મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે સ્ટાફ ક્વાર્ટસનુ ભૂમિપૂજનસિવિલ હોસ્પિટલમાં રૂા.૪.૫૫ કરોડના ખર્ચે ૧૭ યુનિટ તૈયાર થશે
કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલનો ચોતરફ વિકાસ થઈ રહ્યો છે. અદ્યતન સારવાર માટેના બિલ્ડીંગનુ બાંધકામ ધમધોકાર ચાલુ છે. ત્યારે ફરજ બજાવતા ડાક્ટર અને સ્ટાફ માટે રૂા.૪.૫૫ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ ક્વાર્ટસનું કેબિનેટ મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરાયુ હતુ.
બહારના જોગીને સંત તો માન્યા પણ વિકાસ કામના આશિર્વાદ ન આપ્યા
સનાતન હિન્દુ ધર્મની ભાષા પ્રમાણે ઘરનો જોગી જોગટો અને બહારનો જોગી સંત અને ઈસ્લામિક ભાષા પ્રમાણે ઘર કી મુરઘી દાલ બરોબર કહેવત મુજબ વર્ષ ૨૦૨૧ના સપ્ટેમ્બર માસ પહેલા સ્થાનિક આગેવાનોએ ક્યારેય વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલને પોતાના નેતા ગણ્યા ન હોતા કે ક્યારેય આવકાર્યા ન હોતા. જ્યારે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ પાસે કામ માટે દોડી જતા હતા. પરંતુ બહારના જોગી નિતીનભાઈ પટેલે સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગના પ્રથમ માળના રૂા.૪ કરોડ ના ફાળવ્યા તે ન જ ફાળવ્યા. જ્યારે ઘરના જોગી ઋષિભાઈ પટેલે કેબિનેટ મંત્રી બનતાની સાથે જ વિસનગરના લોકોને વિનામુલ્યે અદ્યતન તબીબી સેવાઓ મળી રહે તે લાગણીથી કરોડો રૂપિયા ફાળવી સિવિલ હોસ્પિટલનું ભાગ્ય ખોલી નાખ્યુ. સિવિલ હોસ્પિટલમા કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડાક્ટર અને સ્ટાફને રહેવાની સગવડ મળે તે માટે અદ્યતન રૂા.૪.૫૫ કરોડના ખર્ચે ૧૭ ક્વાટર્સ તૈયાર થઈ રહ્યા છે. જેનું તા.૨૯-૬-૨૦૨૩ના રોજ કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય કરશનભાઈ સોલંકી, જીલ્લા કલેક્ટર નાગરાજન, સિવિલ અધિક્ષક ડા.પારૂલબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, આર.કે.પટેલ તથા જે.કે.ચૌધરી તથા અન્ય સભ્યો, હોસ્પિટલ સ્ટાફ, પી.આઈ.યુ.ના વિપુલભાઈ પટેલ વિગેરેએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અમદાવાદના સત્યમ કન્સ્ટ્રક્શન કું.ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. ૧૨ મહિનામાં ક્વાટર્સ તૈયાર કરવાની મુદ્ત છે. આ સ્ટાફ ક્વાટર્સમા 3 BHK જેમાં એટેચ સંડાસ બાથરૂમ, બે બેડરૂમ ધરાવતા ૧૩૭.૪૦ ચો.મી. ના ઈ ટાઈપના બે ક્વાટર્સ બનશે.
હોસ્પિટલમાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયુ
વિસનગર સિવિલ હોસ્પિટલની જગ્યા અને બિલ્ડીંગ નાગરવણીક દાતાઓના દાનથી અસ્તિત્વમા આવ્યુ છે. દાતાઓની નગરીમાં હોસ્પિટલમાં જ્યારે પણ દાનનીજરૂર પડે છે ત્યારે વસ્તુ રૂપે દાન મળી રહે છે. છેલ્લા કેટલાક સમયમાં દાતાઓ દ્વારા હોસ્પિટલમાં વિવિધ દાન આપવામાં આવ્યુ છે. જેમાં સમીરખાન વજીરખાન પઠાણે કપડા ધોવા રૂા.૨,૭૦,૦૦૦/-ની કિંમતનુ હેવી વોશીંગ મશીન, સમીમબાનુ વ્હોરા દ્વારા ૩૫૦ લીનુ મોટું રેફ્રીજરેટર, રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા રૂા.૪૦,૦૦૦/-ના ખર્ચે એલ.ઈ.ડી. ટીવી, કિરીટભાઈ કનૈયાલાલ પટેલ દ્વારા રૂા.૬૦,૦૦૦/- કિંમતની એલ.ઈ.ડી. ટીવી તથા સમર્થ ડાયમંડ દ્વારા લગભગ રૂા.૧ લાખની કિંમતનુ ડેડ બોડી સાચવવા માટે ડીપ ફ્રીઝ જેવુ મોર્ચ્યુરી બોક્ષ દાનમાં આપવામાં આવતા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
2 BHK જેમા એટેચ સંડાસ બાથરૂમનો એક બેડ ધરાવતા ૭૨.૯૬ ચો.મી.ના ડી ટાઈપના પાંચ ક્વાટર્સ બનશે. જ્યારે 1 BHK ૬૨.૬૧ ચો.મી.ના ૧૦ ક્વાટર્સ તૈયાર થશે. હાલમાં પી.એમ.રૂમ છે એ બાજુ ક્વાટર્સ બનશે. વિસનગરના જાણીતા જ્યોતિષિ રાજુભાઈ મહારાજે મંત્રોચ્ચારથી કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ પાસે પુજા અર્ચના કરાવી ભૂમિપૂજન કરાવ્યુ હતુ. ભૂમિપૂજન બાદ કમાણા રોડ ઉપર મંત્રીશ્રીના હસ્તે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો શુભારંભ કરાયો હતો.