Select Page

દિવાળીના તહેવારમાં આસપાસના જરૂરીયાતમંદ પરિવારમાં પણ ખુશી લાવીએ

દિવાળીના તહેવારમાં આસપાસના જરૂરીયાતમંદ પરિવારમાં પણ ખુશી લાવીએ

આર્થિક સંકડામણ અનુભવતા અનેક પરિવાર છે

  • તંત્રી સ્થાનેથી…

દિવાળીનો તહેવાર ઉજાશ અને ઉલ્લાસનું પર્વ છે. નવા વર્ષનો પ્રારંભ થતો હોવાથી હિન્દુ સમાજ આ પર્વનો આતુરતાથી રાહ જોતો હોય છે. દિવાળી એ પરિવારમાં ખર્ચ કરાવતો તહેવાર છે. પૈસા પાત્ર લોકો નવા કપડા, બુટ ચંપલ, ફટાકડા, મીઠાઈ અને ફરસાણ પાછળ ઘણો ખર્ચ કરે છે. પરિવારમાં આનંદ તથા ખુશી માટે ખ્યાલ રાખવામાં આવે છે. દિવાળીના તહેવારની ખુશી બેવડાય તે માટે કેટલાક લોકો આ તહેવારમાં નવા વાહનની કે ઘરમાં રાચ રચીલા માટે ખરીદી કરતા હોય છે. લક્ષ્મીજીની કૃપા હોય તેવા લોકો આ તહેવારમાં પરિવારની ખુશી માટે કોઈ કચાશ રાખતા નથી. ત્યારે આપણી આસપાસ એવા લોકો પણ છે જે આર્થિક સંકડામણમાં હોય છે. દરિદ્રતા તેમનો પીછો છોડતી નથી. આવા પરિવારના લોકો બે ટંકનો રોટલો તો ગમે તેમ કરીને પુરો કરે છે. પરંતુ તહેવારમાં લાચારી અનુભવતા હોય છે. વર્ષ દરમ્યાન આર્થિક સંકડામણનો શ્રાપ હસતા મોઢે સહન કરી લે છે. પરંતુ સમાજના મોટાભાગના લોકો જ્યારે દિવાળી તહેવાર ઉજવતો હોય છે ત્યારે જરૂરીયાતમંદ પરિવારના સભ્યોની સ્થિતિ વિકટ બની જતી હોય છે. કારણકે આવા પરિવારના બાળકોને ફટાકડા ફોડવાનુ, મીઠાઈ, ફરસાણ ખાવાનુ કે નવા કપડા પહેરવાનુ નશીબ હોતુ નથી. આવા પરિવારના પતિ પત્નીને પોતાના માટે તહેવારમાં કંઈ લાવી શક્યા નથી તેનુ દુઃખ હોતુ નથી, પરંતુ બાળકો માટે કંઈ લાવી શક્યા નથી તેનુ અસહ્ય દુઃખ હોય છે. સમાજમાં એવા કેટલાક પરિવાર હોય છે જે સ્વમાન ખાતર કોઈની સામે હાથ ફેલાવી શકતા નથી. કોઈને મદદ કરવી એ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સંસ્કાર છે. કોરોના કાળમાં લોકડાઉન થવાના કારણે રોજગારી મેળવતા નાના ધંધાદારીઓ, નાના પગારદારો તેમજ છુટક મજુરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ત્યારે વિવિધ સંસ્થાઓ, મિત્ર મંડળો, વેપારી મિત્રોએ કરિયાણાની કીટ બનાવી મદદ કરી હતી. એકબીજાના સહકારથી આવા કપરા કાળમાંથી લોકો બહાર આવ્યા. તહેવારોમાં પણ જરૂરીયાતમંદ પરિવારની સ્થિતિ આવીજ હોય છે. સુખી સંપન્ન પરિવાર અને તેમના બાળકો દિવાળી તહેવારની ઉજવણી કરતા હોય છે, ત્યારે જરૂરીયાતમંદ પરિવારના બાળકો લાચાર બનીને જોતા હોય છે. દિવાળી તહેવારમાં જરૂરીયાતમંદ પરિવારમાં ખુશીનો સંચાર થાય તેવુ કાર્ય કરવુ કે આ પરિવારના બાળકોના મુખ ઉપર ખુશહાલી આવે તેવા કાર્યથી અનેક ઘણુ પુણ્ય મળે છે. ખર્ચ કરવાથી ઘટે છે અને મદદ કરવાથી વધે છે. દિવાળી તહેવારમાં આપણી આસપાસના જરૂરીયાતમંદ પરિવારને આર્થિક મદદ ન કરી શકીએ તો આવા પરિવારના બાળકોને નવા કપડા અપાવીને, આવા પરિવારમાં મીઠાઈ કે ફરસાણ આપીને કે ફટાકડાની કીટ આપીને મદદરૂપ બની શકાય. માનવતાની દિવાલમાં સારી કંડીશનમાં હોય તેવા ઉપયોગમાં ન આવતા હોય તેવા કપડા આપીને પણ મદદરૂપ બની શકાય. ઘણી સંસ્થાઓ દ્વારા સ્લમ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે પૈસા પાત્ર લોકો વધારાના ખર્ચમાં કાપ કરી બચત રકમમાંથી કે મિત્ર મંડળો ફંડફાળો એકઠો કરી દિવાળીના તહેવારમાં આસપાસના જરૂરીયાતમંદ પરિવારમાં ખુશી લાવવાનો પ્રયત્ન કરવો એ આપણી સૌની ફરજ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us