Select Page

સ્વચ્છતા,પાણી,લાઈટના પ્રશ્નોનો અંત-કારણ શું હતું?

સ્વચ્છતા,પાણી,લાઈટના પ્રશ્નોનો અંત-કારણ શું હતું?

પાલિકાના જુથવાદમાં પ્રજાને બાનમાં લેવાઈ હતી?

સ્વચ્છતા,પાણી,લાઈટના પ્રશ્નોનો અંત-કારણ શું હતું?

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર શહેરના વિકાસમાં અને લોક પ્રશ્નોના નિવારણમાં હંમેશા એક મત હોવો જોઈએ. મનભેદ હોય પણ લોકહિતમાં આ ભેદ હોવો જોઈએ નહી તેમ કહી સાંકળચંદકાકા, શીવાકાકા અને રમણીકભાઈ મણીયારને યાદ કરવામાં આવે છે. પરંતુ કરેલા ઉચ્ચારણોનું અનુકરણ કરવામાં આવતુ નથી. વિસનગરની રાજનીતિ એટલી હદે ગંદકીથી ફેલાયેલી છે કે, હવે એકબીજા ઉપર કાદવ ઉછાળવામાં અને જુથવાદમાં લોકો ખોટી રીતે હેરાન ન થાય તેનો પણ વિચાર કરવામાં આવતો નથી. ચીફ ઓફીસર બદલાતાજ સ્વચ્છતા, પાણી અને લાઈટના પ્રશ્નોનો અંત આવી ગયો છે. લોકો આ બાબતે ખોટી રીતે હેરાન થતા હતા તેની પાછળનુ કારણ શુ હતું? કયા સભ્યોની ખોટી દોરવણી અને ચઢામણીથી ચીફ ઓફીસર લોક પ્રશ્નોનુ નિવારણ થવા દેતા નહોતા તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગર પાલિકામાં વિકાસ મંચ અને કોંગ્રેસના ગઠબંધનની સત્તા હતી ત્યાં સુધી પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના શાસનમાં બધુ ટીપટોપ ચાલતુ હતુ. આખો ઉનાળો ગયો આતરે દિવસે પાણી આપવામાં આવતુ હોવા છતાં લોકોને નિયમિત પાણી મળતુ હતુ. નિયમિત સ્વચ્છતા થતી હતી. લાઈટના પ્રશ્નોની નહીવત ફરિયાદો હતી. પરંતુ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની સવા વર્ષની ટર્મ પુરી થયા બાદ રાજીનામુ નહી આપતા અને ત્યારબાદ એકજ દિવસે વિકાસમંચના ૧૭ અને કોંગ્રેસના ૪ સભ્યો થઈ કુલ ૨૧ સભ્યો ભાજપમાં જોડાતા તે પછી લોકોના પ્રશ્નોનુ નિરાકરણ નહી કરી પ્રજાને જે બાનમાં લેવામાં આવી હતી તે યાદ કરીએ તો એમ થાય કે પાલિકામાં કેવી ગંદી રાજનીતિ ચાલી રહી છે. જુથવાદમાં પ્રજાને બાનમાં લેવાનુ પણ ચુકતા નથી?
પાલિકામાં ભાજપના ૨૧ સભ્યો જોડાતા ૨૮ સભ્યોની બહુમતી સાથે સ્વચ્છ, સારો અને સુદૃઢ વહીવટની જગ્યાએ સ્વચ્છતા, પાણી અને લાઈટમાં ભારે હોબાળા થયા હતા. નિયમિત સ્વચ્છતા થતી નહોતી. શહેરમાં ઠેર ઠેર ગંદકી હતી. કચરો ઉઘરાવતી ડોર ટુ ડોરની સેવા અનિયમિત થઈ હતી. ધરોઈ પાણી પુરવઠા દ્વારા પુરતા પ્રમાણમાં પાણી આપવા છતાં આતરે દિવસની પાણી વ્યવસ્થામાં પણ બુમરાડ હતી. ઘણા વિસ્તારોમાં પાણી પહોચતુ નહોતુ. પાલિકામાં અઠવાડીયામાં એક વખત પાણી પ્રશ્ને મહિલાઓનુ ટોળુ આવતુ હતુ. લાઈટના પ્રશ્નોનો નિકાલ આવતો નહોતો. વારંવાર રજુઆતો કરવા છતાં રીપેરીંગ થતુ નહોતુ. સ્વચ્છતા, પાણી અને લાઈટ બાબતે ભારે હોબાળા થતા હતા. ચીફ ઓફીસર સંજયભાઈ પટેલની બદલી થતા અને અશ્વીનભાઈ પાઠકની નિમણુંક થતાની સાથેજ થોડા સમયમાં તમામ હોબાળા સમી ગયા.
અત્યારે શહેરમાં નિયમિત સ્વચ્છતા થાય છે. રોજેરોજ પાણી આપવા છતાં લોકોને નિયમિત પુરતા પ્રમાણમાં પાણી મળે છે. ક્યાંક પાણી મળતું નહી હોવાની ફરિયાદ છે પરંતુ એકંદરે પહેલા કરતાં નિયમિત પાણી થયું છે. લાઈટની ફરિયાદો જોવા મળતી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છેકે લોકોના પ્રશ્નોનુ નિરાકરણ નહી કરી હોબાળા કરાવવા પાછળનુ રહસ્ય શુ? ચીફ ઓફીસર પાલિકાના જુથવાદમાં મળતીયા સભ્યોની દોરવણીથી વહીવટ ખોરવવા લોક ફરિયાદોનુ નિરાકરણ કરતા નહોતા? કે ચીફ ઓફીસરની કોઈ કમજોરી કે દુઃખતી નસ જાણી જતા કર્મચારીઓ ગાંઠતા નહોતા? પાલિકાના જુથવાદના કારણે વહીવટ ખોરવવા પ્રજાને બાનમાં લેવાનુ આ બોર્ડમાં જે કૃત્ય થયુ છે તે ખરેખર વખોડવા લાયક અને નિંદનીય છે. અત્યારે કોઈપણ હોબાળા વગર શાંતીથી પાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે. ચીફ ઓફીસર કયા સભ્યોની દોરવણીથી લોક પ્રશ્નોનો નિકાલ લાવતા નહોતા તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us