Select Page

ચુંટણીઓમાં હવે ઈલુ ઈલુ બંધ-બળદેવજી ઠાકોર

ચુંટણીઓમાં હવે ઈલુ ઈલુ બંધ-બળદેવજી ઠાકોર

વિસનગર શહેર તાલુકા કોંગ્રેસની મીટીંગ મળી

“સંગઠન સૃજન અભિયાન” કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી તા.૪-૮-૨૫ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે મહેસાણા રોડ ઉપર આવેલ સિધ્ધેશ્વરી માતાના મંદિરના હૉલમાં મળી હતી.
આ કાર્યક્રમમાં કડી-કલોલના પૂર્વ ધારાસભ્ય અને નવ નિયુક્ત મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને મહેસાણા જિલ્લા પ્રભારી દિનેશભાઈ ગઢવી, બેચરાજી પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, જિલ્લાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી, નગરપાલિકા વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈ, શહેર પ્રમુખ વિષ્ણુભાઈ દવે, તાલુકા પ્રમુખ વિજયભાઈ ઠાકોર, મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જિલ્લાના આગેવાનો જીતુભાઈ ચૌધરી, જયદીપસિંહ ડાભી, બાબુ રાયકા સહિત શહેર તેમજ તાલુકા તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરતજી ઠાકોર બેચરાજીએ સંપૂર્ણ વિગત સહિત જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમ યોજવાનુ મુખ્ય કારણ સંગઠન મજબૂત કરવાનું છે. સંગઠનમાં એક્ટીવ સભ્યોનો સમાવેશ કરી આગામી દિવસોમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધુમાં વધુ જીતે અને કોંગ્રેસ શાસીત નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બને એ દિશામાં આપણે આગળ વધીએ. દરેક સમાજને સાથે રાખી સંગઠન બનાવવામાં આવે તો ચોક્કસ ફાયદો થવાનો જ છે. અત્યારે જનતાને સ્પર્શતા કેટલાય મુદ્દાઓ છે જે લઈ આપણે જનતા વચ્ચે જવું પડશે. આંદોલનો થકી જનતાને ન્યાય અપાવવો પડશે. ખાલી દેખાવો કરી ફોટા પડાવી, ધરપકડો વહોરવી એ કોંગ્રેસના કાર્યકરનું કામ નથી. તમે બધા એક્ટીવ થશો તો ચોક્કસ જનતા આપણી સાથે જોડાશે. જનતા ત્રાહિમામ છે. જલ્દીમાં જલ્દી સંગઠનમાં ફેરફાર જરૂર જણાય ત્યાં કરવામાં આવશે.
પ્રભારી દિનેશભાઈ ગઢવીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે, જે કંઈ ત્રુટિઓ રહી ગઈ છે એમાં અમે પણ ક્યાંક ઉણા ઉતર્યા હોઈશું. પરંતુ હવે ચાલે તેમ નથી અને ચલાવાય તેમ પણ નથી. રોટલી ને ફેરવો નહી તો દાઝી જાય એમ સંગઠનમાં પણ ફેરફાર ન કરીએ તો દાઝતું જ આવે. મારા પિતાશ્રી ભૈરવદાન ગઢવી(બી.કે.ગઢવી) એ વિસનગરની એમ.એન. કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેઓ અમને ઘણીવાર કહેતા કે વિસનગર રાજકીય રીતે ખુબજ એક્ટીવ વિસ્તાર છે. અત્યારે હું મારા પિતાની વિદ્યા ભૂમિ પર છું ત્યારે ગર્વ અનુભવુ છું કે અહીંથી ભણી ગણીને તૈયાર થયેલ. મારા પિતાએ કેન્દ્રમાં તેમજ ગુજરાતમાં વિવિધ હોદ્દાઓ પર રહી પ્રજાની મુશ્કેલીઓને દૂર કરવા માટે હંમેશા સફળ રહ્યા છે. વિસનગરમાંથી ઘણું શીખવાનુ છે, મારી જરૂર પડે ત્યાં પક્ષના કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપી પક્ષને મજબૂત બનાવીશ.
નવ નિયુક્ત પ્રમુખ બાહોશ નેતા તરીકેની છાપ ધરાવતા બળદેવજી ઠાકોરે એમના પ્રવચનમાં માર્મિક શબ્દોમાં જણાવ્યુ હતું કે, સંગઠનમાં કે ચૂંટણીઓમાં ઈલુ ઈલુ ચલાવવાનું હવે બંધ, ભૂતકાળમાં કોણે શું કર્યુ તે અત્યારે ચર્ચવુ નથી. પણ હું જ્યારે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે આવ્યો છું એ પક્ષના મોવડી મંડળે મારા પર મુકેલ વિશ્વાસનું પરિણામ છે. હું પ્રમુખ પદની રેસમાં નહોતો છતાં પણ પ્રભારી મુકુલ વાસનિકજીએ મારી પસંદગી કરી. એનું કારણ એજ છે કે મને પક્ષ પ્રત્યેની નિષ્ઠાથી કામ કરવામાં રસ છે. એકતરફી વલણ દર્શાવતા અધિકારીઓ ભાજપના કાર્યક્રમમાં મંજુરી આપે અને આપણા કાર્યક્રમમાં પરવાનગી ન આપે એ જરાય ચલાવી લેવાનુ નથી. આગામી ચૂંટણીઓમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા તથા વિધાનસભાના ઉમેદવારો પસંદ કરવાની સ્વતંત્રતા રાહુલજીએ તમને અને અમને આપી છે. ત્યારે કોઈપણ વાદ-વિવાદ વગર સર્વ સંમત ઉમેદવારોની પસંદગી અત્યારથી જ ચર્ચાય અને ઉમેદવારો પણ જીતવા માટે કામે લાગી જાય એ દિશામાં કામ કરવાનું છે. રાહુલજીએ પોતાના દાદીને ૩૨(બત્રીસ) ગોળીયોથી વિધાયેલ જોયા છે. રાજીવજીને બાબ ધડાકામાં શહીદ થયા એ જોયુ છે, છતાં પણ સહેજ પણ ડર્યા વગર પુરી તાકાતથી સત્તા સામે લડે છે. રોજેરોજ અલગ અલગ રાજ્યના મુદ્દાઓને લઈ જનતાના અવાજ તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે તમારી અને મારી ફરજ બને છે કે એમના વિશ્વાસમાં ખરા ઉતરીએ. ફક્ત વિસનગરનીજ જવાબદારી તમને સોંપુ છું તેમાં ક્યાંય આપણે ખોટી વાતોમાં આવી અને નવા વિવાદો ઉભા ન કરીએ. કોઈને અન્યાય નહી થાય એની હું આપ સૌને ખાત્રી આપું છું. ક્યાંય કોઈ ટિકીટ કે બીજા કોઈ કામ માટે પૈસાની વાત કરે તો મને જાણ કરજો એકજ દિવસમાં સસ્પેન્ડ કરવાની ખાત્રી આપું છું.
મારે પરિણામ જોઈએ છે તે મારા એકલાથી નથી આવવાનું. એ માટે તમારે બધાએ વિચારધારા સાથે જોડાયેલા રહી પક્ષને વફાદારીપૂર્વક મદદરૂપ થવું પડશે. આજે હૉલની સંખ્યા જોઈ ખુબ આનંદ થાય છે. ખુબજ મોટી સંખ્યામાં આપ પધાર્યા છો તો ચોક્કસ પરિણામ લાવીશું.
આ કાર્યક્રમમાં આમ આદમીમાંથી સોનલબેન પટેલ તેમજ ભાન્ડુના આગેવાનો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. જેમનું કોંગ્રેસમાં ખેસ પહેરાવી આગેવાનોએ સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમ બાદ પ્રમુખ તેમજ પ્રભારીએ જે કાર્યકરોની સંગઠન અંગેની તેમજ નવા પ્રમુખો માટેની જે ચર્ચા કરવાની હોય તેમને અલગથી મળી તેમના મંતવ્યો જાણ્યા હતા. વિશ્વાસ આપ્યો હતો કે બધી રીતે પાવરફૂલ, લડાયક, અભ્યાસુ, સર્વ સમાજને સાથે લઈ ચાલે તેમજ કોંગ્રેસ પક્ષના સિધ્ધાંતોને વરેલ હોય તેવા પ્રમુખો આપીશ. મારા-તારાની વાત નહી ચાલે પરંતુ પક્ષને જીતાડવા રાત-દિવસ એક કરે તેવા લોકોની વરણી થશે.
આ કાર્યક્રમમાં વિસનગર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, પૂર્વ ડેલીગેટ મણાજી ઠાકોર, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોર, એસ.સી સેલમાંથી મહેશભાઈ રાઠોડ, કડાના આગેવાન મથુર કાકા, બાબુભાઈ રાયકા રંગપુર, હેમુભાઈ દેસાઈ છોગાળા, વસંતીબેન પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.