કોન્ટ્રાક્ટર પાસે લેબર નથી કે પછી રોકવામાં આવ્યો છે તેની ચર્ચાપાલિકામાં ભાજપના આંતરીક વિખવાદમાં ધરોઈ રોડનો વિકાસ અટવાયો
વિસનગરમાં ધરોઈ કોલોની રોડની હાલત એટલી ખરાબ થઈ છેકે ઉબડ ખાબડ રોડ ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની જાય છે. ગટરલાઈન અને આર.સી.સી.રોડના બે અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે કામ શરૂ થતુ નથી. જાણવા મળ્યા પ્રમાણે પાલિકામાં ભાજપના આંતરીક વિખવાદના કારણે રોડ બનતો નથી. કોન્ટ્રાક્ટર લેબર નથી તેમ કહી કામ કરતો નથી. જ્યારે વિસનગરમાં અન્ય જગ્યાએ આ કોન્ટ્રાક્ટરનુ કામ ચાલુ છે. ત્યારે કોન્ટ્રાક્ટરને રોકવામાં આવ્યો છેકે શુ તેની ચર્ચાઓ થઈ રહી છે. ધરોઈ કોલોની રોડ ઉપર રહેતા ભાજપના આગેવાનોને લોકો પુછી રહ્યા છેકે ચુંટણીમાં મત લેવા આવો છો તો રોડનુ કામ કેમ શરૂ કરાવી શકતા નથી.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ શહેરના વિકાસ માટે પરસેવો પાડી રહ્યા છે. ત્યારે લોકો હેરાન થઈને મંત્રીશ્રી તેમજ પાલિકા પ્રમુખ ઉપર રોષ ઠાલવે એવા ઈરાદાથી વિકાસ કામ થવા દેવામાં આવતા નહી હોવાનુ જાણવા મળ્યુ છે. એમ.એન.કોલેજથી શીરડીનગર ચાર રસ્તા સુધીનો ધરોઈ કોલોની રોડ ઘણા સમયથી બીસ્માર હાલતમાં છે. રોડ ઉપર ઘણી જગ્યાએ ખાડા પડ્યા છે. રોજીંદી અવરજવર કરતા ઉબડ ખાબડ રોડથી હેરાન થઈ રહ્યા છે. વિધાનસભાની ચુંટણીમાં ધરોઈ કોલોની રોડનો મુદ્દો ઉદ્ભવ્યો હતો. ત્યારે આ રોડ ઉપર બંગલા ધરાવતા ભાજપના આગેવાનોને ચુંટણી પછી રોડનુ કામ શરૂ થઈ જશે તેવુ વચન આપ્યુ હતુ. ચુંટણી બાદ ચાર માસનો સમય થવા છતા પણ કામ શરૂ નહી થતા મત લેવા ગયેલા ભાજપના આગેવાનોને જવાબ આપવા કઠીન બની ગયા છે.
વર્કઓર્ડર આપ્યા પછી છ મહિના થવા છતા કોન્ટ્રાક્ટર કામ કરતો નથી
ધરોઈ કોલોની રોડના ટેન્ડર બાબતે તપાસ કરતા ઓરબીસ એન્જીકોન લી.અમદાવાદ કોન્ટ્રાક્ટરને રૂા.૨૦.૨૫ લાખમાં ગટરલાઈન કામ કરવા તા.૨-૧૧-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે સ્કાય લાઈન પ્રોજેક્ટ વિજાપુર કોન્ટ્રાક્ટરને રૂા.૪૯.૭૨ લાખમાં સી.સી.રોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. સ્કાય લાઈન કોન્ટ્રાક્ટરનુ વિસનગરમાં અન્ય જગ્યાએ વિકાસ કામ ચાલુ છે. આ કોન્ટ્રાક્ટર રોડનુ કામ કરવા તૈયાર છે. પરંતુ ગટરલાઈનનુ કામ પુરૂ ન થાય ત્યા સુધી રોડનુ કામ શરૂ થાય તેમ નથી. બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલે પાલિકામાં હોળી પહેલા જણાવ્યું હતું કે, હોળી બાદ લેબર આવશે ત્યારે ગટરલાઈનનુ કામ શરૂ થઈ જશે. હોળી પછી દોઢ મહિનો થવા આવ્યો પણ બાંધકામ ચેરમેન કામ કરાવી શક્યા નથી. બાંધકામ ચેરમેન સિનિયર છે અને અનુભવી છે પછી કયા કારણે ગટરલાઈન કામ શરૂ થતુ નથી.
ધરોઈ કોલોની રોડ ઉપર બંગલો ધરાવતા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ આર.કે., નારાયણભાઈ પ્રગતિ વિગેરે આગેવાનોને જવાબ આપવો કઠીન બની ગયો છે. ગટરલાઈન કામ શરૂ નહી થવા પાછળનુ કારણ ઓરબીસ એન્જીકોન કોન્ટ્રાક્ટર પાસે લેબર નહી હોવાનુ જણાવાયુ હતુ. રૂા.૧.૧૭ કરોડના ખર્ચે બનનાર ગંજબજાર ભોજનાલયથી કાંસા ચાર રસ્તા સુધી વરસાદી પાણીની કેનાલનો કોન્ટ્રાક્ટર ઓરબીસ એન્જીકોન લી.ને આપવામાં આવ્યો છે. આજ કોન્ટ્રાક્ટરને ધરોઈ રોડની ગટરલાઈનનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ત્યારે ગંજબજાર કેનાલનુ કામ કરવા કોન્ટ્રાક્ટર પાસે લેબર હોય તો ધરોઈ રોડની ગટરલાઈન માટે કેમ લેબર ફાળવતો નથી. આ કોન્ટ્રાક્ટરને ધરોઈ રોડ ઉપર કામ કરવા કોણ રોકી રહ્યુ છે. કામ શરૂ કરવા માગતા કોન્ટ્રાક્ટરોને પાલિકાના એક જવાબદાર હોદ્દેદાર દ્વારા ફોન કરીને રોકવામાં આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. કામ શરૂ કરશો તો બીલ નહી મળે તેવી ધમકીઓ પણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હોવાનુ ચર્ચાય છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ આ બાબતે તપાસ કરી ધરોઈ કોલોની રોડનુ કામ શરૂ કરાવે. રોડનુ કામ ઝડપી થઈ જશે તેવુ ભાજપના આગેવાનોએ આપેલુ વચન પુરૂ કરવાની જવાબદારી ભાજપ શાસીત પાલિકાની તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની છે.