સજીવ ખેતી માટે કિસાન સેવા કેન્દ્રનો પ્રારંભ
વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલની ખેડૂત મંડળમાં નામ નોધાવવા અપીલ
- રાસાયણિક ખેતી કેમ નહીં ?
- જમીનની ફળદ્રુપતામાં ખૂબજ ઘટાડો થયો છે જેથી જમીન ખૂબજ કઠણ થઈ છે. • પાણી અને પર્યાવરણ દુષિત થયા છે જેના કારણે કમોસમી વરસાદ, દરરોજ હવામાનમાં બદલાવ, પાકમાં રોગ અને પુષ્કળ પ્રમાણમાં જીવાતનું પ્રમાણ વધ્યુ છે. • પાકની ગુણવત્તા ખરાબ થાય છે અને ઉત્પાદન ઘટે છે. • ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે જેથી ખેતી મોંઘી લાગી રહી છે. • મનુષ્ય તથા પ્રાણીઓના ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું છે જેના લીધે રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે અને અલગ-અલગ રોગો થવાનું પ્રમાણ ખુબજ વધી ગયેલ છે.
- સજીવ ખેતીની જરૂરીયાત શા માટે?
- જમીનની ફળદ્રુપતા, ભેજ, સંગ્રહ ક્ષમતા તથા ઉત્પાદન ક્ષમતાનો વધારો કરે છે. • ભેજ સંગ્રહ ક્ષમતા વધવાથી પાણીની બચત થાય છે. • પર્યાવરણ દુષિત થતું અટકે છે અને તેની સંતુલનતા જળવાઈ રહે છે. • માત્ર એક દેશી ગાયના ગોબર-ગૌમુત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. • ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, પાકની ગુણવત્તામાં વધારો થાય છે તેમજ પાકના ભાવમાં વધારો થાય છે. • મનુષ્ય તથા પ્રાણીઓના સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધનમાં વધારો.
- ખેડૂતોએ ઉપરોક્ત સજીવ ખેતીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી સરળ અને સાચી ખેતી પધ્ધતિ અપનાવવી અનીવાર્ય છે. જેથી આપણા ઘર, ગામ અને દેશના સ્વાવલંબનનું નિર્માણ થાય.
વિસનગર તાલુકાના ખેડૂતો સજીવ (ઓર્ગેનિક – પ્રાકૃતિક) ખેતી તરફ વળે અને સારા ભાવ મળે તે માટે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલના પ્રયત્નોથી માર્કેટયાર્ડમાં કિસાન સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જ્યા સજીવ ખેતીનુ ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સજીવ ખેતી માટે ખેડૂત મંડળ – જૂથ બનાવવામાં આવી રહ્યુ છે. જેમાં નામ નોધાવવા ચેરમેન દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.
અનાજ અને શાકભાજીના ઉત્પાદનમાં રાસાયણીક બીયારણ, ખાતર અને દવાઓના ઉપયોગથી કેન્સરના કેસ વધી રહ્યા છે. ખેતીમાં વધારે ઉત્પાદન લેવાની લાલચમાં રાયાસણિક ખાતર, દવાઓનો આડેધડ ઉપયોગ સમાજ માટે ખતરારૂપ છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં વિસનગર માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ દ્વારા વિસનગર પંથકના ખેડૂતો સજીવ ખેતી તરફ વળે તે માટે સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, સેક્રેટરી કમલેશભાઈ પટેલ તથા માર્કેટયાર્ડના કર્મચારી ગણની ઉપસ્થિતિમાં કિસાન સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં સજીવ ખેતી માટે ખેડૂત મંડળ – જૂથ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત પાસે બે વિઘા જમીન કે તેથી વધુ જમીન હોય તે રૂા.૧૫૧/- રજીસ્ટ્રેશન ફી ભરીને ખેડૂત જૂથમાં નામ નોધાવી શકશે.
