Select Page

તાલુકા પંચાયત પ્રમુખની આવાસ યોજનામાં લાભાર્થીઓને મનરેગા સહાય આપવા તાકીદ

વિસનગરના મદદનીશ ટી.ડી.ઓ.અને સમાજ કલ્યાણ નિરિક્ષક નિષ્ક્રીય રહેતા

સરકારની પંડિત દિનદયાળ આવાસ યોજનામાં બક્ષીપંચ સમાજના લાભાર્થીઓને મકાન સહાયની સાથે મનરેગા યોજનામાં મંજુરી પેટે રૂા.૧૭,૦૦૦નો પણ લાભ મળતો હોય છે. પરંતુ મોટાભાગના લાભાર્થીઓ અજ્ઞાનતાના કારણે મનરેગા યોજનામાં રૂા.૧૭,૦૦૦ નો લાભ લઈ શક્તા નથી. ત્યારે વિસનગર તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે ગત ગુરુવારના રોજ સમાજ કલ્યાણ નિરીક્ષક અને તાલુકા પંચાયતના ૈંઇડ્ઢ શાખાના મદદનીશ ટી.ડી.ઓ. સાથે મિટીંગ કરી પંડિત દિનદયાળ આવાસ યોજનાના તમામ લાભાર્થીઓને મનરેગા યોજના હેઠળ મળવાપાત્ર રૂા. ૧૭,૦૦૦નો લાભ આપવાની કામગીરી  કરવા કડક સુચના આપી હતી.
સરકારે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત કરી છે. સરકારની વિવિધ યોજનાનો લાભ આપવા માટે ગરીબ-કલ્યાણ મેળા અને સેવાસેતુ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ નિતીના કારણે કેટલાય લાભાર્થીઓ સરકારની જન કલ્યાણકારી યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. જેમાં સરકારની પંડિત દિન દયાળ આવાસ યોજનાની વાત કરીએ તો આ યોજનામાં સરકાર બક્ષીપંચ સમાજના ગરીબ લાભાર્થીઓને મકાન બનાવવા માટે ત્રણ તબક્કામાં રૂા.૧.૨૦ લાખ સહાય આપે છે. આ ઉપરાંત લાભાર્થીને મનરેગા યોજના હેઠળ મજુરી પેટે રૂા. ૧૭૦૦૦ સહાય પણ મળે છે. પરંતુ જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટ વૃતિના કારણે કેટલાય અભણ અને અજ્ઞાન લાભાર્થી સરકારની મનરેગા યોજનાનો લાભ લઈ શક્તા નથી. ત્યારે વિસનગર તાલુકા પંડિત દિન દયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન સહાય ઉપરાંત મનરેગા યોજનામાં મજુરી પેટે મળવાપાત્ર રૂા.૧૭૦૦૦ સહાય પણ મળે તે માટે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન કે.પટેલે ગત ગુરુવારના રોજ બપોરે તાલુકાના સમાજ કલ્યાણ શાખાના નિરીક્ષક કૈલાશબેન રબારી અને મદદનીશ ટી.ડી.ઓ. પંકજભાઈ શ્રીમાળી સાથે મિટીંગ કરી હતી. જેમાં પંડિત દિનદયાળ આવાસ યોજનામાં તાલુકાના કેટલા લાભાર્થીઓને મનરેગા યોજનામાં રૂા. ૧૭૦૦૦ ની સહાય ચુકવાઈ તેની માહિતી મેળવી હતી. જેમાં સમાજ કલ્યાણ નિરીક્ષક કૈલાસબેન રબારીએ તાલુકાના ૩૯૦૦ જેટલા લાભાર્થીઓને પંડિત દિનદયાળ આવાસ યોજનામાં ત્રણ તબક્કામાં રૂા.૧.૨૦ લાખ સહાય ચુકવાઈ હોવાનુ અને તેની વિગત તાલુકા પંચાયતમાં આપી હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે મનરેગા યોજના અંતર્ગત દરેક લાભાર્થીને મજુરી પેટે મળવાપાત્ર રૂા.૧૭૦૦૦ની સહાયનો લાભ કેમ અપાતો નથી. તેવા પ્રશ્નના જવાબમા સમાજ કલ્યાણ નિરિક્ષકે જણાવ્યુ કે, હું દરેક લાભાર્થીની વિગત તાલુકા અને જીલ્લામા આપુ છું. મનરેગામા સહાય આપવાની જવાબદારી તાલુકા પંચાયતની છે. જ્યારે તાલુકા પંચાયતના આઈ.આર.ડી.શાખાના મદદનીશ ટી.ડી.ઓ. પંકજભાઈ શ્રીમાળીએ જણાવ્યુ કે, અમે તો દરેક લાભાર્થીને મનરેગા યોજનામાં મળવાપાત્ર રૂા.૧૭૦૦૦ની સહાય આપવાની કામગીરી કરીએ છીએ. કેટલાક લાભાર્થીને સહાય પણ ચુકવી છે. આતો જે લાભાર્થીએ અમને સહાય મંજુરીનો હુકમ ન આપ્યો તેવા લાભાર્થી મનરેગા યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા હશે. આમ સમાજ કલ્યાણ નિરિક્ષક અને મદદનીશ ટી.ડી.ઓ. તાલુકાના લાભાર્થીઓને સરકારી સહાય આપવામાં પોતાની જવાબદારીમાથી છટકી એક બીજાને ખો આપી રહ્યા હતા. જોકે ટી.ડી.ઓ. દિનેશભાઈ પટેલ અને આઈ.આર.ડી. શાખાના મદદનીશ ટી.ડી.ઓ. મનરેગા યોજનામાં પોતાને લાભ થતો હોય તેવા મસ્ટરો કાઢવામાં અને તેના બીલો ઝડપી મંજુર કરવામાં ઉત્સાહપુર્વક કામ કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. વધુમા તાલુકામાં એવી પણ ચર્ચા છે કે, ટી.ડી.ઓ. દિનેશભાઈ  પટેલના ધર્મપત્નિની તબિયત નાદુરસ્ત રહેતી હોઈ તેઓ પોતાને અનુકુળ જગ્યા ઈડર તાલુકા પંચાયતમાં બદલી કરાવવા માગે છે. ટી.ડી.ઓ.ને વિસનગરમાં નોકરી કરવામા કોઈ રસ નથી. ટી.ડી.ઓને મનરેગા યોજનાના કામો કરવામાં ભરપુર રસ છે. પણ તેઓ નોકરીના જોખમે કોઈપણ મસ્ટર કે બિલમાં સીધી સહી કરતા નથી. જેથી મનરેગા નાકામોમાં સરપંચ કે કોન્ટ્રાક્ટરના બિલોમાં સહીઓ કરાવવા માટેની વહીવટની જવાબદારી મદદનીશ ટી.ડી.ઓ.ને સોંપી છે. ત્યારે કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ મદદનીશ ટી.ડી.ઓ.ના વહીવટી કામગીરીના ભારણને દુર કરવા ટી.ડી.ઓ. દિનેશભાઈ પટેલની તાત્કાલિક અસરથી બદલીની કાર્યવાહી કરશે ખરાં? અત્યારે તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલે પંડિત દિનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને મનરેગા યોજનામાં મંજુરી પેટે મળવા પાત્ર રૂા.૧૭૦૦૦ સહાયનો લાભ આપવા મદદનીશ ટી.ડી.ઓ. પંકજભાઈ શ્રીમાળી અને સમાજ કલ્યાણ નિરીક્ષક કૈલાશબેન રબારીને કડક સુચના આપી છે. હવે આ બંન્ને અધિકારી તાલુકા પંચાયત પ્રમુખની સુચનાનો કેટલો અમલ કરે છે તે જોવાનુ રહ્યુ? હાલતો ટી.ડી.ઓ. અને મદદનીશ ટી.ડી.ઓ. મનરેગા યોજનાના લાભાર્થીની જેમ લાભ લઈ રહ્યા હોવાનું ચર્ચાય છે.

વિસનગર તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા કામોના બિલોમાં સહીઓ કરાવવા માટેના વહીવટની જવાબદારી આઈ.આર.ડી. શાખાના મદદનીશ ટી.ડી.ઓ. ઉત્સાહપુર્વક નિભાવી રહ્યા છે

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us