Select Page

તેલનો ખાલી ડબો આપી જાવ પંખીઘર લઈ જાવ

તેલનો ખાલી ડબો આપી જાવ પંખીઘર લઈ જાવ

વિસનગરમાં સંત શ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટનો અનોખો પક્ષીપ્રેમ

તેલનો ખાલી ડબો આપી જાવ પંખીઘર લઈ જાવ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
એવા કેટલાક લોકોજ છે જેમણે લોકડાઉનમાં બેસી રહ્યા વગર સમયનો સદ્‌ઉપયોગ કર્યો છે. વિસનગરના સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ દ્વારા તેલના ડબામાંથી પંખીઘર બનાવી વિનામૂલ્યે આપી જીવદયાનુ અનોખુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. ખાલી ડબો લઈ આવનારને વિનામુલ્યે પંખીઘર આપવામાં આવે છે.
વિસનગર ફતેહ દરવાજા વણકરવાસના પાલિકાના પૂર્વ ચેરમેન ડાહ્યાભાઈ પરમારના ત્રણ પુત્ર ચંદ્રકાન્તભાઈ પરમાર, બીપીનભાઈ પરમાર અને હર્ષદભાઈ પરમાર ઉમિયા ફર્નિચરના વ્યવસાયની સાથે સંતશ્રી સવૈયાનાથ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. ચંદ્રકાન્તભાઈ પરમારે લોકડાઉન દરમ્યાન જરૂરીયાતમંદો માટે મહત્વની સેવાઓ પુરી પાડી છે. જ્યારે તેમના નાના બે ભાઈઓ દ્વારા લોકડાઉનમાં ધંધો વ્યવસાય નહોતો તે સમયે સતત બે માસ જીવદયાનુ અનોખુ કાર્ય કરવામાં આવ્યુ છે. બીપીનભાઈ પરમાર અને હર્ષદભાઈ પરમાર જાતે ફર્નિચર બનાવતા હોઈ કારીગરનો અનુભવ ધરાવતા હોવાથી તેલના ડબામાંથી પંખીઘર બનાવવાનુ શરૂ કર્યુ અને તેનુ વિનામૂલ્યે વિતરણ કર્યુ હતુ. તેલના ડબાની શોર્ટેજ હોવાથી હવે આ જીવદયાપ્રેમી બંધુઓએ ખાલી તેલનો ડબો લઈ આવનારને ડબામાંથી બનાવેલ પંખીઘર વિનામુલ્યે આપવામાં આવે છે. તેલના ડબામાંથી ઢાંકણાવાળો ડબો બનાવતા દેવીપૂજક કારીગરો ચારેબાજુથી ડબો કોતરી તેની ધાર વાળી પંખીઘર બનાવવાના રૂા.૧૫૦ થી ૨૦૦ મજુરી લે છે. એક પંખીઘર બનાવવા આખો દિવસ થતો હોવાથી આટલી મજુરીમાં પણ પંખીઘર બનાવવા તૈયાર નથી. ત્યારે કોરોના લોકડાઉનના બે માસ કોઈ ધંધો વ્યવસાય નહી હોવાથી બીપીનભાઈ પરમાર અને હર્ષદભાઈ પરમારે કારખાનાના ગ્રાઈન્ડર સહીતના આધુનિક સાધનોનો ઉપયોગ કરી પંખીઘર બનાવવાની શરૂઆત કરી હતી. લોકડાઉન દરમ્યાન લગભગ ૧૦૦ જેટલા પંખીઘર બનાવી વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આસપાસના ભાગમાં ચણ મૂકી શકાય અને વચ્ચે પાણી ભરી શકાય એવા પંખીઘર માટે જીવદયા અને પક્ષીપ્રેમીઓનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. રૂા.૧૫ કે ૨૦ માં ખાલી ડબો વેચવાની જગ્યાએ જીવદયાના કાર્ય માટે લોકો ખાલી ડબા આપી રહ્યા છે. ખાલી ડબાની શોર્ટેજ હોવાથી ડબો લઈ આવનારને આ પંખીઘર વિનામુલ્યે આપવામાં આવે છે. તેલના ડબામાંથી પંખીઘર બનાવવા અને મેળવવા વિસનગરમાં પટણી દરવાજા પાસે આવેલ પંથકનો જાણીતો શો-રૂમ ઉમિયા ફર્નિચરનો રૂબરૂ સંપર્ક કરી શકાશે. આ માટે મો.નં.૯૪૨ ૭૬૯૫૪૧૦ ઉપર પણ સંપર્ક કરી શકાશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us