Select Page

ટ્રાફીક સમસ્યાનુ વિચારવામાં નહી આવે તો કોઈનો જીવ જોખમાશેબંધ ફાટકના ટ્રાફીકમાં ૨૦ મીનીટ એમ્બ્યુલન્સ ફસાઈ

ટ્રાફીક સમસ્યાનુ વિચારવામાં નહી આવે તો કોઈનો જીવ જોખમાશેબંધ ફાટકના ટ્રાફીકમાં ૨૦ મીનીટ એમ્બ્યુલન્સ ફસાઈ

વિસનગરમાં રેલ્વેની અવરજવર શરૂ થતા ફાટકો ઉપર ટ્રાફીક સમસ્યા વકરી છે. ફાટક બંધ હોવાથી ટ્રાફીકમાં દર્દિને સિવિલમાં લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ હતી. દર્દિની પરિસ્થિતિ ગંભીર નહી હોવાથી કોઈ તકલીફ થઈ નહોતી. પરંતુ બંધ ફાટકના કારણે થતા ટ્રાફીકની સમસ્યાનો વિચાર કરવામાં નહી આવે તો કોઈનો જીવ જોખમાશે તે ચોક્કસ વાત છે.
લગભગ ત્રણ વર્ષ પહેલા વિસનગરના રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રીજની કાર્યવાહી શરૂ થતા લોકોએ વિરોધ કર્યો હતો. વિરોધ કરનાર વેપારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સાંસદ શારદાબેન પટેલના પ્રયત્નોથી ગંજબજાર ફાટકમાં ઉપર ઓવરબ્રીજ અને નીચે અન્ડરબ્રીજ સાથેની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ ફાટક ઉપર બ્રીજનો નિર્ણય પડતો મુકાયો હતો. વિરોધ થયો તે વખતે ટ્રેનો શરૂ થઈ નહોતી. પરંતુ હવે ટ્રેનો શરૂ થતા ફાટક આગળ સર્જાતા ટ્રાફીકને જોઈ બ્રીજનો વિરોધ ભારે પડી રહ્યો છે. હજુ તો દિવસમાં બે ટ્રેન વરેઠા ગાંધીનગર અને વડનગર વલસાડ ટ્રેનની અવરજવર છે છતા ટ્રાફીકની ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે. વડનગરથી લાંબા રૂટની અન્ય ટ્રેનો શરૂ કરવાની માગણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનથી લાંબા રૂટની અન્ય ટ્રેનો પણ શરૂ થશે. બીજી ટ્રેનો શરૂ થશે ત્યારે વિસનગરના ફાટક ઉપર દિવસમાં કેટલી વખત ટ્રાફીક થશે તે વિચારવાની બાબત છે.
વલસાડથી વડનગર ટ્રેન આવે ત્યારે લગભગ દશ થી પંદર મિનીટ પહેલાજ ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેમાં ગંજબજાર ફાટકની વાત કરીએ તો એક બાજુ ગંજબજાર તરફ ભોજનાલય સુધી, બીજી બાજુ નૂતન હાઈસ્કુલના મેઈન ગેટ સુધી તો જી.ડી.રોડ ઉપર લવારીયાઓના ઘર સુધી વાહનો ચક્કાજામ થઈ જાય છે. ટ્રાફીકમાં ફસાયેલા વાહનચાલકો ઉનાળાની ગરમી અને વાહનોના ધુમાડાના પ્રદુષણથી ત્રાહીમામ પોકારી જાય છે. ગત અઠવાડીયે ગંજબજાર ફાટક બંધ હોવાથી એક એમ્બ્યુલન્સ ફસાઈ હતી. ફાટક બંધ થયો ને તુર્તજ કાંસા રોડ તરફથી એમ્બ્યુલન્સ આવી હતી. ટ્રાફીકમાં ફસાયેલી આ એમ્બ્યુલન્સ પંદરથી વીસ મિનીટ બાદ નૂતન હાઈસ્કુલ તરફ નિકળી શકી હતી. એતો નસીબજોગ સામાન્ય અસર ધરાવતા દર્દિ એમ્બ્યુલન્સમાં હતા. ગંભીર અકસ્માતમાં ઈજા પામેલ કોઈ દર્દિને લઈ આવતી એમ્બ્યુલન્સ ફાટક બંધ હોવાથી ફસાશે તો શુ દશા થશે. તંત્રએ હવે શહેરના રેલ્વે ફાટકો ઉપર સર્જાતા ટ્રાફીકની બાબતને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us