કાર્યપાલક ઈજનેરે કલેક્ટરને પત્ર લખ્યો
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિધાનસભાની ટર્મ પુરી થાય તે પહેલા જમીન સંપાદનનુ જાહેરનામુ બહાર પડે તે માટે પુરા પ્રયત્નશીલ
ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા વિસનગરને લગતા મહત્વના વિકાસના દ્વાર ખુલ્યા છે. વિકાસથી વંચીત શહેરના પૂર્વ ભાગનો વિકાસ માટે બાયપાસ રોડ ખુબજ મહત્વનો છે. ત્યારે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે જમીન સંપાદનની આખરી દરખાસ્ત બાદ કાર્યવાહી કરવા કલેક્ટરને પત્ર લખી વિનંતી કરી છે. જમીન સંપાદનની પ્રોશેશ લાબી છે. પરંતુ દરખાસ્ત પરત્વે નિયમાનુસાર કાર્યવાહી કરવાના પત્રથી ફતેહ દરવાજા વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને તક મળી છે તો શહેરના વિકાસ માટે વિધાનસભાની છેલ્લી મુદત સુધી પ્રયત્નો કરવા કટીબધ્ધતા દાખવી છે. વિસનગર શહેરમાં ત્રણ બાજુ વિકાસ થયો છે. પરંતુ પૂર્વ તરફનો ભાગ વિકાસથી વંચીત રહ્યો છે. શહેરમાંથી પસાર થતા હાઈવેના કારણે વારંવાર થતા અકસ્માતો અટકે તેમજ પૂર્વ તરફનો વિકાસ વધે તે માટે તત્કાલીન માર્ગ મકાન મંત્રી આનંદીબેન પટેલે કડા રોડથી વિજાપુર અને સુંશી રોડને ક્રોસ કરી વડનગર હાઈવેને જોડતા બાયપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી. જે માટે વર્ષ ૨૦૧૩ મા જમીન સંપાદનની કામગીરી માટે રૂા.૭ કરોડની ફાળવણી કરી હતી. જે ગ્રાન્ટમંથી વિસનગર બાયપાસ રસ્તાની પથરેખા મંજુર કરવામાં આવી હતી.
વિસનગર શહેર બાયપાસની મંજુરી બાદ માર્ગ મકાન વિભાગ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને ખુંટ મારવામાં આવ્યા હતા. ત્યારબાદ ગમે તે કારણોસર જમીન સંપાદનની કામગીરી ધીમી પડી હતી. વિસનગરમાં ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઈમેજ વધી ન જાય તેવા ઈરાદાથી પણ બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી અટકી હોવાનુ ચર્ચાતુ હતુ. સરકારમાં બેઠેલા અદના નેતાઓએ ધાર્યુ હોત તો વિસનગરનો બાયપાસ અત્યારે શરૂ થઈ ગયો હોત. છેલ્લા ૯ વર્ષથી બાયપાસની ફાઈલ સરકારમાં ધૂળ ખાતી હતી. પરંતુ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતાજ બાયપાસની ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરાઈ છે અને જમીન સંપાદનની કામગીરી આગળ વધી છે. વિસનગરના બાયપાસ માટે કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ મહેસાણા દ્વારા જીલ્લા કલેક્ટરને ૯-૫-૨૦૨૨ ની તારીખથી પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છેકે, જમીન સંપાદનની પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો પેરા ૧૦૪, હિસ્સા ફોર્મ નં.૪, લેન્ડ ટુ બી એક્વાયર તથા લેન્ડ ટુ બી ટ્રાન્સફરની વિગતો નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન પેટા વિભાગ વિસનગરને રજુ કરતા તા.૫-૫-૨૦૨૨ ના પત્રથી જમીન સંપાદનની આખરી દરખાસ્ત મોકલી આપી છે. જે દરખાસ્ત સરકારના ગતિશક્તિ પોર્ટલ ઉપર ઓનલાઈન કરવામાં આવી છે. જેની હાર્ડ કોપી સામેલ કરી આપવામાં આવી છે. જેમાં જમીન સંપાદનની દરખાસ્ત પરત્વે નિયમાનુસારની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યા પ્રમાણે બાયપાસ હાઈવે ૩૦ મીટર પહોળાઈનો બનશે. જમીન સંપાદન માટેનુ જાહેરનામું ટુંક સમયમાં પ્રસિધ્ધ થશે.