. સાથે સાથે ગંદકી પણ એટલીજ થઈ છે. ભૂપેન્દ્રભાઈ પટેલની ૨.૦ સરકારમાં સ્થાનિક કક્ષાએ ફરિયાદોનો નિકાલ થતો ન હોય તો મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જયેશકુમાર નાગરે આ બાબતે CMOમા ફરિયાદ કરતા બે દિવસ બાદ પાલિકાના કર્મચારીઓ લીકેજ સ્થળે દેખાયા હતા. જે કર્મચારીઓ ખાડો ખોદી રીપેરીંગ કર્યા વગર ખાડો પુરીને જતા રહ્યા હતા. કદાજ CMOમા કામ થઈ ગયુ તે બતાવવા દેખાવ થયો હશે. પરંતુ હકીકતમાં લીકેજ અને ગંદકીની પરિસ્થિતિ જૈસે થે છે. લોકોના પ્રશ્નોનો નિકાલ નહી કરી ઉઠા ભણાવવામાં માનતુ વિસનગર પાલિકા તંત્ર CMOને પણ ઉઠા ભણાવતા ખચકાતુ નથી. ભાજપ શાસીત વિસનગર પાલિકાના નઘરોળ તંત્રથી હવે તો શહેરીજનો ત્રાસી ગયા છે.