Select Page

જીલ્લા ગ્રાહક કમિશનનો બીલ્ડરને શબક શીખવતો ચુકાદો

જીલ્લા ગ્રાહક કમિશનનો બીલ્ડરને શબક શીખવતો ચુકાદો

પૈસા ચુકવી દિધા હોવા છતા સ્ટેમ્પ કરી આપવા છ વર્ષથી ફેરવતો હતો

  • હપ્તાની મુદતના વચ્ચેના વર્ષથી ચુકવેલી રકમમાં ૧૫ ટકા વ્યાજ સહિત વળતર આપવાનો હુકમ કર્યો
  • ગ્રાહક વતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી

મોટી વગ ધરાવતા માલેતુજાર બીલ્ડરો દ્વારા પુરતી સેવા આપવામાં ન આવે તો મકાન કે પ્લોટ ખરીદનાર કંઈ કરી શકતા નથી. પરંતુ જો ગ્રાહક જાગૃત હોય તો જરૂર ન્યાય મળે છે. પૈસા ચુકવી દિધા હોવા છતા અમદાવાદનો બીલ્ડર સ્ટેમ્પ નહી કરી આપતા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ગ્રાહક સુરક્ષાએ પૈસા ચુકવી દિધા તે છેલ્લા હપ્તાનુ વર્ષ નહી પરંતુ વચ્ચેના વર્ષથી ૧૫ ટકા વ્યાજ સાથે વળતર ચુકવવા તેમજ માનસિક ત્રાસના રૂા.૫૦,૦૦૦ અને ખર્ચના ૧૦,૦૦૦ ચુકવવા હુકમ કરી બીલ્ડરને શબક શીખવ્યો છે.
અમદાવાદના અમાની ગૃપના બીલ્ડર દ્વારા અમાની સર નામની સ્કીમ મુકવામાં આવી હતી. આ સ્કીમમાં ૭૨ હપ્તા સુધી માસિક રૂા.૪૫૦૦/- ચુકવનારને મુદત બાદ ૧૦૦ સ્કવેર ફૂટનો પ્લોટ આપવાનો હતો. હપ્તાની રકમ પોષાય તેમ હોવાથી તેમજ મુદત લાબી હોવાથી ઘણા લોકોએ અમાની સરની સ્કીમમાં નામ નોધાવ્યા હતા. જેમાં વિસનગરના કાંસા એન.એ.વિસ્તાર શ્યામ વિહાર રેસીડેન્સીમાં રહેતા બીપીનકુમાર હરગોવનભાઈ પટેલે તા.૨૮-૨-૨૦૧૨ માં રજીસ્ટ્રેશન કરાવી ૧૪-૬-૨૦૧૭ સુધી ૭૨ હપ્તામાં ૩,૨૪,૦૦૦/- સ્કીમમાં ચુકવ્યા હતા. જ્યારે વિસનગર તાલુકાના બોકરવાડા ગામના મુકેશભાઈ હરગોવનભાઈ પટેલે તા.૧૮-૩-૨૦૧૨ રજીસ્ટ્રેશન કરાવી તા.૨૩-૫-૨૦૧૮ સુધી ૭૨ હપ્તામાં રૂા.૩,૨૪,૦૦૦/- ચુકવ્યા હતા. રકમ ચુકવ્યા બાદ બીલ્ડરે રીસીપ્ટ આપી છ મહિનામાં પ્લોટનો દસ્તાવેજ કરી આપવા બાહેધરી આપી હતી.
ત્યારબાદ બીલ્ડરનો સંપર્ક કરતા તમારૂ નામ વેઈટીંગમાં છે. પ્લોટ ભુલથી બીજાને દસ્તાવેજ કરી આપ્યો છે. સ્કીમ પૈકી કોઈપણ પ્લોટ ખાલી થશે તો ફાળવી આપીશુ તેમ કહી ફેરવવામાં આવ્યા હતા. બે વર્ષ સુધી રાહ જોવા છતા બીલ્ડર દ્વારા વાયદા કરવામાંઆવતા હતા અને દસ્તાવેજ માટે ગલ્લા તલ્લા કરવામાં આવતા હતા. બીલ્ડર દ્વારા શરતોનુ પાલન કરવામાં નહી આવતા આ બન્ને ગ્રાહકો દ્વારા વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહક વતી વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષાએ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાદ માગી હતી. આ કેસમાં જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ એમ.એચ.ચૌધરીએ ગ્રાહકનો યોગ્ય ન્યાય આપતો અને બીલ્ડરને શબક શીખવતો જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ઐતિહાસિક કહી શકાય.
આ બન્ને કેસમાં બીપીનભાઈ પટેલને તા.૧-૬-૨૦૧૫ ના રોજથી વસુલ થાય ત્યા સુધી ૧૫ ટકા ચડતા વ્યાજ સાથે રકમ ચુકવી આપવા તથા મુકેશભાઈ પટેલને તા.૧-૬-૨૦૧૬ ના રોજથી વસુલ થાય ત્યા સુધી ૧૫ ટકા ચડતા વ્યાજ સાથે રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત્ત માનસિક ત્રાસના રૂા.૫૦,૦૦૦ અને ફરિયાદ ખર્ચના રૂા.૧૦,૦૦૦ ચુકવી આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. બીલ્ડરના હાથે છેતરાયેલા બન્ને ગ્રાહકોને ૧૫ ટકાના ચડતા વ્યાજે સાત વર્ષના વ્યાજ સાથે વળતર મળશે. મહત્વની બાબત તો એ છે જીલ્લા ગ્રાહક કમિશન દ્વારા આ કેસ ચલાવીને ૯ માસ અને ૧૩ દિવસમાં હુકમ કરવામાં આવ્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us