Select Page

દલિત સોસાયટી વિસ્તારને ગંદકીના શ્રાપમાંથી કોણ મુક્ત કરશે

કાંસા એન.એ.ગ્રામ પંચાયતનુ ભેદભાવભર્યુ વલણ

જ્યા સવર્ણ સમાજના લોકોનો વહીવટ છે ત્યા દલિત સમાજના લોકોને કાયમ શોષવા વારો આવે છે. કાંસા એન.એ.દલિત સોસાયટી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનુ તળાવ ભરાવાની સમસ્યા અન્ય મોટા સમાજના વિસ્તારની હોત તો તેનો ક્યારનોય નિકાલ થઈ ગયો હોત. વિવેકનગર સોસાયટી પાછળ ગટરના પાણીનુ તળાવ ભરાવાની સમસ્યા વર્ષોની છે. વારંવાર રજુઆત કરવા છતા નિકાલ આવતો નથી. ત્યારે વિવેકનગર સોસાયટી વિકાસ કમિટિના પ્રમુખ તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમાર તથા મંત્રી આર.જે.વણકરની સહીથી આવેદન આપવામાં આવ્યુ છેકે કાયમી નિકાલ કરવામાં નહી આવે તો આંદોલન કરવાની ફરજ પડશે. એન.એ.દલિત વિસ્તારની સોસાયટીના કેટલાક નેતાઓ લોકોના ખોળે બેસી જતા હોવાથી તેમની રજુઆતથી પીપુડી સંભળાતી નથી. પરંતુ આ વખતે ગણપતભાઈ પરમારની રજુઆત છે ત્યારે ગટરના તળાવની સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી લોકોને આશા બંધાઈ છે. નોધપાત્ર બાબત છેકે ગણપતભાઈ પરમાર જ્યારે પણ પુરી હિંમત અને નિડરતાથી લોકહિતનો પ્રશ્ન લઈને નિકળ્યા છે ત્યારે પરિણામ મેળવીને જંપ્યા છે.
વિસનગર કાંસા એન.એ. ગ્રામ પંચાયત દ્વારા આજનો નહી પરંતુ ઘણા વર્ષથી દલિત વિસ્તારની સોસાયટી પ્રત્યે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એન.એ.પંચાયતના અન્ય મોટા સમાજના વિસ્તારમાં સ્વચ્છતા અને સુવિધાઓ છે. જ્યારે દલિત સમાજની સોસાયટી વિસ્તારમાં નરી ગંદકી અને અસુવિધાઓ છે. કાંસા એન.એ. ગુરૂકુળ રોડ ઉપરની વિવેકનગર સોસાયટીના સી-વિભાગની પાછળ ગટરના ગંદા પાણીનુ તળાવ ભરાય છે. ગટરના પાણીની નિકાલ કરતી પાઈપો આગળથી તોડી નાખવામાં આવી છે. જેથી બારેમાસ ગંદા પાણીનુ તળાવ ભરાઈ રહે છે. તળાવની આસપાસની દલિત સમાજની સોસાયટીના લોકો અત્યારે નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે. માથુ ફાટી જાય તેવી દુર્ગંધ આખો દિવસ ફેલાયેલી રહે છે. ગટરનું ગંદુ પાણી હોવાથી મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે.
વિવેકનગર સોસાયટી ઉપરાંત્ત શ્રીનાથ ૧-૨, નવનિધિ, શ્યામસુંદર, ઈશ્વરકૃપા વિગેરે સોસાયટીના લોકો ગંદા પાણીના તળાવથી હેરાન થઈ રહ્યા છે. આ તળાવમાં સવારે ચાર બોરના રેલા જેટલુ ગંદુ પાણી ઠલવાય છે. જ્યારે આખો દિવસ એક બોરનો રેલા જેટલું ગંદુ પાણી સતત ચાલુ રહે છે. ગંદા પાણીની સતત આવકના કારણે તળાવ ખાલી થતુ નથી. આ વિસ્તારના બની બેઠેલા કેટલાક આગેવાનોએ વખતો વખત ગટર લાઈન માટે રજુઆત કરી છે પરંતુ પીપુડી વાગી નથી. ચોમાસામાતો પારાવાર ગંદકી સર્જાય છે. ત્યારે વર્ષોની સમસ્યાનો કોઈ અંત લાવી શક્યુ નથી.
વિવેકનગર સોસાયટી વિકાસ કમિટિના પ્રમુખ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમાર, મંત્રી આર.જે.વણકર સહીત સોસાયટીના લોકોએ સહીઓ કરી કાંસા એન.એ.ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કલેક્ટર તથા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યુ છેકે તળાવમાં પાણી ખેચવાના પંપ મુકી તેમજ પાઈપલાઈન નાખી ગંદા પાણીનો નિકાલ કરવામાં નહી આવે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે કાર્યક્રમ તેમજ અમરણાંત્ત ઉપવાસ ઉપર બેસી આંદોલન કરવામાં આવશે.

• પંપ મુકી તળાવમાંથી ગટરનુ પાણી ખેચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી
• વિવેકનગર સોસાયટી વિકાસ કમિટીના પ્રમુખ તથા પાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમારની રજુઆતનુ વજન પડશે ખરૂ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us