વિસનગર માર્કેટયાર્ડમાં શરૂ કરવામાં આવેલ કિસાન સેવા કેન્દ્ર કઈ રીતે ઉપયોગમાં આવશે અને ખેડૂત જૂથમાં નામ નોધાવવાથી તેનો ખેડૂતોને શુ ફાયદો થશે તે બાબતે માર્કેટયાર્ડના ચેરમેન પ્રિતેશભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યુ છેકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઈ શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની સજીવ ખેતીની વિચારધારાને આગળ વધારવા એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્સરના રોગનુ પ્રમાણ વધતા લોકોને રાસાયણીક ખાતર કે દવાઓ વગરનુ ખેત ઉત્પાદન મળે, સજીવ ખેતીથી ખેડૂતોને સારો ભાવ મળે અને સજીવ ખેતી તરફ ખેડૂતો આકર્ષાય તે માટેનો સહિયારો પુરૂષાર્થ છે. કિસાન સેવા કેન્દ્રમાં તેમજ ખેડૂત જુથ મંડળમાં નામ નોધાવનાર ખેડૂતને સજીવ ખેતી કઈ રીતે કરવી તેનુ માર્ગદર્શન આપવામાં આવશે. ઓર્ગેનિક ખેતીનુ ઉત્પાદન વધારવા બાયોપેસ્ટીસાઈડ દવાઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવશે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર તેમજ લીમડાનો અર્ક, જીવામૃત દ્વારા ઓછા ખર્ચે ખેતી દ્વારા વધુ ઉત્પાદન મળે તે માટે ખેડૂત સાથે સતત સંપર્ક રાખવામાં આવશે. ખેડૂત જૂથ મંડળમાં નોધણી કરાવનાર ખેડૂત જ્યા ખેતી કરી હોય ત્યા વિસનગર માર્કેટયાર્ડ તથા જવાબદાર અધિકારી નિયમિત મુલાકાત લેશે. ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી થાય છેકે નહી તેની દેખરેખ રાખવામાં આવશે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનનુ સરકારની બે સંસ્થાઓ દ્વારા પરિક્ષણ અને ઓડીટ કરવામાં આવશે.
ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદિત વસ્તુના વેચાણ માટે ચેરમેન પ્રિતેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, પરિવારનો કોઈ સભ્ય કેન્સરનો ભોગ બને નહી તે માટે એક એવો પણ વર્ગ ઉભો થયો છેકે જે ઓર્ગેનિક વસ્તુઓ મોઘી મળવા છતા તેનો ઉપયોગ કરે છે. ઓર્ગેનિકના નામે બજારમાં છેતરપીંડી પણ થઈ રહી છે. ત્યારે પ્રાકૃતિક ખેતીની વસ્તુઓનો વપરાશકર્તા લોકોને વિશ્વાસ બેસે તે માટે વિસનગર માર્કેટયાર્ડ ખેડૂત જૂથ – મંડળમાં નોધાયેલા ખેડૂત પાસેથી પ્રાકૃતિક ખેતીનુ ઉત્પાદન ખરીદશે. જેનાથી ખેડૂતને સારા ભાવ મળશે અને લોકોને શુધ્ધ ઓર્ગેનિક વસ્તુઓ મળશે. ઓર્ગેનિક ખેતીની વસ્તુઓનો વિદેશોમાં નિકાસ પણ થઈ રહ્યો છે. સતત બે વર્ષ ઓર્ગેનિક ખેતી કર્યા બાદ ત્રીજા વર્ષે આ ખેતીમા ઉત્પાદિત થયેલ વસ્તુઓ એક્સપોર્ટ યોગ્ય કહેવાશે. જેના ખેડૂતોને સારામાં સારા ભાવ મળશે. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ ઓર્ગેનિક ફાર્મીંગના પ્રોત્સાહન માટે એટલા ઉત્સાહી છેકે ખેડૂત મંડળમાં ૫૦૦ થી વધુ ખેડૂતો જોડાશે તો વિસનગર માર્કેટયાર્ડમાં એગ્રોમોલ બનાવવામાં આવશે. જેમા ખેડૂતોને માલના સારા ભાવ મળશે અને લોકોને ઓર્ગેનિક ખેતીની વસ્તુઓ મળી રહેશે. પ્રાકૃતિક ખેતીનો સારો ભાવ મળે, લોકોને શુધ્ધ રાયાસણીક ખાતર કે પેસ્ટીસાઈડ દવાઓ વગરની ખેત પેદાશ મળે અને લોકો કેન્સર જેવા ભયાનક રોગનો ભોગ બનતા અટકે તે માટેનો એક સમાજલક્ષી પ્રયાસ હોવાનુ ચેરમેન પ્રિતેશભાઈ પટેલે જણાવ્યુ છે.