ભાજપને કે કેબીનેટ મંત્રીને હવે ક્યારેય કોઈની જરૂર પડવાની નથી-કાર્યકરોમાં રોષ
ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં મહત્વના હોદ્દેદારો કપાયા
વિસનગર શહેર અને તાલુકા ભાજપના આભાર દર્શન કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મહત્વના હોદ્દેદારોની બાદબાકી જોવા મળી હતી. સૌના સાથથી સૌનો વિકાસના ભાજપના આ સુત્ર વિરુધ્ધ જઈ કોના ઈશારાથી ચુંટણીમાં મહત્વની કામગીરી કરનાર હોદ્દેદારોને પડતા મુકાયા તેની કાર્યકરોમાં ચર્ચાઓ થઈ રહી છે. કેટલાક કાર્યકરોએ તો એવી પણ નારાજગી વ્યક્ત કરી હતી કે શુ હવે કેબીનેટ મંત્રી કે ભાજપને કાર્યકરોની જરૂર નથી. લોકસભાની ચુંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કાર્યકરો અને આગેવાનોની અવગણના ભાજપને નુકશાન કરી શકે તેમ છે.
વિસનગર શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા માર્કેટયાર્ડના સરદાર ગંજમાં વિધાનસભાની ચુંટણીમાં મળેલા પરિણામ અંતર્ગત આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધાનસભાની ચુંટણીની સભાઓ તથા પ્રચારમાં જે રીતે આગેવાનોને સ્થાન આપવામાં આવતુ હતુ તે રીતે સ્ટેજ ઉપર આગેવાનોને સ્થાન મળશે. સ્ટેજ આગેવાનોથી ભરાઈ જશે તેવી ધારણા હતી. પરંતુ સ્ટેજ ઉપર કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ઉપરાંત્ત ફક્ત ત્રણજ આગેવાનને સ્થાન હતુ. જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ આર.કે., તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ તથા શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ ગળીયા સ્ટેજ ઉપર હતા. બાકીના તમામ આગેવાનોને અને મહત્વના હોદ્દેદારોને અન્ય કાર્યકરોની સાથે સરખાવી દીધા હતા.
કોના ઈશારે સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થા કરવામાં આવી તેની કાર્યકરોમાં ચર્ચા
માર્કેટયાર્ડના ચેરમેન પ્રીતેશભાઈ પટેલ, વાઈસ ચેરમેન હરેશભાઈ ચૌધરી, તાલુકા સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ચુંટણીમાં ઋષિભાઈ પટેલની સાથે પડછાયાની જેમ રહેનાર કમલેશભાઈ જીવાભાઈ પટેલ, ચુંટણી દરમ્યાન તાલુકાના ગામડા તથા શહેરમાં સભાઓ ગજવનાર હિરેનભાઈ પટેલ વાલમ, રાજુભાઈ ચૌધરી, એલ.કે.પટેલ, અંકિતભાઈ પટેલ જેવા અદના હોદ્દેદારોને સ્ટેજ ઉપરના સ્થાનમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. કોઈપણ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર સ્થાન મેળવનાર જશુભાઈ પટેલ(કાંસા) ને પણ નીચે બેસાડવામાં આવ્યા હતા. જોકે જશુભાઈ પટેલે ઋષિભાઈ પટેલના વિરોધમાં સભા કરી બેફામ વાણી વિલાસ કર્યો હતો. તેના કારણે હવે પાંચ વર્ષ ગણના નહી થાય. પરંતુ ઉપસ્થિત અન્ય આગેવાનોએ ચુંટણીમાં ઋષિભાઈ પટેલને વિજયી બનાવવા તનતોડ મહેનત કરી હતી તેમની સ્ટેજ ઉપરથી બાદબાકી કરવા પાછળનુ રહસ્ય શુ? કાર્યકરોમાં એવો પણ રોષ હતો કે જશુભાઈ પટેલે ખુલ્લેઆમ ઋષિભાઈ પટેલનો વિરોધ કર્યો હતો. જ્યારે જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ પટેલે પણ ટીકીટની દાવેદારીમાં સામેના ગૃપમાં બેસી ઋષિભાઈ પટેલનો વિરોધ કરવામાં કંઈ બાકી રાખ્યુ નહોતુ છતાં કાર્યક્રમમાં સ્ટેજ ઉપર સ્થાન આપવામાં આવ્યુ.
કઈ ગણતરીમાં સ્ટેજ ઉપર સ્થાન આપવમાં આવ્યુ અને બાદબાકી કરવામાં આવી તેની કાર્યકરોમાં ચર્ચાઓ થઈ રહી છે. આભાર દર્શન કાર્યક્રમમાં વિધાનસભાની ચુંટણીમાં પડદા પાછળ ઋષિભાઈ પટેલને હરાવવા ફરતા આગેવાનો તથા કાર્યકરો પણ જોવા મળ્યા હતા. ભાજપ તેના મજબુત સંગઠન તેમજ કાર્યકરો તથા આગેવાનોથી ઉજળુ છે. દુઃખ(ચુંટણી)ના સમયે દુશ્મનને પણ મીઠો આવકાર આપવામાં આવતો હતો. ત્યારે સુખના સમયે મદદકર્તાઓને પડતા મુક્યાની, અવગણના કરવાની પધ્ધતિ કોના ઈશારે અપનાવવામાં આવી રહી છે તેનો ગણગણાટ જોવા મળ્યો હતો.