Select Page

આરોગ્ય મંત્રીના હોમટાઉનમાં ઉત્તમ તબીબી સેવાઓ માટે હોસ્પિટલ સ્ટાફનો અનેરો ઉત્સાહ
સિવિલ હોસ્પિટલમાં એકજ દિવસમાં ૭૬૦ દર્દિની ઐતિહાસિક ઓપીડી

કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની સંવેદનાથી સમગ્ર ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે સરકાર મહત્વનુ પ્રદાન કરી રહી છે. ત્યારે કેબીનેટ મંત્રી સરકારની જવાબદારીઓ સાથે પોતાના મત ક્ષેત્રના લોકોને પણ સરકાર દ્વારા ઉત્તમ તબીબી સારવાર મળે તેવા પ્રયત્નોના કારણે આજ વિસનગર સિવિલ હોસ્પિટલ ધમધમી રહી છે. હોસ્પિટલના અધિક્ષક સહિતનો સ્ટાફ આરોગ્ય મંત્રીના હોમટાઉનમાં સરકાર દ્વારા આપવામાં આવતી તબીબી સેવાઓમાં કોઈ કચાસ રહે નહી તે માટે પુરતા ઉત્સાહથી કાળજીપૂર્વક કામ કરતા હોસ્પિટલની ઓપીડી ઐતિહાસિક ટોચે પહોચી છે. એકજ દિવસમાં ૭૬૦ ની ઓપીડી થઈ હતી. હોસ્પિટલ એક તરફ નવા બીલ્ડીંગના નિર્માણ કાર્યથી તો બીજી તરફ દર્દિઓથી ધમધમી રહ્યુ છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ આરોગ્ય મંત્રી બનતા વિસનગર સિવિલ હોસ્પિટલના વિકાસનો તો બીજી તરફ સારવાર લેતા દર્દિઓની સંખ્યાનો ગ્રાફ સતત અને સતત વધી રહ્યો છે. હોસ્પિટલમાં કોઈ અદ્યતન સુવિધાઓ નથી. છતા વિનામુલ્યે માનવતાસભર મળતી સારવારથી વિસનગર શહેર અને તાલુકાના લોકો હોસ્પિટલની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. જેના કારણે ફેબ્રુઆરી માસના છેલ્લા દિવસે હોસ્પિટલની ઓપીડીની સંખ્યા ૭૬૦ ની ઐતિહાસિક ટોચે પહોચી હતી. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં તથા સિવિલ અધિક્ષક પારૂલબેન પટેલની રાહબરીમાં હોસ્પિટલના ર્ડાક્ટર તેમજ સ્ટાફની નિષ્ઠાપૂર્વકની સેવાઓના કારણે હોસ્પિટલ કમ્પાઉન્ડ ધમધમી રહ્યુ છે. જેમાં રોગી કલ્યાણ સમિતીના સભ્યોની દેખરેખ પણ એટલીજ મહત્વની છે.
હોસ્પિટલના અધિક્ષક સાથેની વાતચીતમાં મળેલી માહિતી પ્રમાણે સોનોગ્રાફી શરૂ થતા મહિલાઓ તેમજ સગર્ભા માતાઓ વિનામુલ્યે આ સેવાનો લાભ લઈ રહી છે. એવરેજ ૩૦ જેટલી સોનોગ્રાફી થાય છે. બે મહિનામાં ગર્ભાશયની કોથળી કાઢવાના ૪૦ ઓપરેશન કર્યા, મહિનામાં ૫૦ જેટલી પ્રસૂતિ થાય છે. જેમાં ૧૫ જેટલા સીજેરીયન કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીશ્રીના પ્રયત્નોથી હોમોફીલીયાના મોઘી કિંમતના ડોઝ આપવાની હોસ્પિટલમાં શરૂઆત થતા એક દર્દિને રૂા.૫૦ થી ૭૦ હજારની કિંમતનો ડોઝ વિનામુલ્યે આપવામાં આવે છે. જરૂરીયાત પ્રમાણે આ ડોઝ આપવામાં આવે છે. ગત મહિનામાં કૂતરા કરડવાના ૨૭૦ કેસ આવ્યા હતા. જેમાં ૯૪૦ ઈન્જેક્શન આપવામાં આવ્યા. હોસ્પિટલમાં ૪૦ જેટલા લેબોરેટરી ટેસ્ટ નિઃશુલ્ક થાય છે. જ્યારે ખાનગી લેબોરેટરી સાથે એમ.ઓ.યુ. કરવાના કારણે ૨૦૦ જેટલા ટેસ્ટ રાહતદરે થાય છે. લેબોરેટરી વિભાગમાં એક મહિનામાં ૨૩૦૦૦ જેટલા વિવિધ ટેસ્ટ રીપોર્ટ કરવામાં આવ્યા છે. મોટા શહેરોની તમામ તબીબી સારવાર આપતી હોસ્પિટલમાં ૬૮૭ જાતની દવા આપવામાં આવે છે. ત્યારે વિસનગરની હોસ્પિટલમાં ૪૮૬ જેટલી દવા આપવામાં આવે છે. હોસ્પિટલમાં મળતી સુવિધા અને સારવારમાં દર્દિઓની સંખ્યા વધતા વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂા.૬૩ લાખની દવાનો વપરાશ થયો હતો. ચાલુ વર્ષે રૂા.૧.૫૧ કરોડની દવાનો વપરાશ થશે. જ્યારે હોસ્પિટલમાં
દર્દિઓનો વધતો ઘસારો જોતા વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા.૧.૮૬ કરોડની દવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દિઓને બલ્ડ પણ ચડાવવામાં આવે છે. હોસ્પિટલમાં સ્ત્રી રોગ, રેડીયોલોજી, કિમોથેરાપી, લેબોરેટરી, કુપોષિત બાળ સારવાર કેન્દ્ર, આઈ.સી.યુ., ડાયાલીસીસ, એક્સ-રે, ફીઝીયોથેરાપી, આંખ, દાંત, બાળરોગ, આયુર્વેદિક, કાન નાક ગળા, ચામડીના રોગ, ફિઝીશીયન, હિમોફીલીયા તથા ઓર્થોપેડીક સાથે કુલ ૧૯ વિભાગ કાર્યરત છે. વિકલાંગ કલ્યાણ સંસ્થા દ્વારા સર્ટીફીકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલ સ્ટાફ તથા રોગી કલ્યાણ સમિતીના સભ્ય જે.કે.ચૌધરી, વિકલાંગ સંઘના અશોકભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us