વિસનગરના દરેક જાહેર માર્ગ ઉપર રખડતી ગાયનો ત્રાસ
પાલિકાને રખડતા ઢોરની સમસ્યા દેખાતી નથી
- વીપઆઈપી એન્ટ્રી હોય તો જ ગાયો ડબ્બે પુરાય
વિસનગરમા અત્યારે દરેક જાહેર રસ્તા તથા ચાર રસ્તા ઉપર રખડતી ગાયોનો ધાડેધાડ જોવા મળી રહ્યા છે. શહેરના લોકો એક તરફ ટ્રાફીકની સમસ્યાનો સામાનો કરી રહ્યા છે. ત્યારે રખડતી ગાયો રોડ ઉપર બેસતા ટ્રાફીકમા ભારે અડચણ ઉભી થઈ રહી છે. વીઆઈપી એન્ટ્રી થવાની હોય તો ઉપરી અધિકારીઓની સુચનાથી ચીફ ઓફીસર દોડતા થઈ ગાયો ડબ્બે પુરે છે. પરંતુ જેમના ટેક્ષથી પાલિકાનો વહીવટ ચાલે છે તે શહેરના લોકોની નડતી રખડતા ઢોરની સમસ્યાનુ નિવારણ કરવાનુ ચીફ ઓફીસરની મુનાસીબ લાગતુ નથી. વિસનગર પાલિકા કોન્ટ્રાક્ટરો પાસે ઝડપી વિકાસ કરાવવામા લાચાર, શહેરને ખાડારાજમાંથી મુક્ત કરવામા લાચાર શહેરીજનોની સમસ્યાનુ નિવારણ કરવામા લાચાર અને હવે રખડતા ઢોર હટાવવામા પણ લાચાર જોવા મળી રહી છે. પાલિકાના નિષ્ફળ વહીવટના કારણે શહેરના લોકો અનેક મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યા છે. જેમા રખડતી ગાયોના કારણે પણ મુશ્કેલીઓ વધી છે. શહેરના એકપણ જાહેર માર્ગ એવો નથી કે જ્યા રોડ ઉપર ગાયો બેઠેલી જોવા મળતી ન હોય કમાણા ચાર રસ્તા, ધરોઈ કોલોની રોડ, કાંસા ચાર રસ્તા, દેણપ ત્રણ રસ્તા, સવાળા દરવાજા, એમ.એન.કોલેજ રોડ, પટણી દરવાજા ફતેહ દરવાજા ટ્રાફીકથી ખુબજ વ્યસ્ત એવો ગૌરવ પથ આમ તમામ વિસ્તારોમા રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. આઈ.ટી.આઈ બ્રીજના કારણે શહેરના લોકો છેલ્લા છ માસથી ટ્રાફીકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે અત્યારે ચોમાસામા જાહેર રોડ ઉપર અડ્ડો જમાવીને બેઠેલી ગાયોને ઉઠાડવામા નહી આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડે છે. દર વર્ષે ચોમાસામા રસ્તા ઉપર બેઠેલી ગાયો હટાવવા માટે પાલિકા દ્વારા સ્ટાફ ફાળવવામા આવે છે. પરંતુ લોક સમસ્યા નિવારણની જેમની જવાબદારી છે તે ચીફ ઓફીસર નિષ્ફળ વહિવટની શરમમા શહેરમા ફરતા જ ન હોવાની શહેરના લોકો રખડતી ગાયોનો કેટલો ત્રાસ સહન કરી રહ્યા છે તે જોઈ શકતા નથી. જાહેર રોડ ઉપરથી રખડતી ગાયો હટાવવાનુ કામ પાલિકાનુ છે. ત્યારે પાલિકા તંત્રને કોઈની દરકારજ નહી હોવાથી ગાયો પકડવાની કે હટાવવાની કોઈ જ કાર્યવાહી થતી નથી. શહેરમા રખડતી ગાયો પકડવાની પાલિકાની સક્ષમતા વી.આઈ.પી.એન્ટ્રી સમયે જ જોવા મળે છે. વિસનગરમા મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય કે વડનગરમા કોઈ મોટો સરકારી કાર્યક્રમ હોય ત્યારે શહેરમાંથી પસાર થતા મોટા ગજના નેતાઓ કે ઉચ્ચ અધિકારીઓનો કાફલાને પસાર થવામા કોઈ અડચણ ઉભી ન થાય તે માટે રખડતી ગાયો પકડવામા આવે છે. વીઆઈપી એન્ટ્રી સમયે રોડ ઉપર એક પણ રખડતુ ઢોર જોવા મળતુ નથી. ગાયો પકડી આદર્શ હાઈસ્કુલ સામેના પાલિકાના કંમ્પાઉન્ડમા પુરવામા આવે છે. જ્યારે જેમના મતથી ભાજપને સત્તા મળે છે અને જેમના ટેક્ષથી વહીવટ ચાલે છે તેવા શહેરના લોકોને નડતી રખડતી ગાયોની સમસ્યા દૂર કરવામા પાલિકાના બોર્ડને કે ચીફ ઓફીસરને કોઈ ચિંતા નથી.