Select Page

કેબીનેટ બેઠકમાં જંત્રીના દરે પાલિકા ભવનની જગ્યા મંજુરમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકાને રૂા.૨.૩૫ કરોડની રાહત

કેબીનેટ બેઠકમાં જંત્રીના દરે પાલિકા ભવનની જગ્યા મંજુરમંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી પાલિકાને રૂા.૨.૩૫ કરોડની રાહત

વિસનગર પાલિકા ભવનની જગ્યા માટે છેલ્લા ત્રણ વર્ષથી મથામણ ચાલી રહી છે. મહેસુલ વિભાગે રૂા.૨.૫૪ કરોડની કિંમત નક્કી કરી જમીન ફાળવી હતી. સ્વભંડોળમાંથી માતબર રકમ ભરવા પાલિકા સક્ષમ ન હોઈ પ્રમુખે રાહત આપવા માટે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ રજુઆત કરી હતી. જેમાં કેબીનેટ મંત્રીની સરકારમાં વગ અને પ્રયત્નોથી ખાસ કિસ્સામાં જંત્રીના દરે જમીન ફાળવવા કેબીનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવતા પાલિકાને સીધોજ રૂા.૨.૩૫ કરોડનો ફાયદો થયો છે. જમીનના નાણા ભરાઈ ગયા બાદ ટુંક સમયમાંજ પાલિકા ભવનનુ ખાતમુહુર્ત થાય તેવી પુરેપુરી શક્યતા છે.
પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલે જમીનની કિંમતમાં ૫૦ ટકા રકમ માફીની માગણી કરી હતી ત્યારે ૧૪.૫ ગણો ફાયદો થયો
વિસનગર પાલિકાની મંડીબજારની ગીચ વિસ્તારમાં આવેલી ઓફીસ આગળ પાર્કિંગની પણ જગ્યા નહી હોવાથી સ્થળ બદલવા ઘણા વર્ષથી માગણી હતી. ત્યારે મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી તાલુકા પંચાયત સંકુલમાં ૧૨૦૦ ચો.મી. જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તત્કાલીન કલેક્ટરની કનડગતથી ફાઈલ આગળ વધતી નહોતી. વર્ષાબેન પટેલે પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો ત્યારથી પાલિકા ભવનની જમીનની મંજુરી માટે ગાંધીનગર અનેક વખત ધક્કા ખાધા હતા. ત્યારે ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાની સાથેજ પાલિકા ભવનની જગ્યાનો પડતર પ્રશ્ન હાથ ધરતા મહેસુલ વિભાગે બજાર કિંમત પ્રમાણે રૂા.૨,૫૪,૦૮,૮૦૦/- ની કિંમત ઘણી ૧૨૦૦ ચો.મી. જમીનની મંજુરી આપી હતી.
આટલી માતબર રકમ ભરવા ગ્રાન્ટનો ઉપયોગ થઈ શકે નહી. પાલિકાના સ્વભંડોળમાંથીજ રકમ ભરવી પડે. ત્યારે પ્રમુખ વર્ષાબેન પટેલની રજુઆત આધારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોઈ જમીનની કિંમત રૂા.૨,૫૪,૦૮,૮૦૦/- ભરી શકે તેમ ન હોઈ ભરવા પાત્ર રકમના ૫૦ ટકા રકમની માફી આપવા તથા ૫૦ ટકા રકમના સરળ હપ્તા કરી જમીનનો કબજો આપવા માટે મુખ્યમંત્રીને ભલામણ કરી હતી. જેનો સરકારની કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવાનો હતો. મોસાળમાં મા પીરસનારી હોય તો દિકરો ભુખ્યો ક્યાંથી રહે. કેબીનેટ બેઠકમાં મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિ હોય તો વિસનગરને ફાયદો કેમ ન થાય? તા.૫-૪-૨૦૨૩ ના રોજ કેબીનેટ બેઠક મળી હતી. જેમાં ઋષિભાઈ પટેલની દમદાર રજુઆત તથા વગથી ૧૨૦૦ ચો.મી. જમીનનો રૂા.૧૫૭૫/- જંત્રીનો દર ભરી કબજો લેવા કેબીનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો.
પાલિકા ભવનની જગ્યા માટે ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદીએ પણ ઘણી મહેનત કરી હતી. ચીફ ઓફીસરે જણાવ્યુ છેકે બજાર કિંમત પ્રમાણે જમીન મંજુર કરતા રૂા.૨,૫૪, ૦૮,૮૦૦/- ભરવાના થતા હતા. ત્યારે કેબીનેટ મંત્રીશ્રીના પ્રયત્નોથી જંત્રીનો દર નક્કી થતા હવે ફક્ત રૂા.૧૮,૯૦,૦૦૦/- ભરવાના થશે. ખાસ કિસ્સામાં કેબીનેટ બેઠકે મંજુરી આપી છે. જ્યારે પ્રમુખ વર્ષાબેન પટેલે જણાવ્યુ હતું કે, લોકલાડીલા ધારાસભ્ય ઋષિભાઈ પટેલ મંત્રી બન્યા તેનો સીધો ફાયદો વિસનગરને થયો છે. મંત્રીશ્રી ઋષિભાઈ પટેલની વગથી પાલિકાને રૂા.૨.૩૫ કરોડની રાહત મળી છે. જે નાણાંનો ઉપયોગ વિકાસ કામમાં થશે. પાલિકાને માતબર રકમની રાહત અપાવવા બદલ પ્રમુખ વર્ષાબેન પટેલે મંત્રી ઋષિભાઈ પટેલનો આભાર માન્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us