ટીડીઓ અને તેમની ટીમની સક્રીય સેવાથી વિસનગર જીલ્લામાં બીજા નંબરે તાલુકામાં કૃષિ સહાયની ૨૦,૧૭૩ માંથી ૧૮ હજારથી વધુ અરજી મંજુર
કમોસમી વરસાદના કારણે હજ્જારો ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ. ત્યારે ખેડૂતોને આર્થિક સહાય કરવા માટે સરકારે ૧૦ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. જેમાં વિસનગર તાલુકાના ૨૦૧૭૩ ખેડૂતોએ કૃષિ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જેમાં ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરી સહિત તાલુકા પંચાયત ટીમે દિવસ-રાત મહેનત કરીને ૧૮૦૦૦ થી વધુ અરજીઓ મંજુર કરી ખેડૂતોને કૃષિ સહાયનો લાભ આપવાની ઉત્તમ કામગીરી કરી છે.
સરકારે ગરીબ, મધ્યમ તથા જરૂરીયાત પરિવારો માટે અનેક જન કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી છે. પરંતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની આળસ, બેદરકારી કે ભ્રષ્ટ નિતિના કારણે કેટલાય સાચા લાભાર્થીઓ સરકારી સહાયનો લાભ લઈ શકતા નથી. અથવા સરકારી સહાયનો લાભ મેળવવા કચેરીના ધક્કા ખાતા હોય છે. બે મહિના પહેલા કમોસમી વરસાદના કારણે સમગ્ર ગુજરાત રાજ્યના હજ્જારો ખેડૂતોના પાકને નુકશાન થયુ હતુ. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. ત્યારે સરકારે ખેડૂતોને આર્થિક મદદરૂપ થવા માટે રૂા.૧૦ હજાર કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ હતુ. સરકારે પાક નુકશાનીના પુરાવા આધારે ખેડૂતોને ઝડપી સહાય ચુકવવાની કામગીરી કરવા તાલુકા અને જીલ્લાના જવાબદાર અધિકારીઓને આદેશ કર્યો હતો. સાથે સાથે ખેડૂતોને સહાયનો લાભ મેળવવા જાગૃત પણ કર્યા હતા. જેમાં વિસનગર તાલુકાના ૨૦૧૭૩ ખેડૂતોએ કૃષિ સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. જેમાં ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીની સતત દેખરેખ હેઠળ સુપરવિઝન અધિકારી, ધવલભાઈ ડી.ચૌધરી, ટી.એલ.ઈ. મનિષભાઈ નાયી, નિતિનભાઈ પટેલ અને અજયકુમાર કડીયા સહિતની ટીમે છેલ્લા ૧૫ દિવસથી મોડી રાત સુધી ખેડૂતોને સરકારની કૃષિ સહાયનો લાભ આપવાની કામગીરી કરી રહ્યા છે. જેમાં ટીડીઓ અને તાલુકા પંચાયતની ટીમની દિવસ રાતની કામગીરીથી ૨૦૧૭૩ માંથી ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીએ ૧૮૦૦૦ થી વધુ ખેડૂતોની અરજીઓ મંજુર કરી છે. આ કામગીરી દરમિયાન સર્વરના તથા વારંવાર લોગઈનના ઈશ્યુ હોવા છતાં તાલુકા પંચાયતના કર્મચારીઓએ દરેક અરજીઓ ચકાસી મોડી રાત સુધી નિષ્ઠાપૂર્વક કામ કરી ખેડૂતોને સરકારી સહાયનો લાભ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તાલુકા પંચાયતના ટીમ વર્કથી અત્યારે સમગ્ર મહેસાણા જીલ્લામાં ખેડૂતોને કૃષિ સહાયનો લાભ આપવામાં વિસનગર તાલુકો બીજા નંબરે છે. વિસનગર તાલુકાના ખેડૂતોના ખાતામાં રૂા.૫૦૦૦ થી લઈને રૂા.૪૪૦૦૦ સુધી તબક્કાવાર કૃષિ સહાય જમા થઈ રહી છે અને બાકીની અરજીઓ મંજુર કરવાની કામગીરી ચાલી રહી છે.