Select Page

સાંકળચંદ યુનિવર્સિટીના થનગનાટ મહોત્સવે જીલ્લામાં આકર્ષણ જમાવ્યુ

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે નવરાત્રી મહોત્સવ થનગનાટ-૨૦૨૩ ના મહોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા

ઉત્તર ગુજરાતની શિક્ષણ નગરી, વિસનગર સ્થિત મેડિકલ, પેરામેડિકલ, ટેકનિકલ, હોમિયોપેથિક, ફાર્મસી, ડિઝાઇન, કોમર્સ, સાયન્સ, મેનેજમેંટ, કોમ્પ્યુટર સાયન્સ વિગેરે ક્ષેત્રે શિક્ષણ પૂરું પાડતી પ્રતિષ્ઠિત એવી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સાથે આજના આ મોર્ડન યુગના વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે “થનગનાટ” જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.
યુનિવર્સિટીમાં તારીખ ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ જગત જનની માં અંબેની શક્તિ ઉપાસના અને આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવ “થનગનાટ-૨૦૨૩” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. રાસ-ગરબા મહોત્સવના પ્રથમ દિવસે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના ૧૦૦૦૦ થી વધુ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી પરિવાર તથા આમંત્રિત મહેમાનોએ પરંપરાગત વેશભૂષામાં ઢોલના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.
દર વર્ષે ઉજવાતા યુનિવર્સિટીના રાસ-ગરબા મહોત્સવ “થનગનાટ” નું સમગ્ર મહેસાણા જિલ્લામાં વિશેષ આકર્ષણ છે. મહોત્સવના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયિકા ઋત્વી પંડયા અને તેમની સમગ્ર ટીમે પોતાના મધુર કોકિલ કંઠી સ્વરથી ઉપસ્થિત સર્વેને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતા. વધુમાં યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે ગ્રામ્ય સંસ્કૃતિને દર્શાવતું સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો હતો, જે સર્વે માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ અને જેમાં લોકોએ પોતાની સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા.
શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસથી ભરપુર રાસ-ગરબા મહોત્સવમાં પ્રથમ દિવસે મહેસાણા જીલ્લા સાંસદ સભ્ય શારદાબેન પટેલ, જીલ્લા કલેક્ટર એમ. નાગરાજન, એસ.પી. અચલ ત્યાગી, વિસનગર પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકાના સહકારી, સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
બે દિવસીય નવરાત્રી મહોત્સવ “થનગનાટ-૨૦૨૩” ના બીજા દિવસે પ્રખ્યાત ગુજરાતી લોકગાયક “ભલા મોરી રામા” ફેમ અરવિંદ વેગડા અને તેમની ટીમે પોતાના ગીતોથી રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને રંગબેરંગી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ વિદ્યાર્થી ખેલૈયાઓ, યુનિવર્સિટી સ્ટાફ તથા આમંત્રિત મહેમાનોને સંગીતના તાલે ગરબે ઝૂમતાં કરી દીધા હતા.
યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ હાજર રહ્યા હતા. અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે દિલ્લીથી પધારેલ કેન્દ્ર સરકારના પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોના ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સજ્જન સિંગ અને ક્ષમતા નિર્માણ કમિશનના ડેપ્યુટી સેક્રેટરી સતિશ ટી.જે. ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસીય નવરાત્રિ મહોત્સવને અંતે રાસ-ગરબા રમવામાં અને વેશભૂષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને સ્ટાફને આમંત્રિત મહેમાનો, યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાણી, રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદીના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તેમની વિશેષ ઉપસ્થિતિ માટે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે આયોજનમાં સંકળાયેલ યુનિવર્સિટીના તમામ સ્ટાફના કાર્યને બિરદાવ્યુ હતું.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us