Select Page

મહેસાણા જીલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી દવાનો છંટકાવ કરનાર
ભાજપના જીલ્લા સદસ્યના પતિની એજન્સીને બિલ ચુકવતા વિવાદ

મહેસાણા જીલ્લામાં ડ્રોન ટેકનોલોજીથી દવાનો છંટકાવ કરનાર<br>ભાજપના જીલ્લા સદસ્યના પતિની એજન્સીને બિલ ચુકવતા વિવાદ

વિસનગર સહિત મહેસાણા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીથી પાણીજન્ય મચ્છરોને નિયંત્રણ કરવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેનો મહેસાણા જીલ્લા પંચાયતના સુંઢીયા સીટના ભાજપ મહિલા સદસ્યના પતિની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ત્યારે સવાલા જીલ્લા સીટના કોંગ્રેસના મહિલા સદસ્યએ પંચાયત ધારાના નિયમ મુજબ કોઈપણ સદસ્યના પ્રત્યક્ષ કે પરોક્ષરીતે હિત ધરાવતા સબંધીની એજન્સીને કોન્ટ્રાક્ટ આપી શકાય નહી તેવો નિયમ બતાવી મહિલા સદસ્યના પતિની એજન્સીને ચુકવેલા બિલના નાણાં રિકવર કરવા તથા સભ્યપદ રદ કરવા ડી.ડી.ઓને લેખિત રજુઆત કરી છે. છતાં ગમે તે કારણે ડી.ડી.ઓ.એ આ એજન્સીના બીલના રૂા.૧૯,૯૪,૨૦૦/- રિકવર કરવા કોઈ કાર્યવાહી નહી કરતા આ મુદ્દો સમગ્ર જીલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.
• કોંગ્રેસના સવાલા સીટના મહિલા સદસ્યાની સુંઢિયા સીટના ભાજપના મહિલા સદસ્યાના પતિની એજન્સીને ચુકવેલ બીલના રૂા.૧૯.૯૪ લાખ રિકવર કરવા ડી.ડી.ઓને રજુઆત
• જો ડી.ડી.ઓ. ભાજપના જીલ્લા સદસ્યોની રજુઆત અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણને ધ્યાને લેતા ન હોય તો કોંગ્રેસના સદસ્યાની રજુઆતને ક્યાંથી ગંભીરતાથી લેશે તેવી જીલ્લાના આગેવાનો ચર્ચા કરી રહ્યા છે.
મહેસાણા જીલ્લા વિકાસ અધિકારી ડા.ઓમપ્રકાશ છેલ્લા ઘણા સમયથી તેમની વહીવટી કામગીરીને લઈને અવાર-નવાર વિવાદમાં ઘેરાયેલા રહે છે. અગાઉ આ ડી.ડી.ઓ. ગમે તે કારણે જીલ્લા પંચાયતના ભાજપના મોટાભાગના સદસ્યોની રજુઆત ધ્યાને નહી લેતા જીલ્લા સદસ્યો અને ડી.ડી.ઓ. વચ્ચે વિવાદ થયો હતો. ત્યારે જીલ્લા પંચાયતના ભાજપના ૨૦ થી ૨૫ જેટલા સદસ્યો અને જીલ્લાના ભાજપના કદાવર નેતાઓએ આ ડી.ડી.ઓ.ની બદલી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી. આ સમયે વિધાનસભાની ચુંટણી નજીક આવતી હોઈ આ વિવાદને દબાવી દેવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે આ ડી.ડી.ઓ રાજ્યના બીજાનંબરના કદાવર કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલની ભલામણોને પણ ગણકારતા નહી હોવાનું જીલ્લા પંચાયતના સદસ્યોના ધ્યાને આવતા હવે આ મુદ્દો ચર્ચાના એરણે ચડ્યો છે. જીલ્લા પંચાયતના મોટાભાગના સદસ્યો અંદરખાને આ ડી.ડી.ઓ.ની બદલી કરાવવાની ભુગર્ભ તજવીજ કરી રહ્યા છે. જો કે ભાજપના આંતરીક જૂથવાદના કારણે આ ડી.ડી.ઓની બદલી થતી નથી તેવુ ચર્ચાય છે. ભાજપના જીલ્લા સદસ્યો અને ડી.ડી.ઓ.ના વિવાદ વચ્ચે મહેસાણા જીલ્લા પંચાયતના સવાલા સીટના કોંગ્રેસના સદસ્યા રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ ડી.ડી.ઓ. ડા.ઓમપ્રકાશ અને વિકાસ કમિશ્નર ગાંધીનગરને તા.૧૫-૨-૨૦૨૩ના રોજ પત્ર લખી એવી રજુઆત કરી છે કે, સુંઢિયા સીટના જીલ્લા સદસ્યા ભાવિષાબેન પટેલના પતિ પ્રદિપભાઈ ડ્રોન ટેકનોલોજીની પ્રાઈમ યુએવી પ્રા.લી. કંપનીના માલિક છે. આ એજન્સીને જીલ્લા પંચાયત દ્વારા ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા માટે તા.૧૪-૭-૨૦૨૨ના રોજ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં વિસનગર તાલુકાના કાંસા, કાંસા એન.એ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છઠીયારડા, પાંચોટ, ઓ.જી.વિસ્તાર તથા મહેસાણા માનવ આશ્રમ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ત્યારે જીલ્લા પંચાયતની કારોબારી સમિતિએ આ એજન્સીના બીલના રૂા.૧૯,૯૪,૨૦૦/- ચુકવવા ઠરાવ કર્યો હતો. જોકે પંચાયત ધારાના નિયમ મુજબ કોઈપણ સદસ્યના પ્રત્યક્ષ કે પરોક્ષ હિત ધરાવતા સબંધીની એજન્સીને કોઈપણ કામનો કોન્ટ્રાક્ટ આપી શકાય નહી. જેથી આ ઠરાવ રદ કરી પંચાયતની કલમ ૩૦ (જ) મુજબ ભાજપના આ મહિલા સદસ્યાને સભ્યપદેથી ગેરલાયક ઠરવી આ એજન્સીને ચુકવેલ બીલના નાણાં રિકવર કરવાની માંગણી કરી છે. છતાં આજ સુધી ડી.ડી.ઓએ આ જીલ્લા સદસ્યની રજુઆત ધ્યાને લઈ કોઈ કાર્યવાહી કરી નથી. આમ અત્યારે મહેસાણા ડી.ડી.ઓ.ની વહીવટી કામગીરીથી ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના સદસ્યોમાં છુપી નારાજગી છે. જેમાં ભાજપના મોટાભાગના જીલ્લા સદસ્યો અને આગેવાનો હવે આ ડી.ડી.ઓ.ની બદલી ક્યારે થાય છે તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts