Select Page

વિસનગર દિવાળી પહેલા ડસ્ટની ધુમ્મસમાંથી મુક્ત થશે

વિસનગર દિવાળી પહેલા ડસ્ટની ધુમ્મસમાંથી મુક્ત થશે
  • આરોગ્ય મંત્રીની રસ્તા રીસરફેશ કરવા અધિકારીઓને તાકીદ
  • જીયુડીસી ગટરલાઈનનુ કામ પૂર્ણ નહી કરે ત્યા સુધી હાઈવે ઉપર સીસી રોડ બનાવવો મુશ્કેલ

વિસનગરના ખાડાઓમાં વેટમીક્ષ નાખવામાં આવતા ઉડતી ડસ્ટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં મહેસાણા રોડ ઉપર મહિલાનો વેટમીક્ષના લોલીપોપનો વીડીયો વાયરલ થયો ત્યારથી આરોગ્ય મંત્રીના શહેરની આ સમસ્યા ઈન્ટરનેશનલ લેવલે ચગતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. શહેરને ખાડારાજમાંથી મુક્ત કરવા આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં મળેલી મીટીંગમાં અધિકારીઓને ખાસ તાકીદ કરવામાં આવતા શહેરમાં હાઈવે ઉપર ડામર રોડનુ કામ યુધ્ધના ધોરણે શરૂ થઈ ગયુ છે. શહેરના ખાડા પુરવા પાલિકા તંત્ર પણ સતર્ક બન્યુ છે. તંત્રની હાલની કામગીરી જોતા દિવાળી પહેલા વિસનગર ડસ્ટની ધુમ્મસમાંથી મુક્ત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
વિસનગર શહેરમાં એક તરફ વિકાસ કામ તો બીજી તરફ આઈ.ટી.આઈ. ફાટક બંધ હોવાના કારણે ભારે વાહનોની અવરજવરથી શહેરના રસ્તાઓ તૂટી જતા જે ખાડારાજ થયુ છે તે ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યુ નથી. શહેરના અસંખ્ય ખાડાઓમાં પટકાઈને ત્રાસી ગયેલા શહેરીજનોનો રોષ તંત્રના અધિકારીઓની જગ્યાએ આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલ સામે જોવા મળતો હતો. આગળ પાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે ખાડારાજના કારણે રાજકીય નુકશાન ન થાય તે માટે ખાડા પુરવા વરસાદ બંધ થાય તેની રાહ જોવાતી હતી. શહેરમાં એક તરફ ખાડાનો ત્રાસ તો બીજી તરફ ખાડા પુરવા નાંખવામાં આવતા વેટમીક્ષથી ઉડતી ડસ્ટની ધુમ્મસનો ત્રાસ એમ બેવડી હેરાનગતીથી લોકો વાજ આવી ગયા હતા. વરસાદ બંધ થતાની સાથેજ શહેરના લોકોની નારાજગી પારખી ગયેલા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રોડ રીસરફેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ધારાસભ્ય કાર્યાલયમાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં બીજા શનિવારની રજા હોવા છતા અધિકારીઓ સાથે મીટીંગ કરાઈ હતી. આ મીટીંગમાં પ્રાન્ત ઓફીસર વિકાસ રાતડા, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી, આર એન્ડ બી ના ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જિનીયર ડી.આર.પટેલ વિગેરે અધિકારીઓએ હાજરી આપી હતી. મીટીંગમાં આરોગ્ય મંત્રીએ શહેરના રોડ રીસરફેસ કરવાની તાકીદ સાથે અન્ય વિકાસ કામોની પણ ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રીની તાકીદ બાદ જ્યા વધુમાં વધુ ડસ્ટ ઉડી રહી છે તે હાઈવે ઉપર કડા ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી એક તરફનો ડામર રોડ બની ગયો છે, જ્યારે બીજી તરફના રોડનુ રીસરફેસ કામ ચાલુ છે. મહેસાણા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના ૩ કી.મી. રોડમાં બ્રીજનો એક કીમી બાદ કરતા બાકીના રોડ ઉપર સીસી રોડનુ ટેન્ડરીંગ થઈ ગયુ છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે. પરંતુ ગંજબજારના ખેરાલુ રોડના ગેટથી કાંસા ચાર રસ્તા સુધી જીયુડીસીની ગટરલાઈનનુ કામ બાકી હોવાથી સીસી રોડનુ કામ થાય તેમ નથી. પાલડી ત્રણ રસ્તાથી કાંસા ચાર રસ્તા તરફના રોડ ઉપર અત્યારે ખુબજ ડસ્ટ ઉડે છે. જ્યા ડામરનુ પેચવર્ક કરવા ટેન્ડર તાંત્રીક મંજુરીમાં મોકલી આપ્યુ છે. જે મંજુરી મળશે કે તુર્તજ ખોદેલા ભાગમાં ડામરનુ પેચવર્ક કરવામાં આવશે. હાઈવે ઉપર જીયુડીસીનુ કામ પૂર્ણ થશે કે તુર્તજ સીસી રોડનુ કામ શરૂ થશે.
મહેસાણા રોડ પાલિકા આઈકોનિક રોડ બનાવતુ હોવાથી આ રોડ ઉપર જ્યા ખાડા છે ત્યા માર્ગ મકાન વિભાગ દ્વારા ડામરનુ પેચવર્ક કરવામાં આવશે. સવાલા દરવાજા લક્ષ્મી સોસાયટીથી સીંધી સોસાયટી સુધી પાલિકા દ્વારા સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે. પાલિકાએ ડામર કામ માટે ટેન્ડરીંગ કર્યુ છે. ટેન્ડર ખુલશે એટલે તુર્તજ એમ.એન.કોલેજ રોડ ઉપર આકાશ આંખની હોસ્પિટલ આગળ ડામર રોડ બનાવવામાં આવશે. કોલેજ ફાટકથી આઈટીઆઈ ચાર રસ્તા ઉપર બીટીસી માર્કેટ સામેના ભાગમાં પણ ડામર રોડ બનાવવામાં આવશે. દિવાળી પહેલા શહેરના લોકોને ખાડામાંથી તેમજ ડસ્ટથી ધુમ્મસમાંથી મુક્તી મળે તેવુ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.