Select Page

કાંસાથી સધી માતાનો રોડ ૭ મીટર પહોળો કરવા રૂા.૩૬૦ લાખની મંજુરી

કાંસાથી સધી માતાનો રોડ ૭ મીટર પહોળો કરવા રૂા.૩૬૦ લાખની મંજુરી

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલનુ ટ્રાફીક વ્યવસ્થાપનમાં ત્વરીત કાર્ય

વિસનગરમાં ટ્રાફીકનુ ભારણ રહેતુ હોવાથી ઉંઝા રોડ તરફ જતા તમામ વાહનો મહેસાણા સિધ્ધેશ્વરી માતાના મંદિરથી કાંસા તરફના રોડનો ઉપયોગ કરી રહ્યા છે. આ રોડ ઉપર ટ્રાફીક વધતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ભલામણથી રોડ પહોળો કરવા રૂા.૩.૬૦ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. આઈ.ટી.આઈ. ફાટક રોડ બંધ કરાયા બાદ શહેરમાં ટ્રાફીક વધતા આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં મળેલ મીટીંગમાં પણ કાંસા સધીમાતાનો રોડ પહોળો કરવા ચર્ચા થઈ હતી. જ્યારે જશુભાઈ પટેલે પણ રોડની પહોળાઈ વધારવા આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી.
ઓવરબ્રીજના કારણે મહેસાણા ચાર રસ્તાથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા અત્યારે તમામ વાહનો વિસનગર શહેરમાંથી પસાર થતા ખુબજ ટ્રાફીક રહે છે. શહેરના ટ્રાફીકનો સામનો કરવો પડે નહી તે માટે મહેસાણા રોડથી ઉંઝા રોડ તરફ અવરજવર કરતા તમામ વાહનો સિધ્ધેશ્વરી માતાના મંદિરથી કાંસા રોડનો ઉપયોગ કરી રહ્યા છે. કાંસા બસ સ્ટેન્ડ નં.૧ થી સિધ્ધેશ્વરી માતાના મંદિર સુધીનો રોડ ૩ મીટર પહોળાઈનો હોવાથી વાહનોની અવરજવર વધતા ટ્રાફીકમા ખુબજ મુશ્કેલી થતી હતી. આ રોડ ઉપર કાંસા ગામના ખેડૂતોના ખેતર આવેલા છે. ખેડૂતો બાઈક કે એક્ટીવા ઉપર ચારનો ભારો લઈ આવતા ટ્રાફીકના કારણે અકસ્માતનો ભય રહેતો હતો. આ રોડ ઉપર રેલ્વે અંડરપાસ આવેલો છે. જ્યા ઓછી હાઈટવાળા ડંપર અને ટ્રકો પણ પસાર થતી હોવાથી ૩ મીટર પહોળાઈનો રોડ હોવાના કારણે ટ્રાફીકમાં ભારે અડચણ ઉભી થતી હતી.
દિવાળી બાદ આઈ.ટી.આઈ. રોડ બંધ કરાયા બાદ શહેરમાં ટ્રાફીક નિરંકુશ થતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની અધ્યક્ષતામાં ટ્રાફીક નિયમન માટે મીટીંગ મળી હતી. જેમાં કાંસાથી સધી માતાનો રોડ પહોળો કરવા રજુઆત થઈ હતી. આ ઉપરાંત્ત તત્કાલીન જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનની અધ્યક્ષતામાં મળેલી મીટીંગમાં પણ કાંસા સધીમાતાનો રોડ પહોળો થાય તો ટ્રાફીકમાં સાનુકુળતા રહે તેવી ચર્ચા થઈ હતી. આ સીવાય ભાજપ અગ્રણી જશુભાઈ પટેલે પણ આરોગ્ય મંત્રીને કાંસા બસ સ્ટેન્ડ નં.૧ થી સધી માતાનો રોડ પહોળો કરવા રજુઆત કરી હતી.
વિસનગર શહેરમાંથી પસાર થયા વગર બારોબાર મહેસાણાથી ઉંઝા તરફ અને ઉંઝાથી મહેસાણા તરફ જવા માટે આ રોડ વાહનચાલકો માટે સાનુકુળ હોઈ આરોગ્ય મંત્રીએ રોડ ૩ મીટરમાંથી ૭ મીટર પહોળાઈનો કરવા જાન્યુઆરી-૨૦૨૫ મા ગાંધીનગર માર્ગ મકાન વિભાગમાં ભલામણ કરી હતી. જેમાં આશરે ૨.૫ કિ.મી.ના રોડની ૭ મીટરની પહોળાઈ વધારવા રૂા.૩.૬૦ કરોડની મંજુરી મળતા ખાસ કરીને કાંસા ગામના ખેડૂતો તથા નિયમિત અવરજવર કરતા વાહનચાલકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.