Select Page

વિસનગરમાં ૧૨ થી ૧૪ વર્ષના ૫૦૭૯ બાળકોને વેક્સીનેશન

વિસનગરમાં ૧૨ થી ૧૪ વર્ષના ૫૦૭૯ બાળકોને વેક્સીનેશન

૬૦ વર્ષથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ શરૂ

ભારત દેશમાં કોરોનાની પીછેહઠ પાછળ એકમાત્ર કારણ હોય તો સમગ્ર દેશમાં ૯૫ ટકા ઉપરાંત્ત વેક્સીનેશન. ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વેક્સીનની મંજુરી મળતાજ વિસનગર તાલુકા હેલ્થ ઓફીસે ત્વરીત ગતિએ કામ કરી ૫૦૭૯ બાળકોને પ્રથમ ડોઝ આપ્યો છે. ૬૦ વર્ષથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ શરૂ થતા સિનિયર સિટીઝન લાભ લઈ રહ્યા છે.
કોરોના કાળનો સુર્ય મધ્યાહને તપતો હતો. ભારત સહીત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે દેશના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કોરોના વેક્સીનને મંજુરી મળતા ભારત દેશના કેટલાક લોકો સહીત વિશ્વના દેશો ભારતની વેક્સીનની હાંસી ઉડાવતા હતા. અત્યારે ચીન, હોંગકોંગ, થાયલેન્ડ, અમેરીકા સહીતના દેશોમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જ્યારે ભારત દેશમાં પોઝીટીવ કેસની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. તેનુ એક માત્ર કારણ હોય તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રોત્સાહનથી તૈયાર થયેલી સ્વદેશી વેક્સીન અને દેશમાં ૯૫ ટકા ઉપરાંત્તનુ વેક્સીનેશન.
તા.૧૬-૩ ના રોજથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોબીંવેક્સ વેક્સીન આપવાની મંજુરી મળી છે. કોરોનાના કારણે બાળકોનુ ભણતર બગડ્યુ છે. ત્યારે વેક્સીનની મંજુરી મળતાજ વિસનગર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા ૮૧૨૪ ના ટાર્ગેટ સામે ફક્ત પાંચ દિવસમાં ૫૦૭૯ બાળકોને પ્રથમ ડોઝ આપ્યો હતો. બીજો ડોઝ ૨૮ દિવસ બાદ આપવામાં આવશે. ૧૫ થી ૧૭ વર્ષના વેક્સીનેશનમાં ૧૨૨૬૧ નો ટાર્ગેટ હતો. જેમાં ૧૩૬૧૬ ને એટલે કે ટાર્ગેટ કરતા વધુને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૯૫૭૪ ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ રમતોત્સવ તથા પરીક્ષાનો માહોલ હોવાથી સેકન્ડ ડોઝની ગતિ ધીમી પડી છે.
કોરોનાની જાન્યુઆરી ૨૦૨૨ માં ત્રીજી લહેર વખતે ૬૦ વર્ષ ઉપરના હેલ્થકેર, ફ્રન્ટલાઈન વર્કર તથા કોમોર્બીડીટી સિનિયર સીટીઝન્સને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ અત્યારે ૬૦ વર્ષથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. શહેર અને તાલુકાના થઈ કુલ ૧૦૯૪૮ સિનિયર સિટીઝને બુસ્ટરડોઝ લીધો છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશમાં વેક્સીનેશન શરૂ કરવામાં આવ્યુ છે ત્યારથી વિસનગર શહેર અને તાલુકામાં ૧૮ વર્ષથી ઉપરના કુલ ૧,૯૪,૫૩૦ ને વેક્સીન આપવાના ટાર્ગેટ સામે ૧,૮૫,૬૫૪ ને ફર્સ્ટ ડોઝ અને ૧,૭૮,૮૫૭ ને સેકન્ડ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સીનનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ થવાથી હવે ૪૫ કે તેથી ઉપરની વર્ષના તમામને બુસ્ટર ડોઝ આપવા સરકાર વિચારતી હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. કદાચ ટુંક સમયમાંજ આ બાબતે નિર્ણય કરાશે.
વિસનગર શહેર અને તાલુકામાં વેક્સીનેશનના દરેક ટાર્ગેટ પુર્ણ કરવામાં તાલુકા હેલ્થ ઓફીસ સ્ટાફ તથા હેલ્થ વર્કરોની સેવા ખરેખર સરાહનીય છે. તાલુકા હેલ્થ ઓફીસર ર્ડા.આર.ડી.પટેલના માર્ગદર્શનમાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સીનેશનની સેવા આપવામાં આવી રહી છે. તાલુકાની ફીમેલ હેલ્થ વર્કર, આશા બહેનો, એમ.પી.એમ.ડબ્લ્યુ વિગેરે વધુમાં વધુ વેક્સીનેશન થાય તે માટે તત્પર રહે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts