
પ્રમુખના અચાનક રજા રીપોર્ટ બાબતે મત મતાંતરસતલાસણા તાલુકા પંચાયતનો ચાર્જ ઉપપ્રમુખ જગાજી ઠાકોર પાસે
સતલાસણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સાશન છે. પ્રમુખ તરીકે મનીષાબેન દિપકકુમાર પટેલ સત્તા સંભાળી રહ્યા છે. તેમની મુદ્ત સપ્ટેમ્બર-૨૦૨૩માં પુર્ણ થવાની છે. કોંગ્રેસ દ્વારા પોતાના સભ્યોને સાચવવા હાલ મનીષાબેન પટેલને પ્રમુખ પદેથી રજા રીપોર્ટ અપાવી ઉપપ્રમુખ જગાજી લક્ષ્મણજી ઠાકોરને પ્રમુખનો ચાર્જ અપાવ્યો છે. કોંગ્રેસ સપ્ટેમ્બર-૨૦૨૩માં આવનારી તાલુકા પંચાયત પ્રમુખની ચુંટણીમાં પોતાના સભ્યોને સાચવવા મનીષાબેન પટેલનો રજા રિપોર્ટ અપાવ્યાની ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસના જ્ઞાતિવાદી સમીકરણ ગોઠવવાના માસ્ટર સ્ટ્રોકની ચર્ચા
સતલાસણા તાલુકા પંચાયતના પ્રમુખ મનીષાબેન દિપકકુમાર પટેલ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સતલાસણાને સંબોધી પત્ર લખ્યો હતો. સામાજીક તથા ધાર્મિક કારણોસર ૫-૭-૨૦૨૩ થી ૨૦-૭-૨૦૨૩ એમ ૧૬ દિવસ વહિવટી કાર્યમાં હાજર રહી શકીએ તેમ નથી તો રજા મંજુર કરવા વિનંતી કરી છે. અને ૨૧-૭-૨૦૨૩ના રોજ વહિવટમાં રાબેતા મુજબ હાજર થશે. આ પત્રથી સતલાસણા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે કે, ખરેખર શું છે? કેમ બે અઠવાડીયા માટે રજાનો રિપોર્ટ આપ્યો છે. આ બાબતે તપાસ કરતા બિન સત્તાવાર જાણવા મળ્યુ કે, ૨૦૨૪ની લોકસભાની ચુંટણીને કારણે પ્રમુખ પદે ઠાકોર સમાજનો વ્યક્તિ હતો તેવી જાહેર ચર્ચા કરી શકે માટે જગાજી ઠાકોરને હાલ પુરતો પ્રમુખ પદનો ચાર્જ સોંપ્યો છે. કોંગ્રેસમાંથી ચુંટાયેલા (૧) અંબાબેન નાગજીજી ઠાકોર (હડોલ) (૨) કનુભાઈ બારોટ (રાણપુર) (૩) જગાજી લક્ષ્મણજી ઠાકોર (સરદારપુર ચી) (૪) પાનીબેન ભરતભાઈ ચૌધરી (સરતાનપુર) (૫) મનીષાબેન દિપકકુમાર પટેલ (સતલાસણા-૧)(૬) જયંતિભાઈ મધાભાઈ પરમાર (સતલાસણા-૨) (૭) વસંતકુમાર વાડીલાલ જોષી (ઉંમરી) તથા (૮) ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી (ઉમરેચા) આમ ૧૬ પૈકી ૮ સભ્યો કોંગ્રેસ પાસે છે. ગત સવા બે વર્ષ પુર્વે ભાજપના ધરોઈ સીટના જમનાબેન વિક્રમજી ઠાકોરે કોંગ્રેસની તરફેણ કરી હતી જેથી કોંગ્રેસને સત્તા મળી હતી. હવે બંન્ને પક્ષે ૮-૮ સભ્યો છે. ત્યારે ખરેખર સતલાસણા તાલુકા પંચાયતનોે આગામી પ્રમુખ પદ ઠાકોર સમાજને મળવુ જોઈએ. પરંતુ કોંગ્રેસ પક્ષે ખાનગીમાં ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરી કે જે રાણપુર સીટમાંથી જીત્યા છે તેમજ દાહોદ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ છે. તેમને પ્રમુખ બનાવવા હાલ ઠાકોર સમાજને ટેમ્પરરી પ્રમુખ બનાવ્યા છે. સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રમુખને રજાનો રિપોર્ટ અપાવવા પાછળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ જીલ્લા ડેલીગેટ કુલદિસપસિંહ ચૌહાણ અને એક કોંગ્રેસના અગ્રણીનો હાથ હોવાનું ચર્ચાય છે. હાલ બિન સત્તાવાર જાણવા મળ્યુ છે કે, ઉમરેચા સીટના ડેલીગેટ ભીખાભાઈ ચેલાભાઈ ચૌધરીને કોંગ્રેસ સતલાસણા તાલુકા પંચાયતમાં પ્રમુખ બનાવવા માંગે છે. સતલાસણા તાલુકા પંચાયતના ૧૬ સભ્યોમાથી ચૌધરી સમાજના બે સભ્યો કોંગ્રેસમાંથી ચુંટાયા છે. ઠાકોર સમાજના બે-બે સભ્યો કોંગ્રેસ -ભાજપમાંથી ચુંટાયા છે. સતલાસણા તાલુકા પંચાયતમાં વર્ષો પછી ઠાકોર સમાજને પ્રમુખ બનવાનો વારો આવ્યો છે. ત્યારે આ તક છીનવી લઈ ચૌધરી સમાજના વ્યક્તિને પ્રમુખ બનાવવાનું ગોઠવાય છે તેવુ સતલાસણાના રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય છે. ભાજપમાંથી પ્રમુખ પદના દાવેદાર બાબતે હજુ સુધી કોઈનુ નામ ફાઈનલ થયાનું જાણવા મળ્યુ નથી. સતલાસણા તાલુકામાથી કોંગ્રેસને વિધાનસભામાંથી લીડ મળી નથી પરંતુ ૨૦૨૪ની લોકસભાની ચુંટણીને ધ્યાને રાખી કોંગ્રેસે સોગઠીઓ ગોઠવવાનું શરૂ કર્યુ છે. તેની સામે ભાજપના આગેવાનો શું કરે છે તે જાણવા મળ્યુ નથી.
સતલાસણા તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન પટેલ દ્વારા સામાજીક અને ધાર્મિક કારણ બતાવી રજા ચિઠ્ઠી આપી છે પણ આ વાત કોઈને ગળે ઉતરતી નથી. જોઈએ હવે આગામી સમયમાં શુ થાય છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ભાજપની સત્તા આવે તે માટે શામ-દામ-દંડ-ભેદની નિતી અખત્યાર કરે તો જ ભાજપને સત્તા મળે તેવુ દેખાય છે.